Tue Jan 20 2026

Logo

White Logo

ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ, : જાણો તેમણે લીધેલા 12 મહત્વના નિર્ણયો

Washington   3 hours from now
Author: Chandrakant Kanoja
Video

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી 2025ના રોજ બીજીવાર સત્તામાં આવ્યા હતા. જયારે આજે તેમના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું છે. આ દરમિયાન એક પણ દિવસ એવો નથી રહ્યો જયારે  ડોનાલ્ડ ટ્રમ્પ  લાઈમ લાઈટમાં ના આવ્યા હોય. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ દિવસે જ  સ્પષ્ટ કરી દીધું હતું કે તેમનો બીજો કાર્યકાળ પહેલા કરતાં વધુ અસરકારક રહેશે. તેમણે જણાવ્યું કે, અર્થતંત્ર હોય, ઇમિગ્રેશન હોય, આરોગ્ય નીતિ હોય કે પછી વિશ્વ સાથેના સંબંધો હોય  ટ્રમ્પે દરેક મોરચે પોતાની આગવી શૈલીમાં નિર્ણયો લીધા છે. છેલ્લા એક વર્ષમાં ટ્રમ્પના 12 સૌથી મોટા નિર્ણયો જેણે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે.  

1. કર્મચારીઓને છટણી કરી અનેક વિભાગોના બજેટમાં ઘટાડો કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં પરત ફર્યા બાદ  જાહેરાત કરી કે તેઓ અમેરિકન સરકારનું કદ ઘટાડશે અને ખર્ચ ઘટાડશે.જેમાં  તેમણે પ્રથમ દિવસે જ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ની રચના કરી અને તેનું નેતૃત્વ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કના હાથમાં સોંપ્યું. DOGE એ હજારો સરકારી કર્મચારીઓને છટણી કરી અનેક વિભાગોના બજેટમાં ઘટાડો કર્યો. જેમાં સૌથી મોટો ફટકો USAID ને પડ્યો, જે વર્ચ્યુઅલ રીતે નાબૂદ થઈ છે.  

2. ગેરકાયદે ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરી

આ ઉપરાંત ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં 19 બિન-યુરોપિયન દેશોમાંથી ઇમિગ્રેશન અટકાવવામાં આવ્યું, હજારો વિઝા રદ કરવામાં આવ્યા. માર્ચમાં ટ્રમ્પે એલિયન એનિમીઝ એક્ટ લાગુ કર્યો અને વેનેઝુએલાના ડ્રગ્સ ગેંગ સભ્યોને દેશનિકાલ કરવાનું શરૂ કર્યું. આના કારણે ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શનો થયા. મિનેસોટાના મિનિયાપોલિસમાં ICE ઓપરેશન દરમિયાન એક મહિલાનું મોત થયા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. 

3. ડોનાલ્ડ ટ્રમ્પના  ટેરિફ વોરથી વિશ્વમાં ફફડાટ વ્યાપ્યો 

ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી વિવાદાસ્પદ નિર્ણયમાં દરેક દેશો પર લાદેલો ટેરિફ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોરથી સમગ્ર વિશ્વના શેરબજારોમાં ઉથલપાથલ સર્જાઈ હતી. ટ્રમ્પે  જાન્યુઆરી માસમા  ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા હતા. એપ્રિલમાં  તેને મુક્તિ દિવસ તરીકે ઓળખાવતા  તેમણે લગભગ તમામ દેશો પર ઓછામાં ઓછા 10 ટકા ટેરિફ લાદ્યા હતા. ભારત જેવા દેશો પર 50 ટકા સુધીના ટેરિફ લાદવામાં આવ્યો હતો. તેમજ  500 ટકાની ધમકીઓ આપવામાં આવી છે. 

4.  ઇઝરાયલ અને હમાસના યુદ્ધને સમાપ્ત કરવાનો શ્રેય  ટ્રમ્પે લીધો

આ ઉપરાંત લાંબા સમયથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો શ્રેય પણ ટ્રમ્પે લીધો છે. જેમાં વર્ષ  2023 થી ચાલી રહેલા આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા હતા. ટ્રમ્પે કરારની ઉજવણી કરવા માટે મધ્ય પૂર્વની મુલાકાત પણ લીધી હતી. હાલ યુદ્ધવિરામનો બીજો તબક્કો તાજેતરમાં જ અમલમાં આવ્યો છે. તેણે ગાઝા માટે શાંતિ બોર્ડની સ્થાપના પણ કરી હતી. જો કે, રશિયા-યુક્રેન યુદ્ધ  સમાપ્તિના દાવા હજુ સુધી પૂર્ણ નથી થયા. 

5. 75 દેશોના નાગરિકો પર વિઝા પ્રતિબંધ લાદયો 

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા  ટ્રમ્પ વહીવટીતંત્રે ઘણા દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ અત્યંત મુશ્કેલ બનાવવામાં આવ્યો છે. જેમાં  કડક એરપોર્ટ ચેકિંગ, લાંબી પૂછપરછ અને ઘણા કિસ્સાઓમાં  સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધોનો સમાવેશ થાય છે.

6. અમેરિકાને વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી હટાવી લીધું 

બીજી વાર સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકાને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)માંથી દુર કરી દીધું છે. તેમણે 
આરોપ લગાવ્યો કે ડબ્લ્યુએચઓએ કોરાના કાળ  દરમિયાન ખોટા નિર્ણયો લીધા અને અમેરિકા સાથે ભેદભાવ કર્યો હતા.

7. ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર  લશ્કરી કાર્યવાહી કરી રાષ્ટ્રપતિની ધરપકડ કરી 

ટ્રમ્પે ગયા વર્ષે ચાર દેશો પર રાજદ્વારી રીતે નિયંત્રણ રાખ્યું છે. તેમાં વેનેઝુએલા, નાઇજર, આર્મેનિયા અને સીરિયાનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2026  ની શરૂઆતમાં  ટ્રમ્પે વેનેઝુએલા સામે મોટી લશ્કરી કાર્યવાહી કરી. જેમાં પહેલા ઓઈલ ટેન્કરો પર નૌકાદળ દ્વારા નાકાબંધી લાદવામાં આવી હતી. તેની બાદ  અમેરિકન  સૈન્ય દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી અને અમેરિકા લાવ્યા હતા. હાલ  માદુરો અમેરિકાની  કસ્ટડીમાં છે.

8. ગ્રીનલેન્ડ પર કબજો કરવા  આતુરતા 

ટ્રમ્પે ખુલ્લેઆમ કહ્યું કે અમેરિકા કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ ઇચ્છે છે. તેમણે આઠ યુરોપિયન દેશોને ચેતવણી આપી હતી કે જો ગ્રીનલેન્ડ પર અમેરિકાના હિતોનું પાલન નહીં થાય, તો ફેબ્રુઆરીથી 10 ટકા અને જૂનથી 25 ટકા  ટેરિફ લાદવામાં આવશે. આનાથી યુરોપિયન-અમેરિકન સંબંધોમાં તણાવ વધ્યો.

9. વન બિગ-બ્યુટીફુલ એકટ રજુ કરવામાં આવ્યો 

આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વન બિગ-બ્યુટીફુલ એકટ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીમાચિહ્નરૂપ અને બહુ ચર્ચિત ટેક્સ બિલને મંજૂરી આપી.  આ કાયદાએ સરકારી ખર્ચમાં ભારે ઘટાડો કર્યો અને ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કર કાપને કાયમી બનાવ્યા. આ બિલના મુખ્ય મુદ્દાઓમાં ટિપ ટેક્સ નાબૂદ કરવાનો સમાવેશ થાય છે, જેનો સીધો ફાયદો હોટેલ, રેસ્ટોરન્ટ અને સેવા ક્ષેત્રના કર્મચારીઓને થાય છે. ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ વધારવામાં આવ્યો જેના લીધે મધ્યમવર્ગના લોકોને રાહત મળી છે. 

10. ટ્રમ્પે  લોકપ્રિય ગોલ્ડ કાર્ડ યોજના શરૂ કરી

ડોનાલ્ડ  ટ્રમ્પે ડિસેમ્બરમાં  તેમની લોકપ્રિય ગોલ્ડ કાર્ડ યોજના શરૂ કરી. આ યોજના હેઠળ, 1 મિલિયન ડોલર ચૂકવનારા વિદેશી નાગરિકો અને કંપનીઓને અમેરિકામાં રહેવાનો માર્ગ અને ભવિષ્યમાં નાગરિકતા આપવામાં આવશે. આ યોજનાએ જૂની EB-5 વિઝા સિસ્ટમને બદલી નાખી.

11. ઈરાન અને ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવ્યું 

આ ઉપરાંત ગયા વર્ષના જૂનમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. જોકે,  શરૂઆતમાં  તે બે દેશોના યુદ્ધ સુધી મર્યાદિત હતું, પરંતુ બાદમાં અમેરિકા સીધા જ સંઘર્ષમાં ઉતર્યું હતું. અમેરિકાએ બી-2 બોમ્બરથી ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં  ઈરાને પણ કતારમાં અમેરિકાના બેઝ પર હુમલો કર્યો હતો. 

12. ટ્રમ્પે 66  આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો 

અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  હવે 66   વધુ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંધિઓમાંથી ખસી જવાના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે  આ સંગઠનો હવે અમેરિકન હિતોની વિરુદ્ધ છે અને અમેરિકન કરદાતાઓના નાણાંનો બગાડ છે. અમેરિકાએ જે 66  સંગઠનો અને સંધિઓમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે તેમાંથી 31 સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા છે, જ્યારે બાકીના 35  બિન-યુએન સંસ્થાઓ છે.