મુંબઈ: લોકપ્રિય યુટ્યુબર ડૉ. સંગ્રામ પાટીલે સોમવારે દાવો કર્યો હતો કે મુંબઈ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ જારી કરવામાં આવેલું લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવા છતાં તે હજી પણ ‘એક્ટિવ’ છે, કારણ કે સોમવારે સવારના તે યુનાઇટેડ કિંગડમ પાછો જઇ રહ્યો હતો ત્યારે તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો.
યુકેના નાગરિક પાટીલે કહ્યું હતું કે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન સત્તાવાળાઓએ તેને રોક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મારા નામે લૂકઆઉટ સક્યુલર ‘એક્ટિવ’ છે. ઇમિગ્રેશન ઓફિસરોએ મને જાણ કરી હતી કે એલઓસીને કારણે તમે ભારત છોડીને જઇ ન શકો, એવો દાવો પાટીલે કર્યો હતો.
મુંબઈ પોલીસે 10 જાન્યુઆરીએ સાયબર ક્રાઇમ પ્રકરણે પાટીલને કસ્ટડીમાં લીધો હતો. એ સમયે પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે પાટીલની ધરપકડ કરવામાં આવી નથી, પણ તેમણે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 35 (3) હેઠળ નોટિસ ફટકારી છે, જે પોલીસને આરોપીને ધરપકડ કરવાને બદલે નોટિસ જારી કરવાની મંજૂરી આપે છે.
પાટીલે દાવો કર્યો હતો કે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ મને 16 જાન્યુઆરીના રોજ મને બોલાવ્યો હતો અને મેં પોલીસના તમામ પ્રશ્ર્નોના જવાબ લેખિતમાં આપ્યા હતા.
‘મેં મારું નિવેદન નોંધાવ્યું હતું અને તપાસ પૂરી થઇ ગઇ હોવાથી તેમ જ હું 19 જાન્યુઆરીએ પાછો ફરવાનો હતો, એ બાબતને ધ્યાનમાં રાખીને લૂકઆઉટ સર્ક્યુલર રદ કરવા પોલીસને વિનંતી કરી હતી. પોલીસે 10 જાન્યુઆરી બાદ એલઓસી પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને તે હેતુ માટે મારી સહી તથા પાસપોર્ટનો ફોટો લીધો હતો, એવો દાવો તેણે કર્યો હતો. (પીટીઆઇ)
Sangram Patil