Tue Jan 20 2026

Logo

White Logo

સુરતમાં નૌકા સ્પર્ધામાં અકસ્માત : સુરતના દરિયામાં નૌકા સ્પર્ધા દરમિયાન બોટ પલટી, 12 નાવિકોનો આબાદ બચાવ...

10 hours ago
Author: Tejas
Video

સુરત: શહેરમાં સમુદ્ર કિનારે રવિવારે એક તરફ સાહસ અને ઉત્સાહનો માહોલ હતો, તો બીજી તરફ અચાનક સર્જાયેલા એક અકસ્માતે લોકોના શ્વાસ અટકાવી દીધા હતા. હજીરા અને મગદલ્લા વચ્ચે યોજાયેલી પરંપરાગત 21 કિલોમીટર લાંબી નૌકા સ્પર્ધા દરમિયાન એક બોટ દરિયાના મોજાંઓ વચ્ચે સંતુલન ગુમાવતા અચાનક પલટી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને કિનારે ઉભેલા લોકો અને અન્ય સ્પર્ધકોમાં ભારે ફફડાટ અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે, તમામ નાવિકોની કુશળતાને કારણે મોટી હોનારત ટળી હતી.

મળતી માહિતી પ્રમાણે સ્પર્ધા જ્યારે પૂરી થવા આવી હતી, ત્યારે સ્પર્ધામાં ભાગ લઈ રહેલી એક નૌકા દરિયાના મધ્ય ભાગમાં પલટી ગઈ હતી. આ બોટમાં 12 થી વધુ નાવિકો સવાર હતા, તમામ એકાએક ઊંડા પાણીમાં ફેંકાયા હતા. સદનસીબે, સ્પર્ધામાં સામેલ તમામ નાવિકો અત્યંત અનુભવી હતા અને તેમને તરતા આવડતું હતું. અકસ્માત થતાની સાથે જ ત્વરિત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના પરિણામે તમામ નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં હજીરા બંદરથી મગદલ્લા વચ્ચે આ પરંપરાગત બોટ રેસનું આયોજન છેલ્લા 45 વર્ષથી કરવામાં આવે છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ 45મી દરિયાઈ સઢવાળી નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા બનનારા નાવિકોને 1 લાખ રૂપિયા સુધીનું રોકડ ઇનામ આપવામાં આવે છે, જેને જોવા માટે સુરત અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.

આ અકસ્માતમાં સૌથી રાહતની વાત એ રહી કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી. સામાન્ય રીતે દરિયાના મોજાંઓ વચ્ચે બોટ પલટી જવી એ અત્યંત જોખમી સાબિત થતી હોય છે, પરંતુ આ સ્પર્ધકો વર્ષોથી દરિયા સાથે જોડાયેલા હોવાથી અને તરવામાં નિપુણ હોવાથી તેઓ સમયસૂચકતા વાપરી પોતાની જાન બચાવી શક્યા હતા. તંત્ર દ્વારા પણ સુરક્ષાના સાધનો અને રેસ્ક્યુ ટીમની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેણે સમયસર મદદ પહોંચાડી હતી.