નવી દિલ્હીઃ ડીજીસીએ (Directorate General of Civil Aviation)એ શનિવારે ઇન્ડિગો એરલાઇન્સ પર 22.20 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ કાર્યવાહી ડિસેમ્બર 2025માં હજારો ફ્લાઇટ્સ રદ્દ કરવાના મુદ્દે કરવામાં આવી છે. નોંધનીય છે કે તારીખ 2 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર વચ્ચે 5000 ફ્લાઇટ્સ રદ્દ થઈ હતી, એટલું જ નહીં પરંતુ અનેક ફ્લાઇટ્સમાં વિલંબ પણ થયો હતો. આ ઘટનાએ 3 લાખથી વધુ મુસાફરો પરેશાન થયાં હતાં. આ કારણે હવે ડીજીસીએ દ્વારા ઈન્ડિગો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ઇન્ડિગોને 22.2 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો
DGCA એ જણાવ્યું હતું કે, ઇન્ડિગો સામે કાર્યવાહી એરલાઇનની ઓપરેશનલ નિષ્ફળતાઓની સમીક્ષા બાદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને વ્યાપક અસુવિધા થઈ હતી. DGCA એ દેશની સૌથી મોટી એરલાઇન પર 68 દિવસ માટે દરરોજ 3 લાખ નો દંડ ફટકાર્યો છે. સાથે જ 1.8 કરોડનો અલગથી દંડ ફટકાર્યો છે. એટલે કુલ મળીને ઇન્ડિગો પર કુલ મળીને રૂપિયા 22.2 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ એક મોટી કાર્યવાહી સાબિત થઈ છે. ઈન્ડિગો દ્વારા મનમાની કરવામાં આવી તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
DGCAની તપાસમાં કેવી તારણો સામે આવ્યાં?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, DGCA દ્વારા રચાયેલી ચાર સભ્યોની સમિતિએ ઇન્ડિગોના નેટવર્ક પ્લાનિંગ, સ્ટાફ સોંપણીઓ અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરની બારીકાઈથી તપાસ કરી હતી. અહેવાલમાં સમિતિએ તારણ કાઢ્યું હતું કે, એરલાઇન્સે તેની ઓપરેશનલ ક્ષમતાઓ કરતાં વધુ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સિસ્ટમ બ્રેકડાઉન થયું હતું. એટલું જ નહીં પરંતુ નિયમનકારી તૈયારીનો અભાવ, સિસ્ટમ સોફ્ટવેરમાં ખામીઓ અને મેનેજમેન્ટ સ્તરે ઓપરેશનલ નિયંત્રણનો અભાવ વિક્ષેપના મુખ્ય પરિબળો સાબિત થયાં હતાં. તપાસના અંતે ઈન્ડિગો પર કાર્યવાહી કરવામાં આવી છે.
ઈન્ડિગો ને રૂપિયા 50 કરોડની બેંક ગેરંટી જમા કરવા આદેશ
સૌથી મહત્વની વાત એ છે કે, યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા DGCA એ ઈન્ડિગો એરલાઇનને રૂપિયા 50 કરોડની બેંક ગેરંટી જમા કરાવવાનો આદેશ પણ આપ્યો છે. ડીજીસીએનું આ આકરૂ વલણ એવું દર્શાવે છે કે, મુસાફરોની સુવિધા અને તેમની સલામતીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.