તહેરાન : ઈરાનમાં સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી 4029 લોકો માર્યા ગયા છે. આ અંગે અમેરિકા સ્થિત માનવાધિકાર સંસ્થાએ આપેલી માહિતી મુજબ આ કાર્યવાહીમાં 26,000 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ આ મૃત્યુઆંક હજુ વધી શકે તેમ છે. તેમજ મૃત્યુ પામેલા લોકોમાં કે મૃતકોમાં 3,786 પ્રદર્શનકારીઓ, 180 સુરક્ષા દળો, 28 બાળકો અને 35 અન્ય લોકોનો સમાવેશ થાય છે. એજન્સીએ ઈરાનમાં અગાઉની અશાંતિ દરમિયાન સતત સચોટ માહિતી પૂરી પાડી છે અને દરેક મૃત્યુની પુષ્ટિ કરવા કાર્યકરોના નેટવર્ક પર આધાર રાખે છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઈરાનને અપાયેલું આમંત્રણ રદ
આ દરમિયાન ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીનું સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોલવાનું આમંત્રણ વધતી હિંસાના લીધે રદ કરવામાં આવ્યું છે. ફોરમે જણાવ્યું હતું કે, "જોકે તેમને ગત વખતે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઈરાની નાગરિકોના મૃત્યુ બાદ ઈરાની સરકારનું પ્રતિનિધિત્વ કરાવવું અયોગ્ય છે.
ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ આ નિર્ણયની નિંદા કરી
જોકે, આ અંગે ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ આ નિર્ણયની નિંદા કરતા કહ્યું કે ફોરમે ઈઝરાયલ અને તેના અમેરિકા સ્થિત એજન્ટો અને સમર્થકોના જુઠાણા અને રાજકીય દબાણના આધારે દાવોસમાં અમારું પ્રતિનિધિત્વ રદ કર્યું છે. જયારે મ્યુનિક સુરક્ષા પરિષદે ઈરાની સરકારી અધિકારીઓને આપેલું આમંત્રણ પણ પાછું ખેંચી લીધું છે.
સરકારે હજુ સુધી મૃતકોના આંકડા જાહેર કર્યા નથી
ઈરાનમાં સતત વધી રહેલી હિંસા વચ્ચે સરકારે હજુ સુધી મૃતકોના આંકડા જાહેર કર્યા નથી. જોકે, શનિવારે દેશના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું હતું કે આ વિરોધ પ્રદર્શનમાં અનેક હજાર લોકો માર્યા ગયા છે. ખામેનીએ તેની માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યો છે. આ ઈરાનના નેતા તરફથી પ્રથમ નિવેદન છે જેમાં કથળતી આર્થિક વ્યવસ્થાના પગલે શરુ થયેલા વિરોધ પ્રદર્શનના કેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે.