Tue Jan 20 2026

Logo

White Logo

બાળ ઠાકરેની જન્મશતાબ્દી વર્ષ હોવાથી : પહેલા અઢી વર્ષ શિવસેનાનો મેયર બનાવવાની ડિમાન્ડ...

11 hours ago
Author: vipulbv
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે મુંબઈના આગામી મેયર મહાયુતિના જ હશે, ગયા અઠવાડિયે પાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી નવા રાજકીય સમીકરણોના અહેવાલોને વહેતા થયા હતા તેને રદિયો આપતાં તેમણે એવી પણ ખાતરી આપી હતી કે જે પાલિકામાં શિવસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી તે બધી જ મહાનગરપાલિકામાં પણ મહાયુતિના જ મેયર બેસાડવામાં આવશે. 

જોકે, એવું જાણવા મળ્યું છે કે શિંદે સેના દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે બાળ ઠાકરેની જન્મ શતાબ્દી વર્ષ હોવાથી મુંબઈનું મેયરપદ શિવસેનાને આપવામાં આવે. 
રાજ્યમાં પ્રવર્તી રહેલી અફવાઓને રદિયો આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે શિવસેના એવો કોઈ નિર્ણય લેશે નહીં જે લોકોના આદેશની વિરુદ્ધ જાય.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં ભાજપ-શિવસેના ગઠબંધને પાતળી બહુમતી મેળવ્યા પછી શિવસેનાના 29 ચૂંટાયેલા કોર્પોરેટરોને મુંબઈની એક હોટલમાં ખસેડવામાં આવ્યા બાદ થઈ રહેલી લાંબી ચર્ચા વચ્ચે શિંદેનું આ નિવેદન આવ્યું છે.

એવી અટકળો છે કે શિંદે શિવસેના માટે ઓછામાં ઓછા પહેલા અઢી વર્ષ માટે - બીએમસીના મેયરનું પદ મેળવવા માટે ઉત્સુક છે કારણ કે તે પાર્ટીના સ્થાપક સ્વર્ગસ્થ બાળ ઠાકરેનું જન્મશતાબ્દી વર્ષ છે.

‘શિવસેના અને ભાજપે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ગઠબંધનમાં લડી હતી અને તેથી મહાયુતિના ઉમેદવાર મેયર બનશે. થાણે, કલ્યાણ-ડોંબિવલી, ઉલ્હાસનગર અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ આ જ નિર્ણય લાગુ કરવામાં આવશે જ્યાં ગઠબંધન સંયુક્ત રીતે ચૂંટણી લડ્યું હતું,’ એમ શિંદેએ સોમવારે પત્રકારોને જણાવ્યું હતું.

સત્તાવાર રીતે, શિવસેનાનો દાવો છે કે નવા ચૂંટાયેલા સભ્યોને દેશના સૌથી શ્રીમંત પાલિકાની કાર્યપ્રણાલીથી વાકેફ કરવા માટે ઓરિએન્ટેશન વર્કશોપ માટે હોટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શિંદેએ કહ્યું કે મુંબઈવાસીઓએ શિવસેના-ભાજપ જોડાણને વિશ્ર્વાસ સાથે મત આપ્યો હતો અને તે વિશ્ર્વાસનું સન્માન કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું કે મુંબઈ કે મહારાષ્ટ્રમાં અન્યત્ર નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા હોવાના અહેવાલોમાં કોઈ સત્ય નથી અને મહાયુતિ જ્યાં પણ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે ત્યાં મહાયુતિના મેયરનું નેતૃત્વ મેળવશે.

દરમિયાન, શિવસેનાએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે ભલે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, પરંતુ મુંબઈમાં જનતાનો જનાદેશ શિવસેના-ભાજપ ગઠબંધનની તરફેણમાં છે.