Tue Jan 20 2026

Logo

White Logo

પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના અનશન: યુપી સરકારની નોટિસ મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર : સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા પવન ખેડાએ સરકારની કાઢી ઝાટકણી

3 hours from now
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી/પ્રયાગરાજ: પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાસના પવિત્ર સ્નાન દરમિયાન જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને શાહી સ્નાન કરતા અટકાવવામાં આવતા મોટો વિવાદ ઊભો થયો છે.  શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો આરોપ છે કે વહીવટીતંત્રે પરંપરા વિરુદ્ધ જઈને તેમને રોક્યા અને તેમના શિષ્યો સાથે ગેરવર્તન કર્યું. આ અપમાનના વિરોધમાં શંકરાચાર્ય છેલ્લા 48 કલાકથી અન્ન-જળનો ત્યાગ કરી ધરણા પર બેઠા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેમને પાઠવવામાં આવેલી એક નોટિસમાં તેમની ઓળખ પર જ સવાલ ઉઠાવવામાં આવતા મામલો વધુ બિચક્યો છે.

એકસમયે નતમસ્તક, આજે ઓળખ સાબિત કરવાની નોટિસ
નોટિસ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા પવન ખેડાએ પીએમ મોદી અને યુપી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જે શંકરાચાર્ય સામે વડા પ્રધાન એક સમયે નતમસ્તક થતા હતા. આજે તેમને જ પોતાની ઓળખ સાબિત કરવા માટે નોટિસ આપવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે શંકરાચાર્યજીએ ગૌ-માંસ, અયોધ્યામાં અડધા નિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને કુંભની ગેરવ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા, ત્યારથી સરકાર તેમને નિશાન બનાવી રહી છે. તેમણે આને ‘અહંકારની પરાકાષ્ઠા’ ગણાવી હતી.
 

હવે હિંદુ ધર્મના સર્વોચ્ચ સંતો પાસે કાગળ માંગ્યા 
આગળ લખ્યું હતું કે ભાજપ જે પહેલા મુસ્લિમો પાસે કાગળ માંગતી હતી, તે હવે હિંદુ ધર્મના સર્વોચ્ચ સંતો પાસે પણ પુરાવા માંગી રહી છે. શું હવે વહીવટી તંત્ર નક્કી કરશે કે શંકરાચાર્ય કોણ છે? તેમણે સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે એક તરફ આરએસએસ (RSS) જેવા સંગઠનોની સુરક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે અને બીજી તરફ સાચા સંતોને માર મારવામાં આવે છે. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પર કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે 1954માં સુપ્રીમ કોર્ટે મઠના સંચાલનમાં હસ્તક્ષેપ ન કરવાનો આદેશ આપ્યો હતો તેમ છતાં સંતોનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

અત્યારે પ્રયાગરાજના સંગમ તટ પર તણાવભરી સ્થિતિ છે. એક તરફ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણીની ઉજવણી ચાલી રહી છે, તો બીજી તરફ શંકરાચાર્ય જેવા સર્વોચ્ચ ધર્મગુરુ અનશન પર બેસીને સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. પવન ખેડાએ ચેતવણી આપી છે કે દેશના કરોડો હિંદુઓ સંતોના આ આંસુ અને અપમાનને ક્યારેય માફ નહીં કરે.