મુંબઈઃ મુંબઈમાં મેયર પદ માટે રાજકીય લડાઈ વધુ તીવ્ર બની છે. દરમિયાન, સાંસદ સંજય રાઉતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાઉતે કહ્યું હતું કે ભાજપ-શિંદે ગઠબંધનમાંથી જીતેલા કોર્પોરેટરને ડરાવીને તાજ હોટેલમાં કેદ કરવામાં આવ્યા છે.
મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, આ ગઠબંધન (ભાજપ-શિવસેના)માંથી જીતેલા કોર્પોરેટરોને કોઈ તેમને ઉપાડી જશે, ધમકાવશે અથવા નુક્સાન પહોંચાડશે તેવા ડરથી હોટેલમાં કેદ કરી દેવામાં આવ્યા છે. એકનાથ શિંદેએ તાજ હોટેલને જેલમાં ફેરવી દીધી છે. ત્યાં કેદ કરાયેલા 25 થી 29 લોકોને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ.
થાણેમાં રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની છે. જો તેઓ સત્તામાં છે, તો તેમના જ ગઠબંધનના કોર્પોરેટરોને અપહરણ થવાનો કે બળજબરીથી લઈ જવાનો ડર કેમ છે? તાજ હોટેલને યરવડા કે આર્થર રોડ જેલમાં ફેરવી દેવામાં આવી છે. આ તેમના અધિકારો પર સીધો હુમલો છે. સંજય રાઉતે તાજ હોટેલ જવાની જાહેરાત કરી હોવાથી મુંબઈ પોલીસે હોટેલની સુરક્ષા વધારી દીધી છે. પોલીસ વહીવટીતંત્ર સતર્ક છે અને સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે.
રાઉતે પુનરોચ્ચાર કર્યો, "ચૂંટણી જીતનારા કોર્પોરેટરોને તાજ હોટેલમાંથી બહાર કાઢવા જોઈએ. તેમને ભયના વાતાવરણમાં રાખવામાં આવી રહ્યા છે." ઘણા લોકો અમારા સંપર્કમાં છે. મુંબઈમાં ભાજપનો મેયર કોણ ઇચ્છે છે? એકનાથ શિંદે પોતે પણ નથી ઇચ્છતા.
સમાચાર એજન્સીઓ અનુસાર, શિંદે જૂથે તેમના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને બાંદ્રાની એક વૈભવી હોટલમાં ખસેડ્યા છે. પાર્ટીના નેતાઓનો દાવો છે કે કોર્પોરેટરોને "આરામ" આપવામાં આવી રહ્યો છે અને તેમને "ઓરિએન્ટેશન" આપવામાં આવશે. તેઓ થોડા દિવસો માટે હોટલમાં રહેશે.
બીજી તરફ, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ એક રાજકીય નિવેદન આપીને અટકળોને હવા આપી છે. તેમણે કહ્યું, જો 'દેવની ઈચ્છા' હશે તો, મુંબઈમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)નો મેયર બનશે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે શિંદે જૂથ ભાજપથી ડરે છે અને તેમને ડર છે કે તેમના કોર્પોરેટરો તોડવામાં આવી શકે છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર કટાક્ષ કરતા પૂછ્યું, "શું 'દેવ' નો અર્થ હું છું કે ઉપરના ભગવાન?" પછી તેમણે કહ્યું, "ઉપરવાળા દેવે" નક્કી કર્યું છે કે મુંબઈમાં મહાયુતિનો મેયર હશે. સંજય રાઉતે કહ્યું કે અમારી પાસે પૂરતું સંખ્યાબળ છે. અમે ઇચ્છીએ તો ગમે ત્યારે તેમને ખુરશી પરથી હટાવી શકીએ છીએ. પણ અમે લોકશાહીનું સન્માન કરીએ છીએ.