અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતે આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી લોકો સાથે વાતચીત યોજી હતી, જેમાં તેમણે આજની જેનરેશન સાથે કેમ વર્તવું તે પણ જણાવ્યું હતું. સેવાભારતી ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, દેશહિતનો કોઈને ઈજારો ન આપી શકાય. તે સૌનું કામ છે અને સંઘ આ પ્રકારનાં કાર્યો કરનારા સૌની સાથે છે.
હિન્દુ સમાજને જ સૌથી મોટો ગણાવતા ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, અનેક ઉપેક્ષા, વિરોધ, પ્રતિબંધો છતાં સંઘ આગળ વધ્યો છે અને સ્વીકૃતિ વધી છે, તે હિન્દુ સમાજના આશીર્વાદથી જ થયું છે. જે લોકો દેશહિતમાં કામ કરે છે, તે સંઘ સાથે જોડાયેલા હોય કે ના હોય, તેઓ સંઘના સ્વયંસેવકો જ છે, તેવું સંઘ માને છે.
સાહજિક વાર્તાલાપ કરતાં ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, સંઘને જાણવા અને સમજવાનો પ્રયાસ નિરંતર ચાલતો રહે છે. અમે પણ સતત એ પ્રક્રિયામાં છીએ. સંઘની કોઈ સાથે તુલના ન કરી શકાય. અન્ય દેશો આજે સંઘની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છે. સંઘ દેશહિતમાં કાર્ય કરનારા લોકોને તૈયાર કરવાની, આ પ્રકારનાં કામો કરતા લોકોને સાથે લઈને ચાલતી એક અનોખી કાર્યપદ્ધતિ છે.
તેમણે કહ્યું હતું કે, સંઘના સ્વયંસેવકો સંઘમાં તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સંઘ કોઈને રિમોટથી કંટ્રોલ કરતો નથી, કરવા માગતો નથી. શુદ્ધ સાત્વિક પ્રેમ, આત્મીયતાના આધારે સંઘનું કાર્ય ચાલે છે. સંઘ શાખાના માધ્યમથી સંસ્કાર આપીને સ્વયંસેવકને તૈયાર કરે છે. પછી સ્વયંસેવક પોતાના વિવેક અનુસાર કાર્ય કરે છે. આ લોકો દેશ માટે જીવે અને જરૂર પડ્યે દેશ માટે સમર્પણ આપવા તૈયાર રહે છે. સંઘની આ મેથડોલોજી છે.
સંઘ શું નથી તેની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, સંઘ પ્રતિક્રિયા, વિરોધ કે સ્પર્ધા માટે નથી શરૂ થયો. પણ સ્વતંત્રતા સંગ્રામના કાળમાં એક સમયે દેશહિત માટે ચાલતી તમામ વિચારધારાઓ અને કાર્યોનો સમન્વય સંઘમાં છે.
આ તકે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. જેમાં એક પ્રશ્નના ઉત્તરમાં ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, ઝેન-જી કોરી સ્લેટ છે. તે ખૂબ પ્રામાણિક છે. તેમને સાંભળો અને પછી માર્ગદર્શન કરો. ઝેન-જી સાથે દેશહિત માટે વાત કરવાની કળા વિકસાવવી પડશે. સોશિયલ મીડિયાના ઉપયોગના વિવેક અંગે તેમણે કહ્યું હતું કે, તે આપણું માલિક ના બનવું જોઈએ, આપણે સોશિયલ મીડિયાના માલિક બની દેશહિત માટે ઉપયોગ કરીએ.
પાડોશી દેશના તોફાનો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, મુસ્લિમો અને હિન્દુઓ સાથે ન રહી શકે તેવા વિચારને ત્યાં ફરી બળ અપાઈ રહ્યું છે. ભારતમાં આ વિચાર ન પ્રસરે તે જરૂરી છે, તે માટે સમાજની જાગૃતિ જરૂરી છે.