પર્થ: થોડા દિવસો પહેલા દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી SA20 લીગ દરમિયાન જોહાનિસબર્ગ સ્ટેડિયમના પાર્કિંગમાં આગ લાગી હતી. એક અઠવાડિયા બાદ ક્રિકેટ સ્ટેડિયમમાં આગ લાગવાની બીજી ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગ બેશ લીગની ક્રિકેટ મેચમાં આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પર્થ સ્કોર્ચર્સ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાઈ રહેલી મહત્વની મેચ દરમિયાન સ્ટેડિયમના એક હિસ્સામાં અચાનક આગ લાગતા મેદાનમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો.
પ્રેક્ષકો અને ખેલાડીઓમાં ચિંતા ફેલાઈ
20 જાન્યુઆરી, 2026ને મંગળવારના રોજ મેચ પૂરજોશમાં ચાલી રહી હતી. ઓડિયન્સ મેચ જોવામાં મશગૂલ હતું. ત્યારે સ્ટેડિયમની બહારના એક રૂમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. ટીવી સ્ક્રીન પર આ દૃશ્યો દેખાતા જ પ્રેક્ષકો અને ખેલાડીઓમાં ચિંતા ફેલાઈ ગઈ હતી અને અફરાતફરી મચી ગઈ હતી. સ્ટેડિયમના સુરક્ષા કર્મચારીઓ અને બચાવ ટીમે સમયસૂચકતા વાપરી તુરંત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
ઓપ્ટસ સ્ટેડિયમમાં લાગેલી આ આગ ગંભીર નહોતી. જેથી મેચ રોકવાની જરૂર પડી નહોતી અને રમત નિર્ધારિત સમય મુજબ ચાલુ રહી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના પણ સમાચાર મળ્યા નથી.
પર્થ સ્કોર્ચર્સની ટીમનું નબળું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, મેચની વાત કરીએ તો મેચની વાત કરીએ તો, પર્થ સ્કોર્ચર્સની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. પર્થની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 147 રન જ બનાવી શકી હતી. જ્યારે સિડની સિક્સર્સ તરફથી મિશેલ સ્ટાર્ક, બેન દ્વારશુઇસ અને જેક એડવર્ડ્સે ધારદાર બોલિંગ કરતા 2-2 વિકેટ ઝડપી હતી.