મુંબઈઃ અહેવાલ મળ્યા છે કે દુનિયાનું સૌથી શ્રીમંત બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ખેલાડીઓના કૉન્ટ્રૅક્ટ (Contract)માં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. મીડિયાના રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી એ-પ્લસ ગ્રેડ કાઢી નાખવાની છે.
એ-પ્લસ ગ્રેડમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ છે અને આ ચારેય દિગ્ગજને બીસીસીઆઇ તરફથી વર્ષે સાત કરોડ રૂપિયાનો પગાર મળે છે. જોકે હવે જો આ ગ્રેડ જ નહીં રહે તો ટીમ ઇન્ડિયા વતી રમતા ખેલાડીઓમાંથી કોઈનો વાર્ષિક પગાર સાત કરોડ રૂપિયા હશે જ નહીં.
કહેવાય છે કે બીસીસીઆઇ માત્ર ત્રણ કૅટેગરી રાખશે અને એમાં એ, બી તથા સી ગ્રેડ (Grade)નો સમાવેશ છે. અહેવાલ મળ્યો છે કે રોહિત અને વિરાટની સૅલરીમાં મોટો ઘટાડો થવાનો છે. આ બન્ને દિગ્ગજને ` બી' ગ્રેડમાં મૂકવામાં આવશે અને એ ગ્રેડના ખેલાડીને વર્ષે ત્રણ કરોડ રૂપિયા મળે છે. એ રીતે, રોહિત અને વિરાટના પગારમાં ચાર કરોડનો ઘટાડો જોવા મળશે.
વર્ક-લૉડ મૅનેજમેન્ટને કારણે બુમરાહ હવે વર્ષ દરમ્યાન ઘણી મૅચો કે સિરીઝની બહાર હોય છે. તેને હવે ` એ' ગ્રેડમાં મૂકવામાં આવશે એવી સંભાવના છે. સવાલ એ છે કે શું બીસીસીઆઇ ` એ' ગ્રેડના ખેલાડીઓને હજી પણ પાંચ કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર આપશે. એવું થશે તો બુમરાહે પણ બે કરોડ ગુમાવવા પડશે.
કયો ખેલાડી કયા ગ્રેડમાં?
એ-પ્લસ ગ્રેડઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા
એ ગ્રેડઃ મોહમ્મદ સિરાજ, કે. એલ. રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રિષભ પંત
બી ગ્રેડઃ સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર
સી ગ્રેડઃ રિન્કુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વૉશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સૅમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતીશકુમાર રેડ્ડી, ઇશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા.