નાગપુર: આધુનિક વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે વિશ્વના શક્તિશાળી દેશો માત્ર પરંપરાગત યુદ્ધનીતિને બદલે બહુઆયામી વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે. આ વાતની નોંધ ભારતે પણ લીધી છે અને પોતાની સુરક્ષા બહુઆયામી બને તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ વાતનો પડઘો તાજેતરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાડ્યો હતો.
યુદ્ધો ખૂબ જ જટિલ બની ગયા છે અને તે ફક્ત સરહદો સુધી મર્યાદિત નથી, પરંતુ ઊર્જા, વેપાર, ટેરિફ, સપ્લાય ચેઇન, ટેકનોલોજી અને માહિતી પણ હવે તેના નવા પરિમાણોનો ભાગ છે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે અહીં જણાવ્યું હતું. સોલાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે મધ્યમ કેલિબર દારૂગોળા સુવિધાના ઉદ્ઘાટન સમારોહમાં એક સભાને સંબોધતા તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે સંરક્ષણ ઉત્પાદન ફક્ત જાહેર ક્ષેત્ર સુધી મર્યાદિત હતું અને કોઈ પણ ખાનગી ક્ષેત્રની ભાગીદારી ધરાવતું નહોતું. ખાનગી ક્ષેત્ર પાસે ક્ષમતા અને સંભાવના હતી પરંતુ તેની ભાગીદારી તે સ્તરે નહોતી જે હોવી જોઈએ, તેમણે ઉમેર્યું.
દેશ જ્યારે 'આત્મનિર્ભરતા' તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે ખાનગી ક્ષેત્રના સંરક્ષણ ઉત્પાદન અંગે પડકારો અને શંકાઓ હતી, પરંતુ વર્તમાન સરકારે નીતિઓમાં ફેરફાર કરીને અને પ્રક્રિયાઓને સરળ બનાવીને આ ક્ષેત્રને ખુલ્લું મૂક્યું કારણ કે તેને તેમની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ હતો, સિંહે જણાવ્યું.
તેના પરિણામે સારી ગુણવત્તા, સારી સમયરેખા તેમજ ઉત્પાદકતા અને ડિલિવરીમાં સુધારો થઈ રહ્યો છે. આપણી સંરક્ષણ ઇકોસિસ્ટમમાં ઘણો સુધારો થયો છે. ખાનગી સંરક્ષણ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક સ્વભાવ અને ટેકનોલોજી આધારિત અભિગમ જે રીતે વિકસિત થયો છે તે ખૂબ જ પ્રશંસનીય છે, એમ તેમણે કહ્યું.
કેન્દ્રીય પ્રધાને નિર્દેશ કર્યો કે સંશોધન અને વિકાસના સંદર્ભમાં ખાનગી ક્ષેત્ર હવે જાહેર ક્ષેત્ર કરતા આગળ છે. સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ભારત એક મુખ્ય શસ્ત્ર નિકાસકાર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. દારૂગોળાના પુરવઠામાં અછત અનુભવાઈ હતી પરંતુ સરકારે આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવી છે, એમ તેમણે સોલાર ગ્રુપની પિનાકા મિસાઇલો તેમજ ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાતા નાગાસ્ત્ર ડ્રોન જેવી વિવિધ સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓ માટે પ્રશંસા કરતા જણાવ્યું હતું. સરકારની મહત્વાકાંક્ષા એ છે કે ભારત દારૂગોળાના ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બને, એમ સિંહે ઉમેર્યું.
તેમણે વધુમાં કહ્યું કે, "યુદ્ધો હવે સરહદો સુધી મર્યાદિત નથી રહ્યા પરંતુ તેની અસર સીધી સામાન્ય જનતા પર પડે છે." યુદ્ધનું સ્વરૂપ ગમે તે હોય, સમયની જરૂરિયાત મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક આધાર, ખાનગી ક્ષેત્ર દ્વારા સંશોધન અને વિકાસ અને ઉત્પાદનની છે. સરકાર ઇચ્છે છે કે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રનું યોગદાન ઉત્પાદનના ઓછામાં ઓછા 50 ટકા હોય, એમ તેમણે જણાવ્યું.
સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 2014માં રૂ. 46,000 કરોડથી વધીને હવે રૂ. 1.50 લાખ કરોડથી વધુ થયું છે, જેમાં ખાનગી ક્ષેત્રનું યોગદાન રૂ. 30,000 કરોડ છે, એમ સિંહે જણાવ્યું. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે 10 વર્ષ પહેલાં સંરક્ષણ નિકાસ માત્ર રૂ. 1000 કરોડ હતી, પરંતુ હવે તે વધીને રૂ. 25000 કરોડ થઈ ગઈ છે, સરકારનું લક્ષ્ય 2029-30 સુધીમાં રૂ. 50,000 કરોડ સુધી પહોંચવાનું છે.
(પીટીઆઈ)