(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની નવી સામાન્ય સભામાં સંખ્યા ઓછી થઈ ગઈ હોવા છતાં, નવા ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવકો સ્થાનિક રહેવાસીઓના નાગરી મુદ્દાઓને મજબૂતીથી ઉઠાવશે અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે કામ કરશે, એમ પાર્ટીના શહેર પ્રમુખે સોમવારે જણાવ્યું હતું. મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિ (એમઆરસીસી)ના પ્રમુખ વર્ષા ગાયકવાડે એવો પણ આરોપ લગાવ્યો હતો કે 15 જાન્યુઆરીની પાલિકા ચૂંટણીમાં લોકશાહીની પ્રક્રિયા પર ગંભીર હુમલા થયા હતા, જેમાં ઉમેદવારો પર ચૂંટણી મેદાનમાંથી ખસી જવા માટે દબાણ, પૈસાનું વિતરણ અને મત ગણતરી દરમિયાન અનિયમિતતાઓનો સમાવેશ થાય છે.
24 નવા ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરોનું સન્માન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે મ્યુનિસિપલ ચૂંટણીઓ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં લડવામાં આવી હતી.
એક તરફ પૈસાની શક્તિ, રોકડનું વિતરણ અને વિપક્ષી ઉમેદવારોને ધમકીઓ હતી, સમગ્ર તંત્ર શાસક પક્ષ માટે કામ કરી રહ્યું હતું. બીજી બાજુ લોકોની શક્તિ હતી. લોકોએ કોંગ્રેસ પર વિશ્ર્વાસ કર્યો અને પાર્ટીના 24 કોર્પોરેટરોને ચૂંટી કાઢ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
મુંબઈ ઉત્તર-મધ્યના લોકસભા સાંસદે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં દૃઢ નિશ્ર્ચયથી ચૂંટણી લડ્યા હતા.‘અમારી તાકાત મર્યાદિત હોવા છતાં, અમારા કોર્પોરેટરો કોર્પોરેશનમાં મુંબઈગરાનો અવાજ ઉઠાવશે અને લોકોની નાગરી સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશે,’ એમ તેમણે જણાવ્યું હતું. 2017ની ચૂંટણીમાં, ભારતની સૌથી શ્રીમંત પાલિકામાં કૉંગ્રેસના 31 ઉમેદવારો ચૂંટાયા હતા. 2026માં પાર્ટીએ અત્યાર સુધીની સૌથી ઓછી 24 બેઠકો જ મેળવી હતી.
કોંગ્રેસ વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)નો ઘટક છે, પરંતુ તેણે મુંબઈ પાલિકાની ચૂંટણીમાં તેના કોઈપણ રાજ્ય-સ્તરના ભાગીદારો સાથે જોડાણ કર્યું ન હતું. તેના બદલે, કોંગ્રેસે વંચિત બહુજન આઘાડી, રાષ્ટ્રીય સમાજ પક્ષ અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (ગવઈ) સાથે ચૂંટણી-પૂર્વ સમજૂતી કરી હતી. કોંગ્રેસના નવા કોર્પોરેટરો માટે પ્રાથમિકતાઓની યાદી આપતા, તેમણે નોંધ્યું હતું કે પાર્ટી વધુ સારા રસ્તાઓ, સ્વચ્છ પીવાનું પાણી, ટ્રાફિક ભીડમાંથી રાહત, પરિવહન ઉપક્રમ બેસ્ટની બસ સેવાઓમાં સુધારો અને મુંબઈને પ્રદૂષણમુક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ગાયકવાડે કહ્યું હતું કે કોંગ્રેસ બીએમસીમાં ભ્રષ્ટાચારને રોકવા માટે કામ કરશે, જેનું ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રૂ. 74,000 કરોડથી વધુ છે. મુંબઈ પાલિકાની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ એમઆરસીસીના વડા તરીકે રાજીનામાની માગણી ઉઠી રહી છે તે અંગેના પ્રશ્ર્નનો જવાબ સીધો આપવાનું ટાળતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાજપથી વિપરીત લોકશાહી મૂલ્યોનું પાલન કરે છે.
‘કોંગ્રેસમાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. જો કોઈએ નેતૃત્વની ટીકા કરી હોય, તો પક્ષ તેના પર નિર્ણય લેશે,’ એમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
એમઆરસીસી પ્રમુખે એમ પણ જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરોને તેમના નેતૃત્વમાં વિશ્ર્વાસ છે. ‘આગામી દિવસોમાં, અમે મુંબઈમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કામ કરીશું,’ એમ તેમણે કહ્યું હતું.
શાસક મહાયુતિના ઘટક શિવસેના પર કટાક્ષ કરતા, ગાયકવાડે કહ્યું હતું કે, ‘અમને અમારા કોર્પોરેટરો પર સંપૂર્ણ વિશ્ર્વાસ છે, તેથી તેમને હોટલમાં રાખવાની કોઈ જરૂર નથી.’