ઢાકાઃ બાંગ્લાદેશના ખેલકૂદ સલાહકાર આસિફ નજરુલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને ચેતવણી આપવાના મૂડમાં કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે જો બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના દબાણમાં આવીને આઇસીસી કોઈ પગલું ભરશે તો બાંગ્લાદેશ એ સ્વીકારશે નહીં.
સાતમી ફેબ્રુઆરીએ ભારત અને શ્રીલંકામાં શરૂ થનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ દરમ્યાન ભારતના પ્રવાસે પોતાની ટીમને ન મોકલવા બાંગ્લાદેશ મક્કમ છે, પરંતુ આઇસીસી ટસનું મસ થવા તૈયાર નથી અને બાંગ્લાદેશ સામે કડક વલણ અખ્ત્યાર કર્યું છે.
આસિફ નજરુલે કહ્યું છે, ` અમને હજી સુધી એવી કોઈ જાણકારી નથી મળી કે અમારી જગ્યાએ સ્કૉટલૅન્ડને ગ્રૂપમાં સામેલ કરવામાં આવ્યું છે. આઇસીસી જો બીસીસીઆઇના કોઈ પણ પ્રકારના પ્રેશરમાં આવીને અમારા પર કોઈ અસ્વીકાર્ય શરત લાગુ કરી દેશે અથવા કોઈ દબાણ મૂકશે તો અમે કોઈ પર હાલતમાં એ સ્વીકારીશું નહીં.'
નજરુલે સ્પષ્ટ કર્યું કે ` બાંગ્લાદેશ ક્રિકેટના મામલે કોઈ પણ પ્રકારનું રાજકીય કે વ્યાવસાયિક દબાણ અમે નહીં ચલાવી લઈએ. આઇસીસીએ નિષ્પક્ષ અને સ્વતંત્ર સંસ્થાની માફક કામ કરવું જોઈએ, કોઈ બોર્ડના પ્રભાવમાં આવીને કામ ન કરવું જોઈએ.'
થોડા દિવસ પહેલાં એવી અટકળ કરવામાં આવી હતી કે જે ગ્રૂપમાં સ્કૉટલૅન્ડ છે એ ગ્રૂપમાં બાંગ્લાદેશને મૂકીને આયરલૅન્ડને બાંગ્લાદેશવાળા ગ્રૂપમાં મોકલી દેવામાં આવશે. બીજી એક મોટી અફવા એવી પણ હતી કે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને હટાવીને એના સ્થાને સ્કૉટલૅન્ડને મૂકી દેવામાં આવશે. આ અફવા ફેલાતાં બાંગ્લાદેશ સરકાર અને એના ક્રિકેટ બોર્ડે નારાજગી વ્યક્ત કરી હતી.