ગત અંકમાં કુશળ કર્મના બંધનને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ કર્મનાં ઇષ્ટ અને અનિષ્ટ ફળની ચર્ચા કરે છે, તે સમજીએ.
ભારતીય દર્શન અનુસાર, મનુષ્ય જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેને પ્રાપ્ત થાય છે. ફળ સદાય કર્માનુસાર જ મળે છે ભલે તે હમણાં મળે કે ભવિષ્યમાં, આ જન્મમાં મળે કે બીજા જન્મમાં. આને મનીષીઓ કર્મ સિદ્ધાંત તરીકે ઓળખે છે.
જ્યારે મનુષ્ય ધર્મસંમત, નિ:સ્વાર્થી અને સદગુણથી ભરેલા કર્મ કરે છે ત્યારે તેના પરિણામ શુભ અને કલ્યાણકારી થાય છે. શરીરિક સુખ, આરોગ્ય, ઉન્નતિ, ધન અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે. માનસિક શાંતિ, આત્મસંતોષ, પ્રસન્નતા અને મનની સ્થિરતા મળે છે. સમાજમાં આદર, પ્રેમ અને વિશ્વાસ મળે છે. આધ્યાત્મિક પ્રગતિ તરફ માર્ગ ખૂલે છે વૈરાગ્ય, જ્ઞાન અને અંતે મોક્ષની પ્રાપ્તિ તરફ મુમુક્ષુ આગળ વધે છે.
ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ઈમાનદારીથી વેપાર કરે તો ધન ધીમે ધીમે મળે, પરંતુ તે સ્થિર અને શાંતિદાયક રહે છે. સેવા, દાન અને સહાનુભૂતિથી કરેલું કાર્ય સમાજ અને આત્મા બન્ને માટે કલ્યાણકારી સાબિત થાય છે.
એક મિત્રે તેના અનુભવનો પ્રસંગ વર્ણવતાં કહ્યું કે એક વખત એક ગરીબ વિદ્યાર્થી અમદાવાદમાં અભ્યાસ કરતો હતો. તેને ભોજન માટે પૂરતા પૈસા ન હતા. રોજ એક ભોજનાલયના માલિક તેને જોયા કરતા અને જાણ્યું કે આ વિદ્યાર્થી શાંત, સચ્ચરિત્ર અને ભણવામાં તત્પર છે. એક દિવસ માલિકે તેને બોલાવ્યો અને કહ્યું ‘બેટા, તું ભણવા આવ્યો છે, ભૂખ્યો રહીશ તો અભ્યાસ કેવી રીતે થશે? તું દરરોજ અહીં આવીને નિ:શુલ્ક ભોજન કરજે.’
વર્ષો સુધી આ વિદ્યાર્થી ભોજનાલયના માલિકના આશીર્વાદરૂપે ભોજન કરતો રહ્યો. અંતે તેણે મહેનતથી અભ્યાસ પૂરો કર્યો, મોટો અધિકારી બન્યો. વર્ષો પછી એ જ વિદ્યાર્થીને ખબર પડી કે જે માલિકે તેને ભોજન આપ્યું હતું તેમના પુત્રની નોકરીની જરૂર છે. તેણે તરત જ પોતાના પ્રભાવથી તેના પુત્રને સારી નોકરી અપાવી.
આ પ્રસંગ બતાવે છે કે ભોજનાલયના માલિકનું એ શુભ કર્મ ભૂખ્યા વિદ્યાર્થીને ભોજન કરાવવાનું વર્ષો પછી તેના શુભ ફળ સ્વરૂપે તેના પોતાના પરિવારને લાભકારક બન્યું. આમ કરેલું શુભ કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી.
પણ જ્યારે મનુષ્ય અધર્મ, સ્વાર્થી, છેતરપિંડી, હિંસા કે અનૈતિક કર્મ કરે છે ત્યારે તેના પરિણામ દુ:ખદાયક અને બંધનકારી બને છે. શારીરિક દુ:ખ, રોગ, અસુરક્ષા અને નિષ્ફળતા મળે છે. માનસિક અશાંતિ, ભય, ગ્લાની, અસંતોષ અને અસુરક્ષા અનુભવાય છે. સમાજમાં અવમાનના, અપમાન અને એકલતા મળે છે. આધ્યાત્મિક પતન થાય છે અજ્ઞાન, આસક્તિ અને પુનર્જન્મના બંધન સર્જાય છે.
ઉદાહરણ તરીકે કોઈ વેપારી છેતરપિંડીથી ધન કમાય છે તો થોડા સમય માટે ધન તો મળે છે, પરંતુ મનની શાંતિ નાશ પામે છે અને અંતે અપયશ તથા નુકસાન ભોગવવું પડે છે. જો કોઈ પોતાના કર્તવ્યની અવગણના કરે જેમ કે શિક્ષક શિક્ષણમાં બેદરકારી કરે અથવા ડોક્ટર સારવારમાં ઢીલાશ કરે તો તેનું ફળ સમાજમાં દુ:ખ અને પોતાને ભવિષ્યમાં પણ પાપફળ મળે છે.
હસ્તિનાપુરના કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન હતો. તેના મનમાં પાંડવો પ્રત્યે ભારે દ્વેષ હતો. લોભ અને અહંકારવશ તેણે અનેક અશુભ અને પાપ કર્મો કર્યાં. એટલું જ નહીં પણ પોતાના ભાઈ એવા પાંડવો પ્રત્યે હંમેશાં અધર્મ-કર્મ જ આચર્યું. જયારે તે અધર્મ અને પાપ આચરતો હતો ત્યારે તો મદ અને અહંકારમાં ચકચૂર હતો. તેણે પોતાની શક્તિ અને સહાયતાના આધારે ક્યારેય વિચાર્યું નહોતું કે મારે એક દિવસ આ પાપનું ફળ ભોગવવું પડશે. પણ આખરે પાપનો ઘડો ભરાયો ને આ અશુભ કર્મોનું પરિણામ એ થયું કે દુર્યોધન સહિત સમગ્ર કૌરવકુલ વિનાશ પામ્યું. આમ, અશુભ કર્મોનો અંતે અશુભ ફળ જ મળે છે, ભલે તે તુરંત ન મળે, પણ સમય આવ્યે તે કોઈને છોડતું નથી.
મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે કર્મફળ પ્રદાતા ભગવાન છે. તેઓ આપણા કર્મનો બધો જ હિસાબ રાખે છે. એટલા માટે ક્યારેય કોઈનું અહિત ન કરવું જોઈએ. મનથી પણ કોઈનું અહિત ન વિચારવું. મન, વચન અને કર્મથી ક્યારેય પણ કોઈનું ખરાબ ન કરવું, એજ સાચો ધર્મ અને સર્વોચ્ચ પુણ્ય છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું છે. અન્યને સુખ આપવામાં જ પોતાનું સુખ વસે છે. જો બધાં જ શુભ કર્મ કરે તો સમગ્ર પૃથ્વી અક્ષરધામ બની જાય.