અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીને પણ લોકો પસંદ કરવા લાગ્યાં છે. કેટલેક અંશે આમ આદમી પાર્ટી સફળ થતી પણ જણાય છે. પરંતુ હવે પ્રશ્ન થાય કે ગુજરાતના લોકો સૌથી વધારે કઈ પાર્ટીને પસંદ કરે છે? આ અંગે WeePreside અને CIF દ્વારા સાથે મળીને એક સર્વે કરવામાં આવ્યો છે. આ ‘પલ્સ ઓફ ગુજરાત 2026’ સર્વે પ્રમાણે ગુજરાતમાં હજી પણ ભાજપનું વર્ચસ્વ યથાવત રહ્યું છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા ત્રણ દશકથી શાસન કરી રહ્યું છે. ત્રણ દશક થયા તે બાદ પણ ભાજપ ગુજરાતની સૌથી લોકપ્રિય પાર્ટી છે. હવે પ્રશ્ન એ થાય કે બીજા ક્રમે કોણ આવે છે? ચાલો આ અહેવાલમાં વિગતે ચર્ચા કરીએ...
આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની પણ ચિંતા વધારી
‘પલ્સ ઓફ ગુજરાત 2026’ સર્વે પ્રમાણે ભાજપને અત્યારે 49.5 ટકા મતદારોનું સમર્થન છે. પરંતુ હવે સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ભાજપ બાદ બીજા ક્રમે કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી આવે છે. આ સર્વે પ્રમાણે આમ આદમી પાર્ટીને 24.8 ટકા મતદારોનું સમર્થન મળ્યું છે. જ્યારે કોંગ્રેસ માત્ર 17.3 ટકા સાથે ત્રીજા નંબરની પાર્ટી બની ગઈ છે. એટલે બની શકે આગમી ચૂંટણીમાં બાદ આમ આદમી પાર્ટી કોંગ્રેસને છોડીને મુખ્ય વિપક્ષી પાર્ટી બની જશે. જો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ તો સત્તામાં આવવાનો દાવો કરી રહ્યાં છે.
સર્વે પ્રમાણે‘આપ’ ગુજરાતનો બીજો સૌથી લોકપ્રિય પક્ષ
‘પલ્સ ઓફ ગુજરાત 2026’ સર્વે આમ આદમી પાર્ટીનો ગુજરાતનો બીજો સૌથી લોકપ્રિય પક્ષ ગણાવે છે. જેથી આમ આદમી પાર્ટીના નેતાઓમાં ખુશીઓ પણ જોવા મળી છે. આપ નેતાઓ તો ગુજરાતમાં પરિવર્તનનો દાવો પણ કરી રહ્યાં છે. જો કે, સર્વે પ્રમાણે એ વાત તો નક્કી છે કે, કોંગ્રેસને પાછળ છોડીને આમ આદમી પાર્ટી ગુજરાતની બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ પહેલા 2022ની ચૂંટણીમાં ‘આપ’ને માત્ર 13 ટકા જ મતો મળ્યાં હતાં. હવે ત્રણ જ વર્ષમાં આ આંકડો બમણો થઈ રહ્યો છે. જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. ગુજરાતમાં હવે કોંગ્રેસની ટક્કર માત્ર ભાજપ સાથે જ નહીં પરંતુ આમ આમદી પાર્ટી સાથે પણ રહેવાની છે.
શહેરી વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ વધારે, કોંગ્રેસ તળીએ
સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરવામાં આવે તો, ભાજપને 47 ટકા, આમ આદમી પાર્ટીને 28 ટકા અને કોંગ્રેસને 18 ટકા મતદારોનું સમર્થન મળ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભાજપને 51 ટકા, આપને 22 ટકા અને કોંગ્રેસને 19 ટકા સમર્થન મળ્યું છે. મધ્ય ગુજરાતમાં ભાજપને 55 ટકા, આપ ને 19 ટકા અને કોંગ્રેસને 18 ટકા સમર્થન મળ્યું છે. મોટા ભાગના મોટા શહેરોમાં ભાજપનું વર્ચસ્વ વધારે છે. જો કે, તે વિસ્તારોમાં પણ કોંગ્રેસ આપ કરતા પાછળ રહી છે. અહીં કોંગ્રેસને 14 ટકા અને આમ આદમી પાર્ટીને 22 ટકા સમર્થન મળ્યું છે.
ભાજપે હવે કોંગ્રેસ સામે નહીં ‘આપ’ સામે લડવાનું છે
આ સર્વેનો નિષ્કર્ષ એ નીકળે છે કે, 2027ની વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપ સામે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ નથી પરંતુ આમ આદમી પાર્ટી છે. ભાજપ આમ આદમી પાર્ટી સામે રણનીતિ બનાવવાની છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ લોકોમાં પોતાનો વિશ્વાસ ગુમાવી રહી છે. તેનું કારણ શું હોઈ શકે ? આ એક સર્વેનો વિષય છે. હવે જોવાનું એ રહે છે કે, ગુજરાત આગામી ચૂંટણી કોને સત્તા પર લાવશે?