મિજાજ મસ્તી - સંજય છેલ
ટાઈટલ્સ:
વાતવાતમાં ‘ચીત’ કરી શકે એ વાતચીત. (છેલવાણી)
એક જમાનાના સ્ટાર જીતેંદ્ર,એક ફિલ્મી પાર્ટીમાં અભિનેતા રાજકુમારને સામેથી મળવા ગયા ને કહ્યું,‘સર, મૈં તો આપ કા બચપન સે ફેન હું!‘ રાજકુમારને લાગ્યું કે જીતેંદ્રે બધાંની સામે એમને ‘બૂઢા કલાકાર’ કહ્યાં. એમણે ઓલરેડી સફળ અભિનેતા જીતેંદ્રને સંભળાવ્યું : ‘જાનીડડડડતુમ દિખતે તો ઠીકઠાક હો...ફિલ્મોં મેં ટ્રાય ક્યું નહીં કરતે?’
જોકે આ તો સ્હેજ કડવી મજાક હતી, પણ અચાનક લાજવાબ કરી મૂકવાની હાજરજવાબી ટેલેંટ બહુ ઓછામાં હોય છે. એમાંય હાજરજવાબીને પચાવવાનું જીગર તો બહુ ઓછાઓમાં.
હોલિવૂડના વિખ્યાત અભિનેતા માર્લોન બ્રાંડો અને ઉત્સાહી એક્ટર અલ પચીનો પહેલીવાર સાથે કામ કરતા હતા ત્યારે એક દૃશ્યમાં અલ પચીનોએ દોડીને હાંફતા હાંફતા આવીને કોઇ ડાયલોગ બોલવાનો હોય છે તો બ્રાંડો સામે વટ પાડવા, દરેક શોટમાં અલ પચીનો સ્ટુડિયોની આસપાસ 45 ચક્કર લગાવે અને પછી હાંફતા હાંફતા ડાયલોગ બોલે. પચીનોને એમ કે આનાથી બ્રાંડો પર જામો પડી જશે.
આખરે શૂટિંગ પત્યા બાદ બ્રાંડોએ પચીનોને કહ્યું, ‘દોસ્ત, નેક્સટ ટાઇમ, એક્ટિંગ ટ્રાય કરજે, કસરત નહી!’
ગંભીર અને બોરિંગ ભાસતા મહાત્મા ગાંધી ખૂબ હાજર જવાબી ને રમૂજી હતા. ગાંધીજી ઇંગ્લેંડના કિંગ જ્યોર્જ 5ને મળવા પોતડી પહેરીને ગયા ત્યારે ચોંકી ગયેલા પત્રકારે પૂછ્યું, ‘મિ. ગાંધી, ઇંગલેંડના રાજા સામે તમે જે કપડાં પહેર્યા છે એ ઉચિત કહેવાય?’ બાપુએ હસીને કહ્યું, ‘મારા કપડાંની ચિંતા ના કરો. રાજાનાં શરીર પર અમને બેઉને પૂરતા પડે એટલા કપડાં છે!’
કલાજગતમાં હાજરજવાબી કે તલ્ખીભર્યા તુંડ મિજાઝ પંચ બહુ મશહૂર છે. પ્રવીણ જોશી નામનાં ગુજરાતી રંગભૂમિનાં સુપર સ્ટાર અભિનેતા અદાકારે ઇંડિયન નેશનલ થિએટર (આઇ.એન.ટી.) જેવી માતબર અને સન્માનનીય સંસ્થામાંથી નવા કલાકારોને લઇને એક કોમેડી નાટક બનાવ્યું: ‘ચોર બજાર’, પણ કમનસીબે નાટક સુપરફ્લોપ ગયું ત્યારે તરત જ એક વાંકદેખાએ કહ્યું: ‘ચોરબજાર નામવાળું નાટક ફ્લોપ જ જાય ને? શું છે કે સંસ્થાનું નામ, નાટકને આપ્યું ને એનું આ પરિણામ!’
હાજરજવાબીપણાંમાં કદીક આવાં ઝેર હોય ને કદીક વેર!
ઇન્ટરવલ:
‘મરીઝ’ હું પ્રશ્ન પૂછું તો નિખાલસ દિલથી પૂછું છું
કે ચૂપ કરવાનો રસ્તો એ જ છે હાજરજવાબોને.
લોકોનાં મનમાં કવિઓ માટે બહુ અલગ જ ઇમેજ હોય છે. કવિ, કાં તો બહુ ધૂની, અથવા તો સાવ મુફલિસ કે પછી 24 કલાક રોમેંટિક જ હોય એવી ધારણા પ્રચલિત છે. એમાંયે ખાસ કરીને જેની કવિતાઓમાં રોમાંસ હોય એવા કવિ વિશે તો ખાસ. એકવાર દરિયા કિનારે સાંજની વાઇનપાર્ટીમાં. કવિ રોબર્ટ ફ્રોસ્ટ, મિત્રો સાથે ગપ્પા મારતા હતા. એવામાં એક સ્ત્રીએ આવીને ખૂબ ઉત્સાહથી ફોસ્ટને કહ્યું, ‘કવિ જુઓ જુઓ..ત્યાં કેટલો અદ્ભુત સૂર્યાસ્ત દેખાય છેને? સો રોમેંટિક.’
ફ્રોસ્ટે ઠંડકથી કહ્યું, ‘હું દિવસને અંતે ધંધાની વાત નથી કરતો.’
જ્યારે માણસ પાસે ખૂબ પાવર આવે તો એ બહુ તોછડો બની જાય છે એજ રીતે જ્યારે કોઇમાં ખૂબ ગહન જ્ઞાન આવી જાય ત્યારે એ પણ નિર્ભય બનીને હાજરજવાબી બની જતો હોય છે.
એમાંયે સાચા ફિલોસોફરોને સત્તા ને પૈસા સામે પહેલેથી બહુ ચીડ. ડાયોજીનસ નામનો તત્ત્વજ્ઞાની હાડકાંના ઢગલામાંથી હાડકાંને ફંફોસી ફંફોસીને તપાસતો હતો. ત્યારે સમ્રાટ સિકંદરે આ જોઇને ડાયોજીનસને પૂછ્યું, ‘તમે આ રાખમાં શું શોધ્યા કરો છો?’
‘હું તમારા પિતાનાં હાડકાં શોધું છું. પણ શું છે કે તમારા ગુલામોનાં હાડકાં અને એમનાં હાડકાંમાં કોઈ ફરક લાગતો નથી.’ ડાયોજીનીસે આટલું જ કહીને એક જ સેકંડમાં સિકંદરના ‘વિશ્વવિજેતા’ હોવાનાં ઘમંડને ભાંગીને રાખ કરી નાખ્યું.
આજકાલ સરકારી દરબારી લેખકો કવિઓ દિલ્હી ખુરશીની ખુશામત કરવામાં ખુશી ખુશી મગન રહે છે. એવોર્ડ લેવાનો શોર્ટકટ ચરણચાટુકારીતાથી તરત કપાય જાય છે. અગાઉ શબ્દનાં સ્વામીઓ, તાનાશાહની તીક્ષ્ણ તલવાર સામે શબ્દોનાં તીર ચલાવી શકતા. એકવાર નેપોલિયને એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં રશિયન ઝાર અને જર્મન કવિ ગ્યુઈથે બંને હાજર હતા. નેપોલિયને કવિ ગ્યુઈથેને કહ્યું, ‘ચલો... કવિ ઝારની પ્રશંસામાં એક કવિતા થઇ જાય.’
કવિએ કહ્યું, ‘હું આવી ફાલતુ ફરમાસુ કવિતા લખતો નથી.’
નેપોલિયને કહ્યું, ‘એમ? પણ અમારા ફ્રાન્સના કવિઓ તો આવાં કાવ્યો લખે છે.’
ગ્યુઈથેએ તરત જવાબ આપ્યો, ‘તમારી ગેરહાજરીમાં ક્યારેક તો એ લોકોને પસ્તાવો થયો જ હશે.’
પાર્ટી પૂરી પત્યા પછી નેપોલિયને ઝારને કહ્યું, ‘જર્મનીનો મહાન ને સાચો કવિ આજ છે, આને સાચવજો. દરબારી કવિઓની ભીડમાં નિર્ભય કવિઓ મૂલ્યવાન હોય છે.’
જોકે સૌથી વધુ તો ચાલાક ને હાજરજવાબી બાળકો હોય છે.
એક છોકરો જગતનાં યુદ્ધોનો ઇતિહાસ વાંચતો હતો. એણે બાપને પૂછ્યું, ‘દુનિયામાં યુદ્ધો શું કામ થાય છે?’
‘એમાં બે દેશ વચ્ચેનાં અનેક સામાજિક અને આર્થિક કારણો જવાબદાર હોય છે.’
ત્યારે છોકરાની માએ કહ્યું, ‘રહેવા દો.. બાળકને આમ ના સમજાવાય. તમારી વાતો બિચારાને ઉપરથી જશે. મને જ સમજાવવા દો.’
પછી યુદ્ધની વાત ‘કોણ કેવી રીતે સમજાવશે’ એ અંગે માબાપ બહુ ખરાબ રીતે લડી પડ્યાં.
દલીલોની આતશબાજી ચાલી. માબાપે છોકરાને પૂછ્યું કે તારે કોની વાત માનવી છે? બાળકે તરત જ કહ્યું, ‘બસ બસ આ બધું બંધ કરો. હવે હું સમજી ગયો કે યુદ્ધ કેવી રીતે શરૂ થાય છે.’
હાજરજવાબી એવું હથિયાર છે, જે સરસ રીતે વપરાય તો કોઇની જીભડીને ચૂપ કરી શકે અથવા તો પોતાની જ જીભ કાપી બેસે.
એંડટાઇટલ્સ:
આદમ: તું હંમેશાં મને કાપે છે કેમ?
ઇવ: મને એમ કે ક્યારેક તો સુધરીશ.