વારાણસી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. તેમનો આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી કાશીના સુપ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટના પુનઃવિકાસને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સીએમ યોગીએ આ મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક લોકો કાશીના વિકાસને પચાવી શકતા નથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રમ ફેલાવી રહ્યા છે. તેમણે વારાણસીના વિકાસ કાર્યોની સમીક્ષા કરવાની સાથે વિરોધીઓને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
સીએમ યોગીએ જણાવ્યું કે મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ક્યારેક ગંગાના પાણી ભરાઈ જવાને કારણે તો ક્યારેક વ્યવસ્થાના અભાવે અંતિમ વિદાય સન્માનજનક રીતે આપી શકાતી નથી. તેમણે ઉમેર્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે 16 સંસ્કારોમાંના એક એવા અંતિમ સંસ્કારને કોઈ પણ ધાર્મિક હસ્તક્ષેપ વગર સન્માનપૂર્વક પૂર્ણ કરી શકાય. આ માટે જ ઘાટ પર વેઇટિંગ રૂમ, શૌચાલય અને ઇકો-ફ્રેન્ડલી દહન ક્ષેત્ર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે."
કાશી વિશ્વનાથ કોરિડોરની તર્જ પર મણિકર્ણિકા ઘાટનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સીએમએ માહિતી આપી હતી કે શવદહન પછી ઉડતી રાખ ગંગાના પાણીમાં પ્રદૂષણ વધારે છે, જેને રોકવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ડોમ સમુદાયના સન્માનને જાળવી રાખીને અહીં હાઈ-ટેક પ્લેટફોર્મ બનાવવામાં આવશે જે ગંગાના જળસ્તરથી ઉપર હશે. આ પ્રોજેક્ટમાં વેસ્ટ મેનેજમેન્ટ અને ડ્રેનેજ સિસ્ટમ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જ્યારે અહિલ્યાબાઈ હોલકરની પ્રતિમાને સુરક્ષિત રાખી કામ પૂર્ણ થયા બાદ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
વિપક્ષ પર આકરા પ્રહાર
પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા ફેક વીડિયો બનાવીને સનાતનીઓની લાગણીઓ ભડકાવવાનું કામ કરી રહ્યો છે. તેમણે કટાક્ષ કર્યો કે વારસાનું સન્માન કેવી રીતે કરવું તે અમારે કોંગ્રેસ પાસેથી શીખવાની જરૂર નથી. વર્ષ 2014 પહેલા કાશીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા માત્ર હજારોમાં હતી, જે આજે લાખોમાં પહોંચી છે. અયોધ્યા હોય કે કાશી, ભાજપ સરકારે હંમેશા ધાર્મિક સ્થળોના સંરક્ષણ અને વિકાસને પ્રાધાન્ય આપ્યું છે.