ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા પવિત્ર માઘ મેળામાં મૌની અમાવસ્યાના અવસરે ભારે હોબાળો જોવા મળ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓ જ્યારે સંગમમાં ડૂબકી લગાવી રહ્યા હતા, ત્યારે જ્યોતિષ્પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને વહીવટીતંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. શિષ્યો સાથે કરવામાં આવેલી કથિત ગેરવર્તણૂકને પગલે શંકરાચાર્યએ આસ્થાના આ પર્વ પર સ્નાન કરવાનો ઇનકાર કરી દીધો અને પોતાની પાલખી વચ્ચે રસ્તેથી જ પરત અખાડામાં લઈ ગયા હતા.
શું હતો સમગ્ર મામલો અને વિવાદનું કારણ?
મળતી માહિતી મુજબ, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પોતાની પાલખી અને શિષ્યોના મોટા કાફલા સાથે સંગમ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે તૈનાત ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ સચિવ મોહિત ગુપ્તા અને પોલીસ કર્મચારીઓ સાથે શિષ્યોની ચકમક ઝરી હતી. શંકરાચાર્યનો આરોપ છે કે અધિકારીઓના ઈશારા પર તેમના શિષ્યો સાથે ધક્કામુક્કી અને મારપીટ કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પોલીસ અને શિષ્યો વચ્ચે દલીલો થતી જોવા મળે છે.
બીજી તરફ, પોલીસ અને વહીવટીતંત્રે આ મામલે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું છે કે મૌની અમાવસ્યા પર ભીડ ખૂબ જ વધારે હતી. શંકરાચાર્યના શિષ્યો મોટી સંખ્યામાં એકસાથે સંગમ નોઝ પર જવા માંગતા હતા, જેનાથી વ્યવસ્થા ખોરવાઈ શકે તેમ હતી. પોલીસે તેમને ટુકડાઓમાં એટલે કે થોડા-થોડા થઈને આગળ વધવા વિનંતી કરી હતી, પરંતુ વાત વણસી ગઈ અને સામસામે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. આ સુરક્ષા વ્યવસ્થાનો જ એક ભાગ હતો તેવો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
વિવાદો વચ્ચે પણ પ્રયાગરાજમાં ભક્તિનો માહોલ અત્યંત તેજ છે. મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે રાત્રે 12 વાગ્યાથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. પ્રશાસનના અંદાજ મુજબ આ દિવસે 3 કરોડથી વધુ લોકો સંગમમાં સ્નાન કરી શકે છે. સુરક્ષા માટે NDRF, SDRF અને એટીએસના કમાન્ડો સહિત હજારો પોલીસ જવાનો તૈનાત છે. ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળા વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.