પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પૌત્ર અને મરિયમ નવાઝના પુત્ર જુનૈદ સફદરના શાંઝે અલી રોહેલ સાથેના શાહી લગ્ન અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. જોકે, આ ચર્ચા લગ્નની ભવ્યતા કરતા દુલ્હનના આઉટફિટને લઈને વધુ થઈ રહી છે, કેમ કે શાંઝે પોતાના શાહી લગ્નમાં પાકિસ્તાની ડિઝાઈનરને બદલે ભારતીય ફેશન ડિઝાઈનરનું આઉટફિટ પહેર્યું હતું. જેણે હવે એક નવો વિવાદ છેડ્યો છે.
લગ્ન પ્રસંગે શાંઝે અલી રોહેલે લાલ રંગની જે સાડી પહેરી હતી, તે જાણીતા ભારતીય ડિઝાઈનર તરુણ તાહિલિયાની દ્વારા તૈયાર કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ આબેહૂબ સાડી બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ વર્ષ 2025માં મુંબઈમાં આદર જૈનના લગ્નના રિસેપ્શનમાં પહેરી હતી. પાકિસ્તાની જનતા હવે નવાઝ શરીફની વહુને બોલીવુડ એક્ટ્રેસની નકલ કરવા બદલ સોશિયલ મીડિયા પર આડેહાથ લઈ રહ્યા છે અને તેને 'નકલખોર' કહીને ટ્રોલ કરી રહ્યા છે.
પાકિસ્તાની ફેશન કન્ટેન્ટ ક્રિએટર અને સ્ટાઈલિસ્ટ મોઈદ શાહે શાંઝેના આ લુકને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, આટલા હાઈ-પ્રોફાઈલ લગ્ન હોવા છતાં દુલ્હનનો લુક બિલકુલ ફિક્કો હતો અને તેમાં કંઈ નવું જોવા મળ્યું નથી. તેણે ઉમેર્યું કે, જે સાડી અનન્યા પાંડે પહેલાથી જ પહેરી ચૂકી છે, તેને જ શાહી લગ્નમાં પહેરવી તે આશ્ચર્યજનક છે. ફેશન એક્સપર્ટ્સ મુજબ, આ લુક જનતાને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
આ વિવાદ પાછળનું એક મોટું કારણ એ પણ છે કે શાંઝેએ માત્ર લગ્નમાં જ નહીં, પણ મહેંદીના ફંક્શનમાં પણ ભારતીય ડિઝાઈનર સબ્યસાચીનો આઉટફિટ પહેર્યો હતો. ટીકાકારોનું કહેવું છે કે જ્યારે આખા દેશની અને આંતરરાષ્ટ્રીય મીડિયાની નજર આ લગ્ન પર હોય, ત્યારે પાકિસ્તાની ડિઝાઈનરના કપડાં પહેરીને સ્થાનિક ફેશન ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ પણ તેણે આ તક ગુમાવી દીધી છે. આ લગ્ના બાદ રાજકીય પરિવારોએ પોતાના દેશની સંસ્કૃતિને મહત્વ આપવું જોઈએ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.