થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2018માં હિટ એન્ડ રનની ઘટનામાં કાયમી ધોરણે વિકલાંક થઇ જનારી વ્યક્તિને 14 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.ટ્રિબ્યુનલનાં સભ્ય રૂપાલી મોહિતેએ શનિવારે વીમા કંપની રિલાયન્સ જનરલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડને દાવેદર નિતેશ સુધીર ભાટકરને વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ટ્રિબ્યુનલે ‘ચુકવણી અને વસૂલાત‘ સિદ્ધાંત લાગુ કર્યો હતો, જેમાં વીમા કંપનીને પ્રથમ દાવેદારને વળતર ચૂકવવા અને બાદમાં પોલિસી શરતોના ભંગને કારણે અકસ્માતમાં સંડોવાયેલા વાહનના માલિક પાસેથી રકમ વસૂલવાના નિર્દેશ આપ્યા હતા. 12 ફેબ્રુઆરી, 2018ની રાતે આ અકસ્માત થયો હતો, જેમાં દાવેદર (એ સમયે 22 વર્ષની વયનો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ) મોટરસાઇકલ પર પાછળ બેઠો હતો અને ઉત્તન નાકા રોડ તરફ જઇ રહ્યો હતો. ત્યારે વિરુદ્ધ દિશાથી પૂરપાટ વેગે આવનાર ટૂ-વ્હીલર સ્પીડ બ્રેકર કુદાવી મોટરસાઇકલ સાથે અથડાઇ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે દાવેદારને અનેક ફ્રેક્ચર થયા હતા અને આખરે તેના જમણા પગનો અંગૂઠો કાપી નાખવો પડ્યો હતો. આ પ્રકરણે ટૂ-વ્હીલરના ચાલક વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)