Tue Jan 20 2026

Logo

White Logo

શું તમે જાણો છો? : એક બૉલમાં બન્યા બાવીસ રન! માનવામાં ન આવે, પણ આ હકીકત છે

1 hour ago
Author: Ajay Motiwala
Video

ક્રિકેટમાં કંઈ પણ શક્ય છે એવું આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ અને ક્યારેક કોઈ મૅચમાં જોવા પણ મળતું હોય છે, પરંતુ સીપીએલ તરીકે જાણીતી કૅરિબિયન પ્રીમિયર લીગમાં તાજેતરમાં જે બન્યું એની તો ક્યારેય કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

ઘણી ટીમો ફટાફટ ફૉર્મેટ તરીકે ઓળખાતી ટી-20 મૅચમાં છેલ્લી ઓવરમાં બાવીસ રન નથી કરી શકતી ત્યારે સીપીએલ (CPL)ની મૅચમાં વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બૅટ્સમૅન રોમારિયો શેફર્ડે (Shepherd) તો જબરી આતશબાજી કરી અને એક જ બૉલમાં પોતાનું નામ ક્રિકેટના ઇતિહાસમાં લખાવી દીધું. તેણે માત્ર એક બૉલમાં એક્સ્ટ્રા સહિત બાવીસ રન બનાવ્યા હતા. તમે બરાબર વાંચ્યું છે...માત્ર એક બૉલમાં શેફર્ડે બાવીસ રનનો ખડકલો કરી દીધો. તો ચાલો, જાણીએ તેણે એવું તે વળી શું કર્યું કે હરીફ ટીમ તેને રોકી જ ન શકી.

જાણી લો, પેલા એક બૉલમાં શું બન્યું...

આઇપીએલમાં બેંગલૂરુ વતી રમી ચૂકેલો શેફર્ડ સીપીએલમાં ગયાના ઍમેઝન વૉરિયર્સ વતી રમી રહ્યો હતો અને તેની સામે હતો સેન્ટ લ્યૂસિયા કિંગ્સનો ફાસ્ટ બોલર ઑશેન થૉમસ. બન્યું એવું કે થૉમસે ઓવરનો ત્રીજો બૉલ પાંચ વખત ફેંકવો પડ્યો હતો. તો ચાલો જાણીએ કે એ ઐતિહાસિક બૉલની શરૂઆત કેવી રીતે થઈ...

(1) થૉમસ (Thomas)નો એ ત્રીજો બૉલ નો-બૉલ હતો જેમાં શેફર્ડવાળી વૉરિયર્સ ટીમને એક એક્સ્ટ્રા રન મળ્યો.

(2) ત્યાર બાદ ફ્રી હિટમાં શેફર્ડ રન નહોતો બનાવી શક્યો, પણ એ વાઇડ બૉલ હતો એટલે વૉરિયર્સને એક્સ્ટ્રાનો વધુ એક રન મળતાં રનનો સરવાળો બે થયો.

(3) ફ્રી હિટમાં શેફર્ડે છગ્ગો માર્યો એટલે વૉરિયર્સના રનનો સરવાળો આઠ થયો. જોકે એ બૉલ પણ નો-બૉલ હતો એટલે સરવાળો વધીને નવ થયો.

(4) ફરી ફ્રી હિટ મળી જેમાં શેફર્ડે છગ્ગો માર્યો હતો. તમે નહીં માનો, પણ એય નો-બૉલ હતો એટલે એ બૉલનો સરવાળો સીધો 16 થઈ ગયો.

(5) એ તબક્કે થૉમસે પેલો લીગલ બૉલ ફેંકવાનો હજી બાકી જ હતો. વધુ નવાઈની વાત એ છે કે શેફર્ડે એ લીગલ બૉલમાં પણ સિક્સર મારી દીધી અને એ સાથે એ એક બૉલમાં કુલ બાવીસ રન બનતાં શેફર્ડ અદ્ભુત બૅટ્સમૅન તરીકે અને થૉમસ ખર્ચાળ બોલર તરીકે રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો.