સ્થાનિકમાં ચાંદી રૂ. 15,370ની તેજી સાથે 3.09 લાખની પાર, શુદ્ધ સોનાએ રૂ. 1.47 લાખની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડના મુદ્દે યુરોપના આઠ દેશો સામે પહેલી ફેબ્રુઆરીથી ટૅરિફ લાદવાની ધમકી ઉચ્ચારતા વૈશ્વિક બજારોમાં પુનઃ ટ્રેડ વૉરના મંડાણ થવાની ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે રોકાણકારોની સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં સલામતી માટેની વ્યાપક માગ રહેતાં હાજરમાં સોનાના ભાવ 1.3 ટકાની તેજી સાથે આૈંસદીઠ 4700 ડૉલરની સપાટી અને ચાંદીના ભાવ 0.7 ટકા વધીને આૈંસદીઠ 95 ડૉલર કુદાવી ગયાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ તેજીનું તોફાન જળવાઈ રહેતાં હાજરમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 15,370ના ઉછાળા સાથે 3.09 લાખની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3449થી 3463 વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાએ રૂ. 1.47 લાખની સપાટી વટાવી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે હાજરમાં ચાંદીના વેરારહિત ધોરણે ભાવ વધુ કિલોદીઠ રૂ. 15,370ની તેજી સાથે રૂ. 3,09,345ની સપાટીએ રહ્યા હતા. જોકે, આજે ઊંચી સપાટીએથી ઔદ્યોગિક વપરાશકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ હાજરમાં વેરારહિત ધોરણે સોનામાં પણ તેજી આગળ ધપતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3449 વધીને રૂ. 1,46,819 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 3463 વધીને રૂ. 1,47,409ની સપાટીએ રહ્યા હતા. તેમ જ ચાંદીની જેમ સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સલામતી માટેની માગને ટેકે એક તબક્કે સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4731.34ની સપાટી સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 1.3 ટકા વધીને આૈંસદીઠ 4727.99 ડૉલર આસપાસ અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ત્રણ ટકા વધીને 4734.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 95.34 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે ભાવ વધીને 95.48 ડૉલરની ટોચે પહોંચ્યા હતા.
અમેરિકી પ્રમુખે ગ્રીનલેન્ડ પર કબ્જો કરવાના મુદ્દે ટેકો ન આપવા બદલ યુરોપના આઠ દેશો પર વધારાની ટૅરિફ લાદવાની આપેલી ધમકી ઉપરાંત તેઓ નીચી વ્યાજદરની હિમાયત કરી રહ્યા હોવાથી સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં તેજી વેગીલી બની હોવાનું યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે ભૂરાજકીય તણાવમાં વધારો થવાથી છેલ્લા 20 દિવસમાં સોનાના ભાવમાં 9.5 ટકાનો અને ટ્રમ્પ ફરીથી સત્તા પર આવ્યા ત્યારથી 70 ટકાનો ઉછાળો આવ્યો છે. વધુમાં હળવી નાણાનીતિના આશાવાદ વચ્ચે એક્સચેન્જ ટ્રેડેડ ફંડોની માગમાં પણ વધારો થવાથી સોનાની તેજીને વધુ ઈંધણ મળી રહ્યું છે.
જોકે, હવે રોકાણકારોની નજર રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફેડરલ રિઝર્વને પોતાની મરજીથી બરતરફ કરી શકે કે નહીં તે અંગેના સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પર મંડાયેલી હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લેતા સોનાના ભાવ વધીને આૈંસદીઠ 5000 ડૉલર સુધી પહોંચી શકે છે.