Tue Jan 20 2026

Logo

White Logo

વેબસાઈટ પર ફ્લૅટ વેચવાની જાહેરખબર મૂકી : છેતરપિંડી કરનારી ટોળકી પકડાઈ

4 hours from now
Author: Yogesh C Patel
Video

(અમારા પ્રતિનિધિ)
મુંબઈ: હાઉસિંગ ડૉટ કૉમ પર ફ્લૅટ વેચવા સંબંધી જાહેરખબર મૂકીને ખરીદદારો પાસેથી નાણાં પડાવી કથિત છેતરપિંડી કરનારી ટોળકીની મલાડ પોલીસે ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ હિતેશ રવીન્દ્ર કેદારી (30), રાજેશ વિસુલ પ્રસાદ (37), નિમેશ અનિલ મેવાણી (49), મોહમ્મદ રફીક રશીદ ખાન (38), દીપક કિરીટ શાહ (47) અને રાજન હર્ષદ કક્કડ (45) તરીકે થઈ હતી. ટોળકીનો મુખ્ય આરોપી અમિત ઠાકુર ઉર્ફે કાસીમ રશીદ ખાન (30) ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી નવલ રાજપૂત (31)ને ફ્લૅટ ખરીદવાની ઇચ્છા હોવાથી તેણે હાઉસિંગ ડૉટ કૉમ વેબસાઈટ પર સર્ચ કર્યું હતું. સાઈટ પરની જાહેરખબરના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક અમિત ઠાકુર સાથે થયો હતો. અમિતે મલાડના જકેરિયા રોડ પરની ઈમારતના એક ફ્લૅટની માહિતી અને કિંમત ફરિયાદીને જણાવી હતી. પછી અમિતે તેના બન્ને કર્મચારી રોશન યાદવ અને દીપક શાહ મારફત ફરિયાદીને ફ્લૅટ પણ દેખાડ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ફ્લૅટમાલિક પોપટલાલ સંદેશાને પણ ફરિયાદીની સામે લાવવામાં આવ્યો હતો. બજેટ અનુરૂપ હોવાથી ફરિયાદીએ ફ્લૅટ ખરીદવાની તૈયારી દાખવી હતી. આ માટે 26 લાખ રૂપિયા બૅન્કમાં ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે ચાર લાખ રૂપિયા સંદેશાને રોકડ આપ્યા હતા. આર્થિક વ્યવહાર વખતે ફરિયાદીએ વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં રજિસ્ટ્રેશન માટે અમિત ઠાકુર વારંવાર ઉડાઉ જવાબ આપતો હતો. પરિણામે ફરિયાદી સોસાયટીમાં ગયો હતો.


સોસાયટીમાં ઑફિસમાં તપાસ કરતાં ફરિયાદીને આંચકો લાગ્યો હતો. એ ફ્લૅટ સંદેશાનો જ હતો, પણ ફરિયાદીને મળનારો સંદેશા બીજી જ કોઈ વ્યક્તિ હોવાની જાણ થઈ હતી. પોતે છેતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ મલાડ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે ફરિયાદીએ જે બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેની માહિતી મેળવી હતી. ખાતાધારક હિતેશ કેદારીને પકડી પાડ્યા પછી અન્ય આરોપીઓને વિવિધ ઠેકાણેથી તાબામાં લેવાયા હતા. આ ટોળકીએ આ જ રીતે અનેક લોકોની છેતરપિંડી કરી હોઈ તેમની વિરુદ્ધ દહિસર અને કાશીગાંવ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.