મુંબઈઃ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસી ટ્રમ્પ કાર્ડ સાબિત થયા છે. ઓવૈસીની પાર્ટી AIMIM એ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ગઢ ધ્વસ્ત કર્યા. AIMIM ઔરંગાબાદથી માલેગાંવ અને મુંબઈ સુધી 126 કાઉન્સિલર બેઠક જીતવામાં સફળ રહ્યું હતું, જ્યારે ઇસ્લામ પાર્ટીએ માલેગાંવમાં કોંગ્રેસ માટે આખો ખેલ બગાડ્યો હતો. મહારાષ્ટ્રમાં મુસ્લિમોની બદલાતી વોટિંગ પેટર્નને ધ્યાનમાં રાખીને અને ઓવૈસીના વધતા રાજકીય ગ્રાફનો સામનો કરવા માટે કોંગ્રેસે મુંબઈમાં 'મુસ્લિમ કાર્ડ' રમ્યું હતું.
કોંગ્રેસે મુંબઈ બીએમસીમાં ત્રણ વખતના નગરસેવક અશરફ આઝમીને પાર્ટી નેતા તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી હતી. આ જ બેઠકમાં અશરફ આઝમીને કોંગ્રેસના નગરસેવક જૂથના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. મુંબઈના મુસ્લિમોમાં ઓવૈસીના પ્રભાવનો સામનો કરવા માટે કોંગ્રેસ દ્વારા આ એક રણનીતિ માનવામાં આવી રહી છે.
કોંગ્રેસ મુંબઈમાં બે ડઝન સીટ જીતી
AIMIMએ મહારાષ્ટ્રના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 13માં 126 બેઠક જીતીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. મુસ્લિમોના બદલાતા રાજકીય વલણને કારણે AIMIMનો રાજકીય પ્રભાવ મરાઠવાડાથી વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી ફેલાયો છે. પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ મુંબઈમાં ફક્ત બે ડઝન બેઠકો જીતી શકી. મહારાષ્ટ્રના 893 વોર્ડમાં 2,869 બેઠકોમાંથી કોંગ્રેસ ફક્ત 324 બેઠક જીતી શકી છે.
ઔરંગાબાદમાં શ્રેષ્ઠ પ્રદર્શન
AIMIMનું શ્રેષ્ઠ પ્રદર્શન ઔરંગાબાદ (હવે છત્રપતિ સંભાજીનગર) મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહ્યું, જ્યાં તેમના 33 કાઉન્સિલર ચૂંટાયા. મહારાષ્ટ્રમાં લગભગ 11.56 ટકા મુસ્લિમો છે, પરંતુ માલેગાંવમાં મુસ્લિમ વસ્તી 78 ટકા છે. મહારાષ્ટ્રમાં મુસ્લિમ મતદારોએ સ્વતંત્રતા પછી યોજાયેલી ચૂંટણીઓમાં સતત કોંગ્રેસ પક્ષને ટેકો આપ્યો છે.
મુસ્લિમ મતદારોમાં આ વલણ 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પણ દેખાયું. અગાઉ કોંગ્રેસ અને એનસીપીને ટેકો આપતા મુસ્લિમ મતદારોનો રાજકીય મૂડ બદલાઈ ગયો છે. પાલિકા ચૂંટણીઓમાં મુસ્લિમો અસદુદ્દીન ઓવૈસીના AIMIM અને ઇન્ડિયન સેક્યુલર લાર્જેસ્ટ એસેમ્બલી ઓફ મહારાષ્ટ્ર (ISLAM) જેવા પક્ષોની સાથે ઉભા જોવા મળ્યા છે.
2024ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય શેખ આસિફે ઇસ્લામ પાર્ટીની રચના કરી હતી. માલેગાંવની 84 બેઠકોમાંથી AIMIM એ 21 અને ઇસ્લામે 35 બેઠકો જીતી છે. માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇસ્લામ અને સપા ગઠબંધનનો પોતાનો મેયર હશે જ્યારે AIMIM મુખ્ય વિપક્ષી પક્ષ હશે. કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.
મૂળ વાત કરીએ તો છત્રપતિ સંભાજીનગરમાંથી કોંગ્રેસ લગભગ ખતમ થઈ ગઈ હતી, માલેગાંવમાં પણ ખતમ થઈ ગઈ, જ્યારે આ વખતે ત્રણ સીટ (2017માં 27) જીતી હતી. એ જ વાતનું પુનરાવર્તન અમરાવતી, થાણે, નાંદેડ, નાગપુરમાં થયું છે. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી ઈસ્લામ અને એઆઈએમઆઈએમનો વિજય થયો છે, જ્યાં પહેલા કોંગ્રેસને બેઠકો મળતી હતી, પરંતુ મજબૂત નેતૃત્વના અભાવને કારણે હવે ઈસ્લામ અને એઆઈએમઆઈએમના ઉમેદવારોને મત મળ્યા છે, જે એકલી કોંગ્રેસ જ નહીં, પરંતુ અન્ય પક્ષો માટે આત્મમંથનની બાબત છે, એમ નિષ્ણાતે જણાવ્યું હતું.