પોલીસે પોણા કલાક સુધી પિકઅપ વૅનનો પીછો કર્યા બાદ બે આરોપીને પકડી પાડ્યા
ધુળે: ધુળે જિલ્લાના શિરપુર શહેરમાં મધરાતે રાષ્ટ્રીયકૃત બૅંકનું એટીએમ ચોરવાનો પ્રયાસ કરનારી ટોળકીનો પોણા કલાક સુધી પીછો કરી બે સાગરીતને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ એટીએમ ચોરી કરવાની ઘટનાના યુટ્યૂબ પર વીડિયો જોયા બાદ યોજના બનાવી હતી અને આ માટે તેમણે મુંબઈથી પિકઅપ વૅન ખરીદી હતી.
શિરપુર શહેર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ હેમંત સુકલાલ માળી (21) અને વિદુર ઉર્ફે વિજય દેવા જાધવ (40) તરીકે થઇ હતી. બંને આરોપીએ તેમના સાથીદારો સાથે મળી અગાઉ અમલનેર અને ધુળેમાં પણ બૅંકનું એટીએમ મશીન ચોરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પિકઅપ વેન પણ જપ્ત કરી હતી.
શિરપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ 16 જાન્યુઆરીએ મોડી રાતે પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને માહિતી મળી હતી કે કોટેજ હોસ્પિટલ સામે અમુક શખસો રાષ્ટ્રીયકૃત બૅંકના એટીએમને સાંકળથી બાંધી પિકઅપ વેનથી ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માહિતી બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતાં પિત્રેશ્ર્વર સ્ટોપ નજીક તેમને પિકઅપ વૅન નજરે પડી હતી. જોકે પોલીસને જોઇ આરોપીઓ વૅનમાં ભાગી છૂટ્યા હતા. આરોપીઓએ મુંબઈ-આગ્રા હાઇવે પરથી મધ્ય પ્રદેશ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઠેકઠેકાણે પોલીસની નાકાબંધી હોવાથી તેઓ બીજી તરફ વળી ગયા હતા. આરોપીઓને રોકવા માટે પોલીસે બેરિકેડ્સ લગાવ્યા હતા, પણ તેઓ બેરિકેડ્સને ઉડાવી આગળ નીકળી ગયા હતા.
પિકઅપ વૅનને બાંધેલી લોખંડની 15થી 20 ફૂટની સાંકળનો બીજો છેડો રસ્તા પર ઘસાઇ રહ્યો હતો, જેને કારણે તણખા ઊડી રહ્યા હતા. પોલીસ પોણા કલાક સુધી પિકઅપ વૅનનો પીછો કરી રહી હોવાથી એક સ્થળે આરોપીએ વૅનમાંથી કૂદકો મારીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ત્યાર બાદ આજુબાજુના વિસ્તારોમાં શોધ આદરીને બે આરોપીને ઝડપી પાડ્યા હતા.