Tue Jan 20 2026

Logo

White Logo

રૂપિયાના ઘટાડા પર પ્રિયંકા ગાંધીનો ભાજપને સીધો સવાલ: : "મનમોહન સિંહના સમયમાં શું કહેતા હતા, હવે શું કહેશો?"

1 month ago
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી સતત દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશનો આર્થિક વિકાસ નવી ઊંચાઈને આંબી રહ્યો છે અને નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વાસ્તવિક જીડીપી દર 8.2 ટકા રહ્યો છે. ત્યારે બીજી તરફ ભારતીય રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમેરિકન ડૉલરનો ભાવ લગભગ 90 રૂપિયા સુધી પહોંચવાની તૈયારીમાં છે. રૂપિયાના ઘટતા મૂલ્ય સાથે રાજકારણ ગરમાયું છે અને આક્ષેપો થઈ રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકારને ભીંસમાં લીધી હતી.  

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ભારતીય રૂપિયાના ઘટતા મૂલ્યને લઈને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું હતું, ત્યારે ભાજપના નેતાઓના નિવેદનોને યાદ કરાવ્યા હતા અને વર્તમાન પરિસ્થિતિ પર ભાજપના મૌન પર સવાલ ઉઠાવ્યો હતો. મીડિયા દ્વારા પ્રિયંકા ગાંધીને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપતા જણાવ્યું હતું કે, "જ્યારે થોડા વર્ષો પહેલા પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના સમયમાં રૂપિયાનું મૂલ્ય ઘટ્યું હતું, ત્યારે ભાજપે શું કહ્યું હતું, અને હવે તેમણે શું કહેવાનું છે? તમારે તેમને તે પૂછવું જોઈએ, મને શું કામે પૂછો છો."



અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે  રૂપિયો યુએસ ડૉલર સામે 28 પૈસા ગગડીને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર 90.43 પર આવી ગયો. આ પતન વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા ભારે ઉપાડ અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ની દરમિયાનગીરી વચ્ચે થયું છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, મોનેટરી પોલિસી કમિટી (MPC) ના મહત્ત્વના નિર્ણય પહેલાં સેન્ટ્રલ બેંકની દરમિયાનગીરી અને આયાતકારો (Importors) તરફથી ડૉલરની ભારે માંગને કારણે સ્થાનિક ચલણ પર સતત દબાણ જળવાઈ રહ્યું છે.