જયપુર: વર્ષ 2020માં દિલ્હીમાં થયેલા રમખાણો માટે કાવતરું ઘડવાના કેસમાં આરોપી ઉમર ખાલિદની જામીન અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી, ઉમર છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છે, પણ હજુ સુધી તેના સામે ટ્રાયલ શરુ કરવામાં આવી નથી. માનવાધિકાર કાર્યકર્તા ભારતની ન્યાય પ્રણાલી પર સવાલ ઉઠાવી રહ્યા છે, એવામાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પણ ઉમરને જામીન ન મળવા અંગે ટીપ્પણી કરી છે.
જયપુર લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચુડે જણાવ્યું કે કોઈ વ્યક્તિ દોષિત ઠેરે તે પહેલાં તેને જામીન મળે એ તેનો અધિકાર છે. તેમણે એમ પણ જણાવ્યું કોર્ટની ફરજ છે કે રાષ્ટ્રની સુરક્ષા સંકળાયેલા કેસની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ આવી રાહત આપવામાં આવે.
દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ:
એક વરિષ્ઠ પત્રકારે ડીવાય ચંદ્રચુડે સમક્ષ ઉમર ખાલિદની જામીન નકારી કાઢવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના જવાબમાં ડીવાય ચંદ્રચુડે કહ્યું, "અત્યારે હું એક ન્યાયાધીશ તરીકે નહીં પણ એક નાગરિક તરીકે બોલી રહ્યો છું. આપણા કાયદા નિર્દોષતાની ધારણા પર આધારિત છે, ટ્રાયલમાં કોઈ આરોપી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી એ નિર્દોષ જ છે. ટ્રાયલ પહેલાનો સમય સજા ન હોવી જોઈએ. સુનવણી દરમિયાન જો કોઈ વ્યક્તિ પાંચ-સાત વર્ષ જેલમાં વિતાવે છે અને પછી નિર્દોષ છૂટે છે, તો તમે તેણે ગુમાવેલા સમયની ભરપાઈ કેવી રીતે કરશો?"
આરોપીઓ સામે ગુનેગારની જેમ કાર્યવાહી:
ડી વાય ચંદ્રચુડે કહ્યું કે સાત હત્યાઓ માટે ધરપકડ કરાયેલ બળાત્કારી-ખૂની ફરી ગુના આચરી શકે છે, તેને જામીન નકારી શકાય છે. જામીન પછી, જો આરોપી ટ્રાયલ માટે હાજર ન થાય અથવા ભાગી જાય. ત્રીજું, જો તેઓ પુરાવા સાથે ચેડા થાય તો જામીન નકારી શકાય છે.
ડી વાય ચંદ્રચુડે કહ્યું, "જો આ ત્રણ અપવાદોમાંથી કોઈ લાગુ પડતું નથી, તો જામીન આપવા એ નિયમ છે. આજે સમસ્યા એ છે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાઓ આરોપીઓ સામે ગુનેગારની જેમ કાર્યવાહી કરે છે."
અપવાદોને બાદ કરતા જામીન મંજૂર કરવા જોઈએ:
તેમણે કહ્યું કે ફોજદારી સુનાવણી વાજબી સમયમાં પૂર્ણ થતી નથી, તો તે કલમ 21 હેઠળ મળેલા ઝડપી સુનવણીના અધિકારનું ઉલ્લંઘન થાય છે. જો કોઈ કાયદો જામીન આપવાની મનાઈ કરતો હોય તો પણ, બંધારણ સર્વોચ્ચ છે. તેથી, અપવાદોને બાદ કરતા જામીન મંજૂર કરવા જોઈએ.
ડી વાય ચંદ્રચુડે કહ્યું "એક વર્ષ પહેલા જ હું જે કોર્ટનું નેતૃત્વ કરતો હતો તેની ટીકા નથી કરવા ઈચ્છતો, પરંતુ સિદ્ધાંતો મુજબ તમે જામીન માટે શરતો લાદી શકો છો, પરંતુ ઝડપી ટ્રાયલ સુનિશ્ચિત કરવી જોઈએ."