પર્વચક્રઃ ડૉ. ભાનુબેન કે. વ્યાસ
વસંતાગમન સાથે જ પ્રકૃતિ અંગાંગે અવનવા રંગો ધારણ કરી નાચી ઊઠે છે. એ નર્તનના ભીના ભીના સંસ્પર્શથી માનવહૈયું પણ અવનવી ઊર્મિઓનાં પરિસ્પંદન અનુભવે છે. કવિ નાનાલાલના શબ્દોમાં કહીએ તો-‘વસંતનો પ્રાણ દલેદલે રમો.’ દલેદલે અને હૈયે પ્રગટેલા વસંતના પુનિત પ્રાણને મુગ્ધ કન્યા સમી ઉષા ખીલે છે...
‘ઉષા લાવી રે વસંત રંગ
કોઈ ઝીલોરે, ઝીલો રે, કોઈ ઝીલો!’
પુષ્પો તો વસંતના વૈતાલિકો છે. ઉગમણી દિશાએ ઊગતી ઉષાને કે વનમાં ખીલતાં પુષ્પોને કહેવું નથી પડતું કે ‘વસંત આવી રહી છે.’ કુમકુમ, કરેણ ને સોનચંપો તો ક્યારનાં ય વસંતની પ્રતીક્ષા કરતાં ઊભા રહે છે. વસંત એટલે મઘમઘતાં પુષ્પોનો ગુલદસ્તો. વસંતનો સ્વભાવ જ ગુલાબી અને એટલે માનવહૈયામાં જાગતો પ્રતિભાવ પણ ગુલાબી. ગીત ગુલાબી, લહર ગુલાબી અને એની સાથે સમગ્ર વાતાવરણ પણ ગુલાબી.
મહા સુદ પાંચમ એટલે વસંતઋતુના ઉદ્ઘાટનનો ઉત્સવ. પ્રકૃતિના આ સુંદરતમ્ રૂપને આપણે ઉત્સવનું રૂપ આપીને એનો આનંદ અનુભવીએ છીએ. ગુલાબી વસંતનો ઘડનાર કારીગર પણ એટલે જ ગુલાબી અને એટલે જ કવિહૃદય ગાઈ ઊઠે છે:
‘અણમૂળ ગુલાબી ફૂલ ગુલાબ
પાંખડીએ ગુલાબી સુગંધ.
ગુલાબના ગુલાબી દલદલે
ગુલાબી કારીગરનાં દર્શન થાય.’
વસંતના વૃંદગાનમાં ગુલાબ અગ્રેસર છે તો એને સાથે દેનાર શ્ર્વેત વસ્ત્ર પરિધાન કરેલો બટમોગરો જરાય પાછળ પડતો નથી. વાસંતી બટમોગરાને જોતાં એવું લાગે છે કે જાણે નિર્મળ સ્ફટિકમાંથી એને કંડાર્યો ન હોય!
‘સુંદર કળાએ બટમોગરો ખીલ્યો,
દલ પર દલ પમરાટ છવાયો
કુમળી કળીમાં ખીલ્યો, મ્હોર્યો બટમોગરો.’
વસંતમાં લાલ કળીવાળા લાલ અથવા પીળી કળીવાળા કે નાના પીળા ફૂલના વિલક્ષણ રૂપને જોઈ અન્ય પુષ્પોના પાંખડી રૂપે હોઠ જાણે આશ્ર્ચર્યથી પહોળા થઈ જાય છે. વસંતના આ મહોત્સવમાં સૌંદર્યલુબ્ધ ભમરાઓ પણ આનંદનો ગુંજારવ કરી અનેકગણો વધારો કરે છે. વસંતના પ્રેમાળ સ્પર્શથી ગગન, ધરતી અને પુષ્પો જાગી ઊઠે છે. જાગી ઊઠેલાં પંખીગણ પણ વસંતને વધાવવા ગીત રેલાવે છે. ચમેલી ને મધુમાલતી એ બંને સુકુમાર સખીઓ આ રંગભરી ઋતુમાં છેલછબીલા, વરણાગિયા વાયુ સાથે લળીલળીને ગુંજનગોષ્ટી કરે છે!
રમે ચમેલી મધુમાલતી મ્હાલે !
વાયુવેણુ વાગે ને વાત્યું કરે.
વસંતપંચમી વાત આવે એટલે એના વર્ણનમાં અતિવિસ્તારનો ભય રહેવા છતાંય કેટલાંક ફૂલોની વાત કર્યા વિના ચાલે જ નહીં. ખુમારી ભરી ગૌરવશાળી રજનીગંધાનો રૂઆબ કંઈ અનોખો જ રહે છે. થાકેલી સૂતેલી સૃષ્ટિને જગાડે છે.
‘છંદોલયના ગીત કલરવે,
ચંદ્રોદયે રજની મોહિની લાગે,
છંદોલય કલરવ ગૂંજે,’
આમ વસંતાગમન એટલે જ પુષ્પાગમન. મંજરીની મહેક સાથે માનવહૈયાં પણ મહોરી ઊઠે છે. મતવાલી વ્રજનારી અદમ્ય ઉમળકાભરી રાસ રમતી ગાય છે.
‘અણુએ અણુએ વસંત છાયો,
વસંતપંચમી આવી અલબેલી
વ્રજનારી ઘૂમે મતવાલી...
રે! આજ વસંત જાગે...’
વસંત એટલે જ નવચૈતન્ય, નવતાઝગી. રોજિંદી ઘરેડમાંથી બહાર આવી, છાપાં, ટપાલ અને હિસાબના વૈતરામાંથી છૂટી જરાક બહાર જોઈએ અને વસંતપંચમીના આવા વાસંતીરૂપને નિહાળીએ તો એની પ્રેરણાથી આપણા જીવનમાં પણ તાઝગી અને ઉત્સાહ આવે છે. વસંત સૌને ગમે છે. એ એવી ઋતુ છે કે જ્યારે શિયાળાની ઠંડી નથી હોતી કે ઉનાળાની ગરમી નથી હોતી. વાવેતરનો શ્રમ નથી હોતો કે લણણીની મજૂરી પણ નથી હોતી. લીલાંછમ ખેતર, ખુશનુમા હવા, નિરભ્ર આકાશ અને સુપુષ્પ વનને જોતાં જ એવું લાગે કે આ સ્વૈરવિહારી વસંત સર્વત્ર છે. વસંત એ તો ઉનાળા અને શિયાળાનો સેતુ છે. કડી છે માટે એનામાં બંનેનાં લક્ષણ આવે આ ઋતુમાં પવન ગમે ત્યાંથી વાય, ગમે ત્યારે આવે, અને ગમે ત્યાં જાય પણ સાથે આમ્રમંજરીની સુગંધને લૂંટતો જાય.
મધ્યકાલીન પ્રાચીન સાહિત્યનાં, રાસ, ફાગુ, બારમાસી વગેરે કાવ્યસ્વરૂપોમાં વસંતઋતુની અનેરી છટા વર્ણવાઈ છે. સુવિખ્યાત કૃતિ ‘વસંતવિલાસ’ એનું સબળ ઉદાહરણ છે. સંસ્કૃત સાહિત્યમાં રસરાજ જયદેવના ‘ગીતગોવિંદ’માં પણ વસંતઋતુનું મનોરમ વર્ણન છે. આ એ જ વસંત છે જેણે ભોળા શિવજીનાં તપ તોડયાં હતાં. આ એ જ વસંત છે જેણે પાંડુ રાજા જેવા તપસ્વી રાજાના અંતરમાં પણ કામનાનાં કામણ પાથર્યાં હતાં. પાંડુ રાજાના પરાજયની આ કથા કવિ કાન્તે ‘વસંતવિજય’ નામનાં ખંડકાવ્યોમાં સરસ રીતે ગૂંથી છે. અનેક કવિઓએ કાવ્યપુષ્પો ઋતુરાજ વસંતને ચરણે ધર્યાં છે. આમ સમગ્ર સાહિત્યસૃષ્ટિમાં પણ વસંતનાં રંગ-છાટણાં છે.
બોહાગ બિહુ વસંતઋતુ જોડે સંકળાયેલો આસામવાસીઓનો મોટામાં મોટો તહેવાર છે. એ એવો ઉત્સવ છે કે જેમાં બધા ધર્મો અને બધી જાતિઓના ભેદ ભુલાઈ જવાય છે, અને બધાં જ કશીય રોકટોક વિના એકબીજા સાથે હળેમળે છે. બોહાગ બિહુ એપ્રિલના મધ્યમાં ઉજવાય છે. તે અત્યંત અગત્યનું સ્થાન ભોગવે છે. બોહાગ બિહુ એ નવા વર્ષનો, વસંતઋતુનો અને કૃષિજીવનનો એમ ત્રણેનો સહિયારો ઉત્સવ છે.
વસંતઋતુની મબલખ સમૃદ્ધિ અને સુંદરતા નવજીવનને આનંદિત કરે છે. વૃક્ષો, લતાઓ અને વાડીઓ પુરબહારમાં ખીલી ઊઠે છે. વાતાવરણ સુંદરતાથી, ફૂલોની ફોરમથી મઘમઘી ઊઠે છે. પહાડો તથા જંગલો પક્ષીઓના કલરવથી ગૂંજી ઊઠે છે. આ કુદરતી સૌંદર્યની અસર મનુષ્ય પર થયા વગર રહેતી નથી. કવિઓ કવિતા લખે છે, લોકો ગાય છે, નાચે છે, રમતો રમે છે. આથી જ બોહાગ બિહુ રંગીલી બિહુ પણ કહે છે.
બોહાગ આસામી પંચાંગનો પહેલો દિવસ છે. આ રીતે નવા વર્ષની શરૂઆત બોહાગ બિહુથી થાય છે. કુદરતી રીતે આ દિવસે કૌટુંબિક ભાવના કલ્યાણની આશા તરફ ઝૂકેલી હોય છે. નવા વર્ષની શરૂઆત હોવાથી પ્રાર્થના થાય છે, વડીલોનું સન્માન થાય છે અને બાળકોને આશીર્વાદ મળે છે. બોહાગ બિહુના ઉત્સવમાં પૂરી ઝલક જોવા મળે છે. વળી બોહાગ મહિનામાં કેટલાક દિવસ સુધી ઉજવણી ચાલે છે.
હાલમાં નાનાં શહેરોમાં બોહાગ બિહુ વખતે જાહેર સમારંભો યોજી તેમાં ગીતો, નૃત્યો રમતો વગેરેનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આસામના બીજા ઉત્સવો કરતાં બોહાગ બિહુની વિશેષતા એનાં ખાસ બિહુ નૃત્યો તથા ગીતોમાં છે. ખાસ કરીને એ ગીતો પ્રેમની આસપાસ ગૂંથાયેલા હોય છે. એમાં સંગીત અને લય અત્યંત મધુર હોય છે. એમાં ગીત અને નૃત્યની સાથે ઢોલ, પેપા (ભેંસનાં શિંગડાંની શરણાઈ), ટાકા (વાંસને ફાડીને તૈયાર કરેલું એક વાદ્ય); તાલ, ગગના (એકતારા જેવું તંતુવાદ્ય), તથા તાળીઓના તાલનો ઉપયોગ થાય છે, બિહુ નૃત્ય જોમવાળું હોય છે. એ યુવાની અને શક્તિનું પ્રતીક હોય છે.
બિહુને વખતે સામાન્ય રીતે આંધી અને તોફાનો થતાં હોય છે. વરસાદની જોડે તોફાનો આવતાં હોય છે, જે સૂકી જમીનને હરિયાળી કરી મૂકે છે. આ રીતે બોહાગ બિહુ કૃષિજીવન જોડે સંકળાયેલો તહેવાર છે અને કૃષિકાર્યનું પ્રતીક બની ગયું છે. બદલાતા યુગ જોડે એની ઉજવણીમાં પણ ફેરફાર થાય છે. હાલમાં નાનાં શહેરો અને કસ્બાના વિસ્તારોમાં બોહાગ બિહુ વખતે જાહેર સમારંભો યોજી, તેમાં ગીતો, નૃત્યો, રમતોનો સમાવેશ થતો ગયો છે. બિહુના દિવસનું ભોજન પૌંઆ, દહીં અને મીઠાઈ હોય છે.
બિહુને આકર્ષક રિવાજ ભેટ આપવાનો હોય છે અને ભેટને ‘બિહુબન’ કહે છે. આ ભેટસોગાદ પહેરવાનાં કપડાં કે બીજી ગમે તે ચીજ હોઈ શકે. બાળકો આ ભેટસોગાદની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે.
વિચારતાં એમ લાગે છે કે કદાચ ઉત્પત્તિકાળથી જ માનવ વસંતઋતુના આગમનને પૂર્ણ આદરભાવથી સત્કારતો આવ્યો છે. એણે શબ્દ, સૂર અને કર્મના માધ્યમથી વસંતના વૈભવની આરતી ઉતારી છે. સંગીતના સુમધુર સપ્તસૂરના મિશ્રણથી ‘વસંતરાગ’વિશેષ મધુર બન્યો છે. કોયલના પંચમસૂર અને ભ્રમરોના પહાડી રાગનાં ગુંજન, એ વસંતને માત્ર રંગીન જ નહીં પણ સંગીતમય બનાવી દે છે. આજે જીવન દોડતું બની ગયું છે. અંગ્રેજ કવિ ડેવિસે કહ્યું છે-
"What is this life, if full of care
We have no time to stand and share'
ખૂબ જ કમનસીબ છતાંય સાચી વાત છે કે આજે આપણી પાસે પ્રકૃતિ પાસે જવાનો સમય રહ્યો નથી. નગરવાસી માનવી સહેજ પણ વનવાસી રહ્યો નથી અને એટલે જ આપણને ક્યારેક ન હોતી એટલી જરૂર છે આજે આ વસંતપંચમીની! એટલે જ કવિ ઉમાશંકર જોશી કહે છે-
‘લજ્જાથી નમેલી, કળીથી ખીલેલી,
નમેલી ચમેલીએ,
અંગૂલિનિર્દેશ કીધો નો’ તો!’
જીવન અને વસંતને જેણે એકરૂપ કરી નાખ્યાં તેવા માનવને આપણી સંસ્કૃતિ સંત કહીને વધાવે છે. જીવનમાં વસંત પ્રગટાવે તે સંત. જીવનમાં સુખદુ:ખ આવે છે, પ્રેમના પ્રવાહમાં ક્યારેક ભરતી ઓટ સર્જે છે. પણ આ બધા પ્રસંગોમાં અંદરનો અનસ્યૂત ભાવપ્રવાહ જે સમત્વથી જાળવી શકે છે તે જ જીવનનો સાચો કલાકાર કે વસંતનો સાચો ઉપાસક છે. પરિવર્તન તો જીવનમાં નવું સૌંદર્ય સર્જે છે. પાનખર જ વસંતને જન્મ આપે છે. વિસર્જન જ સર્જનની વસંત સૃષ્ટિના ચરણે ભેટ ધરે છે.
યૌવન અને સંયમ, આશા અને સિદ્ધિ, કલ્પના અને વાસ્તવ, જીવન અને કવન, ભક્તિ અને શક્તિ, સર્જન અને વિસર્જન આ સર્વનો સમન્વય સાધતી તેમ જ જીવનમાં સૌંદર્ય, સંગીત અને સ્નેહને પ્રગટાવતી વસંત આપણા જીવનમાં સાકારિત બને તો જ આપણે વસંતના વૈભવને જાણ્યો, માણ્યો અને પચાવ્યો એમ કહી શકાય.
‘પર્વચક્ર: આપણાં ઉત્સવો’ પુસ્તકમાંથી આભાર
પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની.