અમદાવાદ/દિલ્હી: સમગ્ર દેશમાં ઠંડીનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયા વાતાવરણને કારણે લોકોએ અકળામણ અનુભવી છે, જ્યાં અમરેલી ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. બીજી તરફ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRમાં ગાઢ ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર-પશ્ચિમના ઠંડા પવનો અને ૧૦ ડિગ્રી લઘુત્તમ તાપમાનને લીધે દિલ્હીમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે ગુજરાતમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા ન્યુનતમ તાપમાનના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.6 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 16 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 14.1 ડિગ્રી સેલ્સિયસ, ગાંધિનગરમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.3 ડિગ્રી સેલ્સિયસ અને કંડલામાં 16.6 ડિગ્રી સેલ્સિયસ ન્યુનતમ તાપમાન નોંધાયુ હતું.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, શિયાળામી ગુલાબી ઠંડીની મોસમમાં વાદળછાયા વાતાવરણને કારણે લોકોને અકળામણનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આજના દિવસે પણ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, ભુજ, ડીસામાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
દિલ્હી અને NCRમાં વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું, જેના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સ્થિતિને પગલે સવારે ઓફિસ જનારા લોકો અને સ્કૂલ બસોની અવરજવર પર માઠી અસર પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે લઘુત્તમ તાપમાન ૧૦°C ની આસપાસ રહેવાની શક્યતા છે, જેના લીધે સવાર અને સાંજના સમયે ઠંડીનું જોર યથાવત રહેશે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ૧૨ થી ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોને કારણે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.