(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ)માં ઓશિવરા વિસ્તારમાં આવેલા એક રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં શનિવારે સવારના એક ફ્લેટમાં લાગેલી આગમાં ૭૩ વર્ષના સિનિયર સિટિઝન મહિલાનું મૃત્યુ થયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ જણાવ્યા મુજબ લોખંડવાલા વિસ્તારમાં હાઈ પોઈન્ટ હોટલ પાસે ગ્રાઉન્ડ પ્લસ સાત માળની બ્રિજ બિલ્ડિંગ આવેલી છે.
શનિવારે સવારના ૧૧.૧૫ વાગે બીજા માળા પર આવેલા ફ્લેટ નંબર ૪૦૨માં આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડના ચાર ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ૧૨.૦૯ વાગ્યાની આસપાસ આગ બુઝાવવામાં સફળતા મળી હતી.
આગમાં ફ્લેટમાં રહેલા સિનિયર સિટઝન હિરુ ચેતલાની જખમી થયા હતા. તેમને કુપર હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પણ સારવાર અગાઉ જ તેમનું મૃત્યુ થયું હોવાનું ફરજ પરના ડૉકટરે જણાવ્યું હતું.આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.