બીડ: બીડ જિલ્લામાં કરોડો રૂપિયાના ફ્રોડ કેસના આરોપીઓને લઇ જતી પોલીસની એસ્કોર્ટ વૅન મોટરસાઇકલ સાથે અથડાતાં યુવકનું મોત થયું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અંબાજોગાઇ-બીડ માર્ગ પર યેલંબ ઘાટ નજીક શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મોટરસાઇકલસવાર અમોલ હેંડગે (35)નું મૃત્યુ થયું હતું, જ્યારે પાછળ બેઠેલો વિક્રમ હેંડગે ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતને કારણે યેલંબ-નેકનૂર માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જૅમ સર્જાયો હતો.
બીડમાં જ્ઞાનરાધા મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા 3,500 કરોડની છેતરપિંડીના કેસમાં ગયા વર્ષે સુરેશ કુટે અને તેની પત્ની અર્ચનાની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટની સુનાવણી બાદ બંને જણને પોલીસ વૅનમાં અંબાજોગાઇથી બીડ લાવવામાં આવી રહ્યાં હતાં ત્યારે મોટરસાઇકલ સાથે વૅન અથડાઇ હતી, જેમાં અમોલ હેંડગે અને વિક્રમ હેંડગેને ગંભીર ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે સવારે અમોલ હેંડગેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
સુરેશ કુટે કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો ચેરમેન હતો, જ્યારે અર્ચના કુટે બિઝનેસ પ્રમોટર હતી. ક્રેડિટ સોસાયટી દ્વારા અનેક ડિપોઝિટર્સ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. (પીટીઆઇ)