Tue Jan 20 2026

Logo

White Logo

ન હમ હોંગે ન તુમ હોંગે, ન શાહી કા નિશાં હોગા : -

1 day ago
Author: Mumbai Samachar Team
Video

વલો કચ્છ - ગિરિરાજ

કાળચક્ર જ્યારે ફરી વળે છે ત્યારે મહાન રાજવીઓની રાજધાનીઓ પણ અવશેષ બની જતા વાર નથી લાગતી. મહેલો ખંડેરોમાં ફેરવાઈ જાય, પરંતુ ઇતિહાસ માત્ર સ્મૃતિરૂપે જીવંત રહી શકે જ્યારે તે લખાયું હોય. એ ઇતિહાસ વાંચીએ ત્યારે ખબર પડે કે જે તે શાસકોની પ્રસિદ્ધિઓ કે લોકો માટે કરેલી પ્રવૃતિઓ શું હતી. કચ્છના એક સમયના મહાપ્રતાપી રાજવી લાખા ફુલાણીની રાજધાની કેરાકોટ પણ આવાં જ અનેક કાળચક્રોમાંથી પસાર થઈ છે. આજે જ્યાં ખંડેરો બોલે છે, ત્યાં ક્યારેક શૌર્ય, સંસ્કૃતિ અને કલાનું વૈભવ હતું, પરંતુ ઇતિહાસ માત્ર પથ્થરોમાં જ નહીં, માનવમન અને સાહિત્યમાં પણ જીવંત રહે છે. કેરાકોટે ઉર્દૂ ભાષાના મહાન શાયર ‘ચમન’ને જન્મ આપી પોતાના કીર્તિમંદિર પર સુવર્ણકળશ ચઢાવ્યો છે.

શાયર ‘ચમન’નું મૂળ નામ આમ તો મહમ્મદ હાશિમ. ‘ચમન’ એમનું તખલ્લુસ. એમનો શૈક્ષણિક અભ્યાસ માત્ર ગુજરાતી બે-ત્રણ ચોપડી. છતાંય એમણે ઉર્દૂ ભાષામાં જે પ્રભુત્વ મેળવ્યું તે આશ્ર્ચર્યજનક છે. સામાન્ય રીતે ભાષા પર અધિકાર મેળવવા માટે વર્ષોનો અભ્યાસ, વ્યાકરણની સમજ અને સાહિત્યિક પરંપરાનો સંસ્કાર જરૂરી ગણાય છે. પરંતુ ‘ચમન’એ પોતાની અદમ્ય ઈચ્છાશક્તિ, આત્મમહેનત અને સાહિત્યપ્રેમથી આ બધાં અવરોધોને પાર કર્યા.

એમણે જાતે જ ઉર્દૂ ભાષાની નાજુકતાઓ શીખી, શબ્દસંપત્તિ વિકસાવી અને ગઝલના તંતુઓને આત્મસાત કર્યા. અલ્પ અભ્યાસ હોવા છતાં એમની ગઝલોમાં જે ભાવપ્રવાહ, ભાષાસૌંદર્ય અને તત્ત્વચિંતન જોવા મળે છે તે એમને ઉચ્ચ કક્ષાના કવિ તરીકે સ્થાપિત કરે છે.

‘દીવાને ચમન’ અને ‘બહારે ચમન’ નામનાં એમનાં બે અમૂલ્ય ગ્રંથો ઉર્દૂ સાહિત્યની મહત્ત્વની ધરોહર છે. આ બંને પુસ્તકોની પ્રસ્તાવના ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર સ્વ. સાક્ષર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ લખી છે. ‘બહારે ચમન’ની પ્રસ્તાવનામાં ઝવેરી સાહેબ નોંધે છે કે જો આ ગઝલો ઉર્દૂ લિપિમાં ઉત્તર ભારતમાં પ્રકાશિત થાત, તો ત્યાંના શાયરો પણ ચોંકી ઉઠત કે ગુજરાત જેવી ધરતી પર પણ ઉર્દૂ કવિતાના એવા સચ્ચા ઉપાસકો પેદા થયા છે. પરંતુ ચમનનો આગ્રહ હતો કે એમનાં ગ્રંથો ગુજરાતમાં અને ગુજરાતીમાં જ પ્રકાશિત થવા જોઈએ.

‘બહારે ચમન’ના પ્રારંભિક ‘બે બોલ’માં કવિ પોતે જ પોતાની વિનમ્રતા વ્યક્ત કરે છે 
હું અભણ ક્યાં અને ઉર્દૂ ગઝલો ક્યાં? મને તો યોગ્ય રીતે ઉર્દૂ બોલતાં પણ આવડતું નથી, તો ગઝલો કેમ લખી શકું? આ તો કુદરતની કૃપા છે, જાણે ઈશ્વરે જ મારો હાથ પકડીને લખાવ્યું હોય.
આ ભાવને ગઝલમાં તેઓ કહે છે :
કહાં હમારી ઐસી કિસ્મત, જો શેઅર લિખતે કલમ ઉઠા કે;
દસ્તે કુદરતને હાથ મેરા, ‘ચમન’ પકડ કર લિખા દિયા હૈ.
ચમન વ્યવસાય અર્થે ઇટાલિયન સોમાલીલેન્ડ (ઈસ્ટ આફ્રિકા)ના મોગાદીશુ વિસ્તારમાં વસતા હતા. વિદેશની ધરતી પર રહીને પણ એમના હૃદયમાં ઉર્દૂ ગઝલોના સ્વર ઊભરાતા રહેતા. પરદેશમાં વસવાટ છતાં ભાષા અને સંસ્કૃતિ પ્રત્યેની તેમની લાગણી અડગ રહી.
ચમનની ગઝલોમાં જીવનની નાશવંતતા, પ્રેમની પીડા, વિયોગની વ્યથા, ઈશ્વરપ્રેમ, માનવસમાનતા અને વૈરાગ્ય જેવા વિષયો ઊંડાણથી પ્રગટ થાય છે. એમના કેટલાંક શેરોમાં મૃત્યુ અને કબરનું ચિત્રણ પણ જોવા મળે છે, પરંતુ તે ભયજનક નહીં, પરંતુ તત્ત્વચિંતનસભર છે. જેમ કે તેઓ કહે છે 
‘ચમન’ કી અર્જ હૈ અય દોસ્તો, મેરી તુરબત પર,
બ જાયે ફાતિહા, અચ્છી ગઝલ ગા કર સુના દેના.
અર્થાત્, મારી કબર પર ફાતિહા વાંચવાને બદલે એક સારી ગઝલ ગાઈને સંભળાવજો. આમાં જીવનપ્રેમ અને કાવ્યપ્રેમનું અદ્ભુત સંયોજન જોવા મળે છે.
કેટલાક શેરોમાં જીવનની અસ્થિરતા અને વૈભવની નિષ્ફળતા પ્રગટ થાય છે 
ફરિશ્તોં પૂછતે હો ક્યા, હિસાબે માલો-જર હમ કો,
કફન દો ગજ કે માલિક બન કે, હૈં ઘરબાર સે નિકલે.
માનવ જીવનમાં અંતે માત્ર બે ગજ કફન જ સાથ આપે છે. આ તત્ત્વચિંતન ચમનની રચનાઓમાં વારંવાર પ્રગટે છે.
પ્રેમ અને વિરહની લાગણી પણ એમની ગઝલોમાં અત્યંત કોમળતાથી વ્યક્ત થાય છે 
શમા જલી પરવાના જલા, દિલ મેરા જલા, જો આયા તેરી બજમ મેં, જલ જલ કે રહ ગયા.
અહીં પ્રેમની તીવ્રતા અગ્નિરૂપે પ્રગટ થાય છે. ચમન જીવનની સામાજિક વિસંગતિઓ પર પણ કટાક્ષ કરે છે. યુવાનીમાં સૌની ચાહના મળે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં ઉપેક્ષા, આ સત્ય તેઓ નિર્ભયતાથી રજૂ કરે છે:
જબ જવાં થે, ચાહથી હર એક કો, પીરી મેં બોલે, ‘ચમન’ કો ક્યા કરેં?
એમની દૃષ્ટિ માત્ર વ્યક્તિગત અનુભવો સુધી સીમિત નથી; તે સમગ્ર સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે. લેખના શીર્ષકરૂપ પંક્તિ 
રવાના હસ્તીએ ફાની સે, કલ યે કારવાં હોગા,
ન હમ હોંગે ન તુમ હોંગે, ન શાહી કા નિશાં હોગા.

- આ ફાની દુનિયામાંથી આવતી કાલે જ કાફલો ચાલ્યો જશે. માનવ અસ્તિત્વની નાશવંતતાનું સર્વોચ્ચ દર્શન કરાવે છે. ન તો આપણે રહીશું, ન તો રાજાઓની શાન-શોકત બચશે. અંતે સમય બધાને સમાન બનાવી દે છે. આ વિચાર ચમનની ફિલસૂફીનું કેન્દ્રબિંદુ છે.

અલ્પ શિક્ષણ હોવા છતાં એમણે જે સાહિત્યિક ઊંચાઈ પ્રાપ્ત કરી તે યુવાનો માટે પ્રેરણાસ્રોત છે. પ્રતિભા માટે ડિગ્રી નહીં, પરંતુ દૃઢ ઇચ્છાશક્તિ અને શ્રમ જરૂરી છે.

આજે જ્યારે કેરાકોટના ખંડેરો ભૂતકાળની ગાથા કહે છે, ત્યારે ચમનની ગઝલો એ ધરતીને જીવંત ઓળખ આપે છે. અંતે એટલું જ કહી શકાય કે ચમન કચ્છની સાહિત્યિક ધરોહર છે. એમની ગઝલો માત્ર કાવ્યરસ પૂરતો આનંદ નથી આપતી, પરંતુ જીવનનું તત્ત્વજ્ઞાન પણ શીખવે છે.