શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા દળોનું અભિયાન સતત વેગ પકડી રહ્યું છે. રવિવારે સવારથી જ કિશ્તવાડ જિલ્લાના સિંહપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ ગઈ છે. ખીણમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને પાઠ ભણાવવા માટે સેના અને સ્થાનિક પોલીસે સંયુક્ત મોરચો સંભાળ્યો છે. આ ઓપરેશનને કારણે સમગ્ર વિસ્તારમાં અત્યારે ભારે તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે.
મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળોને સિંહપોરા વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ બાતમીના આધારે જ્યારે જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે આતંકીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાનોએ પણ તુરંત વળતો પ્રહાર કરતા અથડામણ શરૂ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે 2-3 આતંકીઓ સુરક્ષા દળોના ઘેરાબંધીમાં ફસાયેલા છે અને બંને તરફથી સતત ફાયરિંગ ચાલુ છે.
સંરક્ષણ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે આતંકીઓ ઘેરાયા છે તેઓ પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે જોડાયેલા હોવાની પ્રબળ શક્યતા છે. આ આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હોવાનું મનાય છે. આ વિસ્તારમાં આતંકીઓની હાજરીને જોતા સુરક્ષા દળોએ વધારાની ટુકડીઓ બોલાવી લીધી છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ આતંકી ભાગી ન છૂટે.
આ ઓપરેશન સુરક્ષા એજન્સીઓની મજબૂત જાસૂસી જાળનું પરિણામ છે. આતંકીઓની હિલચાલ અંગે અગાઉથી જ ઈનપુટ્સ મળ્યા હતા, જેને પગલે જવાનોએ વ્યુહાત્મક રીતે સિંહપોરાને ઘેરી લીધું હતું. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને પણ સુરક્ષાના કારણોસર ઘરોમાં રહેવાની અને અથડામણ સ્થળથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.