અલખનો ઓટલોઃ ડૉ. નિરંજન રાજ્યગુરુ
બનાસકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માથી અંબાજી જતાં રસ્તામાં દાંતા તાલુકાનું હડાદ ગામ આવે છે. ત્યાં સ્વામીશ્રી અખંડાનંદ પરમહંસજીનો જ્ઞાનાશ્રમ તથા પ્રભુભજન પાઠશાળા આવેલાં છે. ત્યાં તારીખ 13 અને 14 ડિસેમ્બ2 202પના દિવસે એક વિશિષ્ટ કહી શકાય એવો ‘શિવમ સન્માન’ અને ‘શિવમ એવોર્ડ’નો અર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ડો. દલપત પઢિયાર, ડો. નાથાલાલ ગોહિલ, ડો. બળવંત જાની, ડો. મનોજ રાવલ અને શ્રીમતી રક્ષાબહેન રાજ્યગુરુ ઉપરાંત શ્રી કનુભાઈ આચાર્ય, ડો.પ્રેમજી પટેલ, ડો. અમૃત પટેલ, ડો. દીપક પટેલ, ડો.આનંદકુમાર વસાવા, નિવૃત્ત આઈએએસ શ્રી આર.જે.પટેલ, શ્રી ગુજરાભાઈ ગમાર, શ્રી નવજીભાઈ ડાભી મળી કુલ 13 વ્યક્તિઓને સાહિત્ય સંશોધન, સાહિત્ય વિવેચન તથા સમાજસેવા જેવાં વિધવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ‘શિવમ એવોર્ડ’ દ્વારા તથા શ્રી બાબુભાઈ પ્રજાપતિ, શ્રી રેવાભાઈ પ્રજાપતિ, શ્રીમતી કોકિલાબહેન પંચાલ, શ્રી શિવરામભાઈ પ્રજાપતિ, શ્રી નિલેશભાઈ બુંબડિયા, ડો.મધુરીબહેન પ્રજાપતિ, ડો. કમલેશભાઈ પ્રજાપતિ અને ડો. ખલીલભાઈ મનસુરી સહિત આઠ વ્યક્તિઓને ‘શિવમ સન્માન’થી વિભૂષિત કરવામાં આવ્યા. તથા શ્રી વીરચન્દ પંચાલ લિખિત ‘મારી શિક્ષણયાત્રા’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું.
આ એવોર્ડ પાછળની કેટલીક ભૂમિકા- ઈ.સ. 2002ની સાલ હતી. આદિવાસી સાહિત્યના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંશોધક ડૉ. ભગવાનદાસ પટેલનો સન્માન સમારંભ ખેડબ્રહ્મા મુકામે ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં હતો. તેમાં વીરચંદભાઈ પંચાલે મને અને ડૉ.દલપત પઢિયારને આ પ્રસંગના મુખ્ય મહેમાન શ્રી શિવશંકરભાઈ જોષીનો પરિચય કરાવ્યો. ત્યારે મનમાં એવો ને એટલો ખ્યાલ કે શિવશંકરભાઈ ધર્મ, અધ્યાત્મ, સાહિત્ય, સંગીત અને કલાઓમાં રૂચિ ધરાવનારા ઉદ્યોગપતિ છે.
થોડો સમય વીત્યો ને ફરી પાછા ખેડબ્રહ્મામાં જ એમના અનુદાનથી તૈયાર થયેલ કન્યા છાત્રાલયના ઉદ્દઘાટન પ્રસંગે સંતવાણીની પ્રસ્તુતિ માટે ફરી મળવાનું થયું. વાતવાતમાં મુરબ્બી પંચાલસાહેબ અને ભગવાનભાઈએ ‘આનંદ આશ્રમ ઘોઘાવદર’ ખાતે છેલ્લા પાંચેક વર્ષથી અધુરા બંધાયેલ ગ્રંથાલય હોલ ઉપર સ્લેબ માટે સહાયક થવાની વાત કરી હશે. અચાનક જ ફોન આવ્યો. ખર્ચનું એસ્ટીમેટ મોકલી આપો અને તુરત જ એક લાખ રૂપિયાનો ડ્રાફટ મને મોકલીને ફોનમાં કહ્યું કે ‘કોઈ જાણકાર એન્જિનિયરને બોલાવી લોખંડ તથા સિમેન્ટની ખરીદી કરો અને મને ખર્ચની વિગતો જણાવો.’ માત્ર લોખંડ, સિમેન્ટનાં જ ત્યારે નેવું હજાર થયેલા.
તુરત જ બીજા એક લાખનો ડ્રાફટ આવ્યો. હું તો વિચાર કરતો જ રહ્યો કે હું સ્વપ્નમાં છું કે આ સત્ય હકીક્ત છે? જેમણે કદીયે સૌરાષ્ટ્ર પ્રદેશ જોયો નહોતો. મારી પ્રકૃતિ કે પ્રવૃત્તિઓ વિષે અંતરંગ માહિતી નહોતી ને એક તદ્દન અજાણી વ્યક્તિ આ રીતે પોતાના ગુરુ પંચાલસાહેબ અને સન્મિત્ર ડૉ.ભગવાનદાસની મૌખિક ભલામણ પર જ આટલી રકમનું અનુદાન આપવા તૈયાર થઈ જાય? આ તે કેવા ૠણાનુબંધ? પણ પછી ખ્યાલ આવ્યો કે કોઈ સમર્થ સિદ્ધ પુરુષની કૃપા દૃષ્ટિ તદ્દન સામાન્ય મનુષ્ય ઉપર પણ પડી જાય તો તે વ્યક્તિનું જીવન સદંતર પલટાઈ જાય.
પૂજ્ય પરમહંસ સ્વામીશ્રી અખંડઆનંદજીની અપાર સ્નેહધારા શિવશંકરભાઈએ બાલ્યાવસ્થાથી જ ઝીલી છે. અને એ સંસ્કારોની છાયા એમના સમગ્ર જીવતર ઉપર કાયમ રહી છે. આમ આનંદ આશ્રમમાં ગ્રંથાલય હોલ તૈયાર થયો. ઉદ્દઘાટન વેળા સહકુટુંબ સ્નેહી મિત્રો સાથે સૌ આવ્યા. આમ કોઈ અકળ રહસ્યમય રીતે એમનો ભાવ પ્રતિદિન ગાઢ થતો રહ્યો. પછી તો અવાર નવાર મળવાનું બનતું રહ્યું. એમના વતન હડાદ ખાતેના સ્વામીશ્રી 108 શ્રી અખંડાનંદ પરમહંસજીના ‘જ્ઞાનાશ્રમ પ્રભુ ભજન પાઠશાળા’માં, મંડાલીના ‘જ્ઞાનાશ્રમ’માં, અંબાજી તથા નારદીપુરના આશ્રમમાં પણ સંતવાણીની પ્રસ્તુતિ માટે જવાનું થતું રહ્યું.
અને એ દરમિયાન શ્રી શિવશંકર જોષી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ, શિવમ શોધ પ્રતિષ્ઠાન, ગુર્જરી ટ્રાયબલ ફાઉન્ડેશન અંબાજીના સંયુક્ત ઉપક્રમે લોકવિદ્યા ક્ષેત્ર તથા લોકસેવા-જનસેવાક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન અન્વયે સાહિત્ય સંશોધન સંવર્ધક તરીકે ડો. હસુ યાજ્ઞિક અને સ્વ. અમૃતલાલ બી. શેઠ, આદિવાસી સાહિત્યના માહિતીદાતા હરમાબહેન ખાંટ તથા નાથાભાઈ ગમારને, નિરંજન રાજ્યગુરુને 2008માં, આદિવાસી સાહિત્યના વિશ્વમાન્ય સંશોધક ડો.ભગવાનદાસ પટેલને 2010માં, ગુજરાતી લોક્વાઙમય ક્ષેત્રના બુઝર્ગ અભ્યાસી લોકવિદ્યાવિદ અભ્યાસી વિદ્વાન શ્રી કનુભાઈ જાની, આદિવાસી સાહિત્યના સંશોધક શ્રી નવજીભાઈ દેવાભાઈ ખાંટ, માહિતીદાતા વજાભાઈ કેહરાભાઈ ગમારને 2019માં હનુમાન જયંતીના રોજ આ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલા અને શ્રી શિવશંકરભાઈ જોશીનાં સેવાકાર્યો વિશે શ્રી હરિહરભાઈ પાઠક દ્વારા સંપાદિત ‘મુઠ્ઠીભ2 મહેકી માનવતા’ પુસ્તકનું વિમોચન પણ થયેલું.
પૂર્વજોના અને પોતાના પૂર્વ જન્મોના પૂણ્ય પ્રતાપે શિવશંકરભાઈને બાલ્યાવસ્થાથી જ એવો અદકેરો-ભવ્ય અને દિવ્ય સંસ્કાર વારસો મળ્યો કે ઉત્તરોત્તર ભારતીય વૈદિક સંસ્કૃતિના ચારે પુરુષાર્થો તરફ એમની સહજ ગતિ પ્રગતિ થતી રહી. બાળપણથી જ પ્રાચીન અર્વાચીન આદર્શોના પવિત્ર સંગમ તીર્થ સમી સર્વોદય આશ્રમ સણાલી જેવી ઉત્કૃષ્ટ શિક્ષણ સંસ્થામાં વીરચંદભાઈ પંચાલ જેવા સમર્થ માર્ગદર્શક મળી ગયા. કૌટુંબિક પરિવેશમાં તો બ્રહ્મનિષ્ઠ પરમહંસ સ્વામીશ્રી અખંડાનંદજીની નિશ્રામાં શિવશંકરભાઈનું ઘડતર થતું રહેલું.
અત્યંત વિકટ ક્સોટીઓનો સામનો કરીને સમાજના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં રહીને પોતાની મૂકસેવાથી પિતૃ અને ગુરુ ૠણ અદા કરનારા માનવતાના ઉપાસક શિવશંકરભાઈ એમના ગૃહલક્ષ્મી ગીતાબહેન અને સમગ્ર પરિવાર દ્વારા જન આરોગ્ય, શિક્ષણ, ધર્મ, ગૌસેવા, ક્ધયા કેળવણી, લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, આદિવાસી જનજાતિનું સાહિત્ય કે સંતસાહિત્ય સંશોધનના ક્ષેત્રમાં અને જ્ઞાન સેવા અર્થે કાયમ દાનનો પ્રવાહ વહેતો રહે છે.
ગુજરાત તથા રાજસ્થાનમાં જેમના હજારો શિષ્યો-અનુયાયીઓ છે અને હડાદ ઉપરાંત નારદીપુર, મંડાલી, કલવાણા, જરગાજી તથા અંબાજી ખાતે જેમના સંન્યાસ જ્ઞાનાશ્રમો સ્થપાયેલાં છે અને 84 વર્ષની વયે ઈ.સ. 1998માં જેમનો દેહવિલય થયો એવા સ્વામીશ્રી 108 અખંડાનંદ પરમહંસજીની અધ્યાત્મરચનાઓ તથા જીવનપરિચય અંગે ‘અખંડ આનંદ સાગર’ ભાગ-1, 2.(પ્રવચનો), ‘અખંડ આનંદ ભજનાવલિ’, વીરચંદ પંચાલ-શિવશંકર જોશી દ્વારા ‘અલખનાં અજવાળાં’(ચરિત્ર) જેવાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. તથા શ્રી શિવશંકરભાઈ જોશીનાં સેવાકાર્યો વિશે શ્રી હરિહર પાઠક લોકહીર ફાઉન્ડેશન, હાંસલપુર દ્વારા એપ્રિલ 2019માં ‘મુઠ્ઠીભર મહેકી માનવતા’ નામે પુસ્તકનું પ્રકાશન પણ થયું છે.