(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં નાગરિકોને અનેક વખત નોટિસ મોકલ્યા બાદ પણ પાણીના બિલ નહીં ચૂકવનારા ડિફોલ્ટરો સામે થાણે પાલિકા પ્રશાસને આંખ લાલ કરી છે. પાલિકાએ પાણીના બિલની વસૂલી માટે ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ લાંબા સમયથી બિલ નહીં ચૂકવનારાના પાણીના જોડાણ કાપી નાખવાથી લઈને મીટર સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં ઘરમાં વાપરવામાં આવતા પાણીના જોડાણ માટેના બિલ લાંબા સમયથી અનેક નાગરિકોએ ચૂકવ્યા નથી. પાલિકા દ્વારા ડિફોલ્ટરો માટે સ્કીમ ચાલુ કરવામાં આવી છે, જેમાં બાકી રહેલી રકમ એકી સાથે ભરી નાખનારાને દંડ અને વ્યાજની રકમમાં ૧૦૦ ટકા છૂટ આપવામાં આવી છે. જે નાગરિકોને અનેક વખત નોટિસ મોકલ્યા બાદ પણ લાંબા સમયથી પાણીના બિલ ચૂકવ્યા નથી તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમના નળના જોડાણ કાપી નાખવા, મીટર રૂમ સીલ કરવા તેમ જ પંપ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી ટાળવા માટે તાત્કાલિક બિલ ચૂકવી દેવાની અપીલ થાણે પાલિકા દ્વારા કરવામાં આવી છે.