Tue Jan 20 2026

Logo

White Logo

ઇશાન કિશન માટે બુધવારની મૅચનો બૅટિંગ-ક્રમ નક્કી થઈ ગયો, : જાણો સૂર્યકુમારે શું કારણ આપ્યું

1 hour ago
Author: Ajay Motiwala
Video

કૅપ્ટન સૂર્યકુમારે પોતાના વિશેની ચર્ચામાં ટેબલ ટેનિસ અને ટેનિસનો ઉલ્લેખ કર્યો


નાગપુરઃ ન્યૂ ઝીલૅન્ડે ભારત સામેની ગયા અઠવાડિયાની વન-ડે સિરીઝ બબ્બે દિગ્ગજો (રોહિત શર્મા અને વિરાટ કોહલી)ની હાજરીમાં 2-1થી જીતી લીધી ત્યાર બાદ હવે બુધવારે પાંચ મૅચની ટી-20 શ્રેણી શરૂ થઈ રહી છે જેમાં નાગપુરની પહેલી મૅચ (સાંજે 7.00 વાગ્યાથી)થી જ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે વિકેટકીપર-બૅટ્સમૅન ઇશાન કિશનનો બૅટિંગ-ક્રમ નક્કી કરી રાખ્યો છે. નવાઈની વાત એ છે કે કિશનને શ્રેયસ ઐયરની પહેલાં બૅટિંગમાં મોકલવામાં આવશે.

મૂળ તો ટી-20 ટીમમાં લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન તિલક વર્માના સ્થાને ઇશાન કિશન (Ishan Kishan)નો સમાવેશ કરાયો છે, કારણકે તે પણ લેફ્ટ-હૅન્ડ બૅટિંગ કરે છે. તિલકે તાજેતરમાં જ અંડકોષની ઓચિંતી સર્જરી કરાવી હોવાથી આ ટી-20 સિરીઝમાં નથી રમવાનો અને તેના સ્થાને શ્રેયસને ટીમમાં સમાવાયો છે. જોકે કૅપ્ટન સૂર્યકુમારનું કહેવું સ્પષ્ટ છે.

મંગળવારે સૂર્યાએ અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ` ઇશાન ત્રીજા નંબર પર (વનડાઉનમાં) બૅટિંગ કરશે, કારણકે તે ફેબ્રુઆરીની ટી-20 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો છે અને આ સિરીઝ માટેની ટીમમાં પહેલાં તેને સામેલ કરવામાં આવ્યો હતો એટલે તેને પહેલાં મોકો આપવાની અમારી જવાબદારી છે.'

વનડાઉનમાં તિલકના સ્થાને ઇશાન જ બેસ્ટ

ઇશાન વિશે સૂર્યાએ એવું પણ કહ્યું હતું કે ` તે દોઢ વર્ષથી ભારત વતી નથી રમ્યો, પરંતુ એ સમયગાળા દરમ્યાન ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે સતત સારું પર્ફોર્મ કર્યું હતું. કમનસીબે તિલક આ શ્રેણીમાં નથી રમી શકવાનો એટલે તેના ત્રીજા ક્રમે ઇશાન જ બેસ્ટ છે.'

શું ત્રીજા નંબરે તમે બૅટિંગ કરશો? એવા સવાલના જવાબમાં સૂર્યા (Surya)એ કહ્યું, ` એ બાબતમાં હું કોઈ નક્કી અભિગમ નહીં રાખું. ભારત વતી મેં ત્રીજા અને ચોથા, બન્ને સ્થાન પર બૅટિંગ કરી છે. ચોથા ક્રમે મારો દેખાવ થોડો સારો રહ્યો છે, પણ ત્રીજા નંબરે પણ કંઈ સારું રમ્યો છું. બાકી તો, અમે સ્થિતિ જોઈને બધુ નક્કી કરીશું. જેમ કે, રાઇટ-હૅન્ડર સંજુ સૅમસન આઉટ થશે તો હું બૅટિંગ કરવા ઉતરીશ.'

સૂર્યાએ પોતાના બૅટિંગ-ફૉર્મ વિશે શું કહ્યું?

2025ની સાલમાં 15.00થી પણ ઓછી બૅટિંગ-સરેરાશ સાથે રન બનાવનાર કૅપ્ટન સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમ ટી-20 શ્રેણી (T20 Series)ઓમાં સારું પર્ફોર્મ કરી રહી છે, પરંતુ ખુદ સૂર્યા બૅટિંગમાં ફૉર્મ ગુમાવી બેઠો છે. જોકે જે બૅટિંગે તેને સફળતા અપાવી છે એ સંદર્ભમાં તે કોઈ જ ફેરફાર નથી કરવા માગતો. તેણે પત્રકારોને કહ્યું, ` હું થોડા સમયથી રન નથી બનાવી શકતો એ વાત સાચી, પણ હું મારી ઓળખ બદલાવા નહીં દઉં. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં મને જે રીતે સફળતા મળી છે એ જ રીતે રમતો રહીશ. જો સારું પર્ફોર્મ નહીં કરું તો હંમેશની જેમ પ્રૅક્ટિસ કરતો જ રહીશ. હું ટેબલ ટેનિસ (ટી. ટી.) અને ટેનિસની જેમ વ્યક્તિગત રમત રમતો હોત તો મને મારા ફૉર્મ વિશે ચિંતા હોત, પરંતુ આ તો ટીમ-સ્પોર્ટ છે અને મારી પહેલી જવાબદારી એ છે કે મારી ટીમ સારું પર્ફોર્મ કરે. જો ટીમ જીતશે તો હું ખુશ થઈશ અને ટીમને હું (બૅટ્સમૅન તરીકે) યોગદાન આપીશ તો સારી વાત છે અને જો નહીં આપી શકું તો ચિંતા નહીં કરું કારણકે આવું તો બનતું હોય છે. મારે બીજા 14 ખેલાડીના પર્ફોર્મન્સ પર પણ ધ્યાન આપવું પડે. મારી દૃષ્ટિએ અંગત ધ્યેયને કોઈ સ્થાન નથી, પહેલાં ટીમનો સફળ પર્ફોર્મન્સ જરૂરી છે.'