વોશિંગ્ટન ડી સી: છેલ્લા કેટલાક સમયથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કિંગડમ ઓફ ડેન્માર્કના સ્વાયત પ્રદેશ ગ્રીનલેન્ડ પર કબજો કરવા અંગે સતત વાત કરી રહ્યા છે, આ મામલે યુએસ અને યુરોપના દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં ટ્રમ્પ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને બળતામાં ધી હોમ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તમની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડની જમીન પર યુએસનો રાષ્ટ્રધ્વજ ધ્વજ ફરકાવી રહ્યા છે. ટ્રમ્પની સાથે ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ્સ માર્ક રુબિયો પણ જોવા મળે છે. બાજુમાં લાગેલા એક બોર્ડ પર "ગ્રીનલેન્ડ - યુએસ ટેરિટરી - EST 2026" લખેલું જોવા મળે છે.ટ્રમ્પે આ ફોટો પોસ્ટ કરતા ડેનમાર્ક સહિત યુરોપનાં તેના સાથી દેશો ન દેશોમાં ચિંતા વધી ગઈ છે.

કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલા અમેરિકાનો ભાગ?
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર શેર કરેલા અન્ય એક ફોટો અંગે પણ ચર્ચા થઇ રહી છે, જેમાં ટ્રમ્પ ઓવલ ઓફીસમાં અધિકારીઓ સાથે બેઠેલા જોવા મળે છે. સામે લગાવવામાં આવેલા નકશામાંમાં કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલાને યુએસનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે ટ્રમ્પે ગત વર્ષે બીજી વાર યુએસ રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યો ત્યારે કેનેડા અમેરિકાનું 51મું ગણાવ્યું હતું. મે મહિનામાં કેનેડામાં ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન માર્ક કાર્નેએ તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પના નિવેદનોને વખોડ્યા હતાં.
ટ્રમ્પે મેક્રોનનો મેસેજ લીક કર્યો!
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો એક ખાનગી ટેક્સ્ટ મેસેજ પણ શેર કર્યો. મેસેજમાં મેક્રોને લખ્યું કે "મારા મિત્ર, અમે સીરિયામાં સંપૂર્ણપણે તમારી સાથે છીએ. અમે ઈરાનમાં સારી સ્થિતિ ઇચ્છીએ છીએ. મને સમજાતું નથી કે તમે ગ્રીનલેન્ડ અંગે આ શું કરી રહ્યા છો." ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.