નવી દિલ્હી: સરહદ પારથી ભારત પર હુમલો કરવાનું એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જેનો પર્દાફાશ થયો છે. આ ષડયંત્ર પાછળ પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો મોટો હાથ છે, કારણ કે આ સંગઠન મોટી સંખ્યામાં યુવાનોને આતંકી તાલીમ આપીને ભારતમાં 26/11 જેવા હુમલાને અંજામ આપવા માટે તૈયાર કરી રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આતંકવાદીઓને તાલીમ અપાઈ રહી છે.
135 યુવાનોને અપાઈ તાલીમ
આતંકીઓની તાલીમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લશ્કર-એ-તૈયબાના માસ્ક ઓર્ગેનાઇઝેશન PMMLના નેતા હારિસ ડાર આતંકીઓની તાલીમનું નિરિક્ષણ કરતો જોવા મળ્યો છે. આતંકીઓને સ્કૂબા ડાઇવિંગ, પ્રોફેશનલ સ્વિમિંગ, હાઈ-સ્પીડ બોટ હેંડલિંગ અને અંડરવોટર તથા સોશિયલ મીડિયા ઓપરેશનની તાલીમ અપાઈ રહી છે. આ તાલીમ સીધી રીતે દરિયાઈ માર્ગે ભારત પર હુમલો કરવાની તૈયારીના સંકેત આપી રહી છે.
દરિયાઈ માર્ગે હુમલાની તૈયારીઓ
🚨🇵🇰👹 Exclusive OSINT Report
— OsintTV 📺 (@OsintTV) January 20, 2026
LeT PMML Deputy Sec Gen Harish Dar is seen inspecting Lashkar trainees and openly detailing water based training conducted across Pakistan. Training includes, Scuba diving, Professional swimming, High speed boat handling, Social media operations… pic.twitter.com/imFvhkmPzD
વાયરલ વીડિયોમાં 2 મિનિટ 29 સેકન્ડ પર એક કમાન્ડર કહે છે કે, "લશ્કરની 'વોટર ફોર્સ' તૈયાર થઈ રહી છે. PMML અને લશ્કર-એ-તૈયબાના નિર્દેશ પર ત્રણ તાલુકામાં કાર્યક્રમ ચલાવવામાં આવ્યો અને 135 યુવાનોને નાવડી ચલાવવાની અને દરિયાઈ ઓપરેશનની તાલીમ આપવામાં આવી. ભારતીય ન્યુઝ ચેનલોએ આ તાલીમની માહિતી મેળવી લીધી છે, ત્યાર બાદ તેઓ જુદા જુદા નેરેટિવ ચલાવી રહ્યા છે."
ભારતને આપી હતી જાહેર ધમકી
અગાઉ પાકિસ્તાનની સેનાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ કસૂરીએ પણ ભારતને દરિયાઈ માર્ગે હુમલો કરવાની જાહેર ધમકી આપી હતી. સૈફુલ્લાહે કહ્યું હતું કે 2025માં અમે આકાશ પર રાજ કર્યું, 2026માં દરિયા પર પણ કરીશું. આમ, સૈફુલ્લાહ ખાલિદ કસૂરીએ ભારતીય નૌસેનાને ખુલ્લો પડકાર ફેક્યો હતો. જોકે, વાયરલ વીડિયોને લઈને ભારતીય સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ છે.