નવી દિલ્હીઃ આ વર્ષે દેશમાં સારો વરસાદ થવાની સાથે શેરડીની ઊપજ પણ વધુ રહેતાં ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમ 2025-26માં ગત 15મી જાન્યુઆરી સુધીમાં દેશમાં ખાંડનું ઉત્પાદન ગત મોસમના સમાનગાળાના 1.30 કરોડ ટન સામે બાવીસ ટકા વધીને 1.59 કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું ઔદ્યોગિક સંગઠન ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને એક યાદીમાં જણાવ્યું છે.
એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત 15મી જાન્યુઆરી સુધી દેશમાં અંદાજે 518 ખાંડ મિલો કાર્યન્વિત છે, જ્યારે ગત મોસમના સમાનગાળામાં 500 ખાંડ મિલો કાર્યાન્વિત હતી. વધુમાં એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં દેશનાં ટોચના ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 42.7 લાખ ટન સામે 51 ટકા વધીને 64.50 લાખ ટનની સપાટીએ રહ્યું હતું, જ્યારે ઉત્તર પ્રદેશ ખાતે ઉત્પાદન વધીને 46 લાખ ટન (42.8 લાખ ટન) અને કર્ણાટક ખાતે ઉત્પાદન વધીને 31 લાખ ટન (27.50 લાખ ટન)ની સપાટીએ રહ્યું છે.
આ વર્ષે શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થવાની સાથે ઊપજમાં વધારો, મિલોને શેરડીની પર્યાપ્ત ઉપલબ્ધિ અને તમામ ઉત્પાદક વિસ્તારોમાં મિલો ધમધમી રહી હોવાથી ભારતીય ખાંડ ક્ષેત્રે વર્તમાન વર્ષ 2025-26ની મોસમમાં મક્કમ પ્રગતિ દાખવી હોવાનું ઈસ્માએ યાદીમાં જણાવ્યું હતું.
જોકે, શેરડીના ઊંચા ભાવ અને ખાંડના ઘટતાં ભાવને કારણે મિલોની પ્રવાહિતા ઘટવાને કારણે શેરડીની ખરીદી પેટે ખેડૂતોની ચુકવણી વિલંબ થવાની ચેતવણી પણ એસોસિયેશને ઉચ્ચારતા જણાવ્યું હતું કે હાલ મહારાષ્ટ્ર અને કર્ણાટક ખાતે એક્સ મિલ ધોરણે પ્રવર્તી રહેલા ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં નીચા ક્વિન્ટલદીઠ રૂ. 3550 આસપાસની સપાટીએ પ્રવર્તી રહ્યા છે.
વધુમાં એસોસિયેશને જણાવ્યું હતું કે જેમ મોસમ આગળ ધપતી જશે તેમ ખાંડના સ્ટોકમાં પણ વધારો થશે અને તેની સાથે સાથે ખેડૂતોની બાકી ચુકવણીમાં વધારો થશે અને મિલોની પ્રવાહિતાની ખેંચમાં પણ વધારો થતો જશે. આથી અમે સરકારને વહેલી તકે ખાંડના લઘુતમ વેચાણ ભાવમાં વધારો કરવાનો અનુરોધ કર્યો છે જેથી ખેડૂતોને સમયસર શેરડીની ખરીદી પેટેની ચુકવણી થઈ શકે.
ખાંડમાં રૂ. છથી 32નો ચમકારો
મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 20ના ઉછાળા સાથે રૂ. 3620થી 3660માં થયાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ ખાસ કરીને સ્મોલ ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 29થી 32નો ચમકારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડના ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છનો સાધારણ ગુણવત્તાલક્ષી સુધારો જોવા મળ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પરના પ્રોત્સાહક અહેવાલે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 32ના અને ઉપલા મથાળેથી રૂ. 29ના સુધારા સાથે રૂ. 3792થી 3852માં થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છનો ગુણવત્તાલક્ષી સુધારો આવ્યો હતો અને વેપાર રૂ. 3892થી 3962માં થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હતી, પરંતુ મથકો પરના પ્રોત્સાહક અહેવાલે ભાવમાં ક્વિન્ટલે રૂ. પાંચનો સુધારો આવ્યો હતો, જેમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3705થી 3765માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3795થી 3825માં થયા હતા.