ભરત પટેલ
દેવગણ પોતપોતાના લોક ચાલ્યા ગયા. ભગવાન શિવ માતા પાર્વતી કહે છે, “દેવી સંસારચક્ર ફરી વ્યવસ્થિત ચાલી રહ્યું છે. યુવા ભદ્રાયુની શૂરવીરતા જોઈ ચંપારણ્યના મહારાજા ચંદ્રાંગ અને મહારાણી સીમંતિએ તેમની પુત્રી કીર્તિમાલીનીના લગ્ન યુવા ભદ્રાયુ સાથે કરાવ્યાં અને રાજગાદી સોંપી દીધી છે. ચંપારણ્યના જંગલમાં રાજા ભદ્રાયુ અને રાણી કીર્તિમાલીની વિહાર કરી રહ્યાં છે. આ રાજદંપતીની ધર્મમાં દૃઢતા અને શરણાગતોનું પાલન કરવાની કેટલી ક્ષમતા છે તે જાણવા તેમની પરીક્ષા લેવી અનિવાર્ય લાગી રહી છે.” આટલું સાંભળતાં જ માતા પાર્વતીએ કહ્યું, “તો ચાલો સ્વામી, જોઈએ ભદ્રાયુ અને કીર્તિમાલીની ધર્મમાં દૃઢતા કેટલી છે.” માતા પાર્વતી સહિત ભગવાન શિવે એક લીલા રચી. માતા પાર્વતી અને ભગવાન શિવે એ વનમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીરૂપે પ્રગટ થયાં. એ બંનેએ લીલાપૂર્વક એક માયાવી વાઘનું નિર્માણ કર્યું. એ બંને ભયથી વિહવળ થઈ વાઘથી થોડે જ દૂર આગળ રડતા રડતા બૂમો પાડતાં ભાગવા માંડયા અને વાઘ એમનો પીછો કરવા લાગ્યો. રાજા ભદ્રાયુએ એમને આ અવસ્થામાં જોયાં. બ્રાહ્મણ દંપતી પણ ભયથી રાજા ભદ્રાયુની સામે પહોંચે છે.
એજ સમયે વાઘ પણ બ્રાહ્મણી પાસે આવી પહોંચ્યો. તેણે બ્રાહ્મણીને પોતાનો કોળિયો બનાવવાની ચેષ્ટા કરી. રાજા ભદ્રાયુએ ધનુષ્ય ઉઠાવ્યું અને આઘાત કર્યો, પરંતુ એ બાણથી એ મહાબલી વાઘને જરાય વ્યથા ન થઈ અને તે બ્રાહ્મણીને બળપૂર્વક ઘસડતો ઘસડતો ત્યાંથી દૂર નીકળી ગયો. પોતાની પત્નીને વાઘનો શિકાર થતાં જોઈ બ્રાહ્મણ બહુ દુઃખી થયો અને તે રડવા લાગ્યો. રડતાં રડતાં કહ્યું, “હે રાજન! તમારી ઉપસ્થિતિ હોવા છતાં આ શું થયું? તમારા મોટા મોટા અસ્ત્ર શસ્ત્ર ક્યાં ગયાં? દુઃખીઓની રક્ષા કરનારું તમારું એ વિશાળ ધનુષ્ય ક્યાં ગયું? સાંભળ્યું હતું કે તમારામાં તે બાર હજાર હાથીઓનું બળ છે તેનું શું થયું? તમારી મંત્ર વિદ્યા ક્યાં ગઈ? શું તમારી શૂરવીરતા મરી પરવારી છે? કોઈપણ ધર્મજ્ઞ રાજા પોતાના પ્રાણની ચિંતા ન કરતાં પોતાની શરણમાં આવેલા દીનદુઃખીયાઓની રક્ષા કરતા હોય છે શું તમે એ ભૂલી ગયાં? તમારી સામે મારી પત્નીને વાઘ ભક્ષણ કરવા ઘસડી ગયો તમે કંઈ ન કરી શક્યા.” રાજા ભદ્રાયુ બ્રાહ્મણના ચરણોમાં પડી ગયો અને ધીરજ આપતાં બોલ્યો, “હૈ બ્રાહ્મણશ્રેષ્ઠ! મુજ ક્ષત્રિય અધમ પર કૃપા કરો અને શોક છોડી દે. હું આપને મનોવાંછિત પદાર્થ આપીશ. આ રાજ્ય, આ રાણી અને મારું આ શરીર. આ બધું જ આપને આધિન છે, બોલો આપ શું ચાહો છો.” દુઃખી બ્રાહ્મણ (ભગવાન શિવ) બોલ્યા, “હે રાજન! આંધળાને દર્પણ શું કામનું? જે ભિક્ષા માંગીને જીવનનિર્વાહ કરતો હોય, એ ઘણાં બધાં ઘર કે મહેલ લઈને કરે પણ શું? જે મૂર્ખ છે એને પુસ્તક લેવાદેવા? જેની પાસે સ્ત્રી કરશે પણ શું? મારી પત્નીને વાઘ ભક્ષણ કરી ગયો મારી પત્ની જતી રહી, મેં ક્યારેય કામભોગનો ઉપયોગ કર્યો નથી. એથી કામભોગને માટે તમે તમારી આ મોટી રાણી મને આપી દો.”
રાજા ભદ્રાયુઃ “હે બ્રાહ્મણશ્રેષ્ઠ! શું આ ધર્મ છે? શું તમારા ગુરુએ આ રીતે ઉપદેશ આપ્યો છે? શું તમને જ્ઞાત નથી કે પારકી સ્ત્રી માતા સમાન હોય છે. પારકી સ્ત્રીનો સ્પર્શ પુણ્યને નાશ કરનાર અને સ્વર્ગનો દરવાજો બંધ કરનાર કાર્ય છે. પરસ્ત્રીનો સ્પર્શ અને ઉપભોગથી ઉપજનારા પાપકર્મોનું પ્રાયશ્ચિત કઈ રીતે ધોઈ શકશો. આ પાપકર્મ કોઈપણ ધોઈ શકતું નથી અને ભોગવ્યે છુટકો નથી. શું તમારે આ આયખું બરબાદ કરવું છે?”
બ્રાહ્મણ (ભગવાન શિવ) : “હે રાજન, હું મારી તપસ્યા અને દૈવિક શક્તિથી બ્રહ્મહત્યા અને મંદિરપાત્ર જેવાં પાપનો પણ નાશ કરી શકીશ, પછી પરસ્ત્રી-સંગમની તો વાત જ ક્યાં રહી. આપ તમારી ભાર્યા મને આપી દો અન્યથા તમે પોતે નિશ્ચિત જ નરકમાં જશો અને બ્રહ્મહત્યાનું પાપ તો ખરું જ!'
કે કે બ્રાહ્મણની વાતથી ગભરાયેલા રાજા ભદ્રાયુએ વિચાર કર્યો “પત્નીના અવસાનથી બ્રાહ્મણ દેવતા ખૂબ જ કોપાયમાન છે, એમને સમજાવવા અને યોગ્ય દિશામાં વાળવા અશક્ય છે. બ્રાહ્મણ બ્રાહ્મણ પરિવારની રક્ષા કરવા અસમર્થ થવાથી બ્રહ્મહત્યા જેવા મહાપાપના સહભાગી તો અવશ્ય થયો અને આ મહાપાપથી ઉગરવા મારી પત્ની અને રાજકારભાર બ્રાહ્મણ દેવતાને સોંપી અગ્નિસ્નાન કરવું ઉત્તમ ગણાશે અને એના દ્વારા હું મારા બ્રહ્મહત્યા જેવા પાપથી મુક્તિ મેળવીશ.”
રાજા ભદ્રાયુએ નિશ્ચય પ્રમાણે પોતાની પત્ની કીર્તિમાલીનીને બોલાવી બધી વાત કહી.
કીર્તિમાલિનીઃ “સ્વામિ હું તમારી અર્ધાંગિની છું, તમારો નિશ્ચય એ મારું નિશ્ચય છે, તમે કહ્યા મુજબ હું બ્રાહ્મણ દેવતાની દાસી બનીશ.”
આટલું સાંભળતાં જ રાજા ભદ્રાયુએ કીર્તિમાલીનીને બ્રાહ્મણને સોંપી આગ પ્રજવલિત કરી. આગની જવાળામાં વિલિન થવાં પહેલાં પવિત્ર થવું જરૂરી હોવાથી સ્નાન કરીને અગ્નિની પરિક્રમા
કરી એકાગ્રચિત્તે ભગવાન શિવનું ધ્યાન ધર્યું અને કહ્યું, “હે દેવાધિદેવ મહાદેવ! હું મારા જીવનમાં એક પરાક્રમી રાજા તરીકે નિષ્ફળ થયો છું, મારી આંખ સામે બ્રાહ્મણ પત્નીને વાઘ પોતાનો કોળિયો બનાવી ગયો. હું તેને બચાવી ન શક્યો, બ્રાહ્મણ દેવતાની ઇચ્છાને માન આપી મારી પત્ની એમને સોંપી રહ્યો છું. પત્નીને બીજાને સોંપી આ દુનિયામાં રહેવા હું ઇચ્છતો નથી. મને અગ્નિદેવતાની શરણે જવા અનુમતી આપો.”
આ રીતે અગ્નિમાં સમાવવા તૈયાર થયેલા રાજા ભદ્રાયુને જોઈ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. એમને પાંચ મુખ હતાં. તેમના હાથમાં ત્રિશૂળ, ખટ્યાંગ, કુઠાર, ઢાલ, મૃગ, અભય, વરદ અને પિનાક ધારણ કરેલાં હતાં. નંદી બાબા પર બેઠેલા ભગવાન શિવ અને માતા પાર્વતીને રાજા ભદ્રાયુએ પોતાની સામે પ્રત્યક્ષ જોયા. રાજા ભદ્રાયુ અને રાણી કીર્તિમાલીની ભગવાન શિવ અને માતા પાર્વતીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
Al ભગવાન શિવઃ “હે કીર્તિમાલીની ભદ્રાયુ! તમારી ભક્તિભાવની પરીક્ષા લેવા માટે હું જ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો હતો. જેને વાઘે ગ્રસી લીધી હતી તે બ્રાહ્મણ પત્ની બીજી કોઈ નહીં ગિરિજાનંદીની શક્તિસ્વરૂપા દેવી પાર્વતી જ હતાં. તમારા બાણ મારવાથી પણ જેના શરીરને ઘા પડ્યો નથી તે વાઘ પણ માયાનિર્મિત હતો. તમારા ધૈર્યની પરીક્ષા ખાતર જ તમારી પત્નીને માગી હતી. હે કીર્તિમાલીની તમારી અને રાજા ભદ્રાયુની ભક્તિથી હું સંતુષ્ટ છું તમે કોઈ દુર્લભ વરદાન માગો હું તમને અવશ્ય આપીશ.'
રાજા ભદ્રાયુઃ “હે પ્રભુ આપ દેવાધિદેવ છે. સાંસારિક તાપથી ઘેરાયેલા આ તુચ્છ જીવને તમે માતા સહિત પ્રત્યક્ષ દર્શન આપ્યાં એ જ મહાન વરદાન છે. હું ઈચ્છું છું કે હું, મારી રાણી, મારા માતા-પિતા, પુત્ર સનય સહિત સૌને આપના અંતેવાસી સેવક બનાવી લો.”
ભગવાન શિવઃ “તથાસ્તુ. રાણી કીર્તિમાલીની આપ પણ વરદાન માગો.”
કીર્તિમાલીનીઃ “હે પ્રભુ! આપ તો જાણો છો કે એક સ્ત્રી પોતાના પરિવાર સાથે પોતાના માતા-પિતાના પરિવારના ઉત્કર્ષ માટે હંમેશાં ચિંતીત હોય છે. મારા પિતા ચંદ્રાંગ અને માતા સીમંતિને પણ આપના અંતેવાસી સેવક બનાવી લો.”
ભગવાન શિવ અને માતા પાર્વતી 'તથાસ્તુ' કહી અંતર્ધાન થઈ ગયા. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદનો પ્રસાદ પ્રાપ્ત કરી રાજા ભદ્રાયુ અને કીર્તિમાલીની પ્રિય ભોગોનો ઉપભોગ કર્યો. માનવ જીવન દરમિયાન તેમણે ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરી એક હજાર વર્ષ રાજ્ય કર્યું, ત્યારબાદ પોતાના પુત્રને રાજ્ય આપીને ભગવાન શિવના શિવગણ તરીકે પરમ પદને પ્રાપ્ત કરી શિવ ધામને પ્રાપ્ત કર્યું.
આ પરમ પવિત્ર, પાપનાશક અને અત્યંત ગોપનીય ભગવાન શિવના વિચિત્ર ગુણાનુવાદને જે વિદ્વાનોને સંભળાવે છે અથવા સ્વયં પણ શુદ્ધચિત્ત થઈને વાંચે છે, ભણે છે તે આ લોકમાં ભોગ-ઐશ્વર્યને પ્રાપ્ત કરીને અંતે ભગવાન શિવને પ્રાપ્ત થાય છે. (ક્રમશઃ)