Tue Jan 20 2026

Logo

White Logo

બોક્સઓફિસ ક્લેક્શનઃ : આ વર્ષે અત્યાર સુધીમાં કઈ ફિલ્મોનો રહ્યો દબદબો?

1 hour ago
Author: Himanshu Chavda
Video

મુંબઈ: વર્ષ 2026ની શરૂઆતથી જ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ફિલ્મો રિલીઝ કરવાની શરૂઆત કરી દીધી છે. 1 જાન્યુઆરી 2026ના રોજ દિવંગત અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ  '21' (Ikkis) રિલીઝ થઈ હતી. જોકે, અત્યારસુધી થિએટર્સમાં 7થી વધુ ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે આવો જાણીએ નવા વર્ષે કઈ ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સૌથી વધારે કલેક્શન કર્યું છે.

પ્રભાસ, ચિરંજીવીની ફિલ્મ ટોપ 3માં

નવા વર્ષે બોક્સ ઓફિસ પર બોલીવૂડની ફિલ્મોને બદલે ટોલીવૂડની ફિલ્મોનું વર્ચસ્વ જોવા મળ્યું છે. જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ કમાણી કરનારી ટોચની ચાર ફિલ્મોમાં પૈકી ત્રણ ફિલ્મો સાઉથની છે. બોક્સ ઓફિસ રિપોર્ટ 2026 અનુસાર ફર્સ્ટ ડે પર સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મોની યાદીમાં પ્રભાસની 'ધ રાજા સાબ' પહેલા ક્રમે છે. 9 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થયેલી પ્રભાસની આ હોરર-કોમેડી ફિલ્મે પહેલા દિવસે રૂ. 62.9 કરોડની કમાણી કરી હતી. આ સાથે 'ધ રાજા સાબ' ફિલ્મે વર્ષની સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મ અત્યારસુધીમાં 140.50 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી ચૂકી છે.  જોકે, આ ફિલ્મ હિન્દી વર્ઝન કરતાં તેલુગુ અને તમિલ માર્કેટમાં વધુ મજબૂત પ્રદર્શન કરી રહી છે.

પ્રભાસની 'ધ રાજા સાબ' ફિલ્મ બાદ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગાસ્ટાર ચિરંજીવીની એક્શન-કોમેડી ફિલ્મ  'મન શંકર વારા પ્રસાદ ગરુ' પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનમાં બીજા ક્રમે છે. ચિરંજીવી અને નયનતારાને ફિલ્માવતી આ ફિલ્મે પહેલા દિવસે 41.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, 12 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને મકરસંક્રાંતિનો લાભ મળ્યો હતો. અત્યારસુધી આ ફિલ્મ ભારતમાં અંદાજે 165.9 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન નોંધાવી ચૂકી છે.

બોલીવૂડની ફિલ્મ ચોથા ક્રમે

બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમો શિવકાર્તિકેયનની 'પરાશક્તિ' ફિલ્મ ત્રીજા ક્રમે છે. 10 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ 12.35 કરોડની કમાણી સાથે ત્રીજા ક્રમે રહી છે. છેલ્લા 10 દિવસોમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ 49.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે.  સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ ત્રણ ફિલ્મો બાદ બોલીવૂડની '21' (Ikkis) ફિલ્મ ચોથા ક્રમે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 7.28 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 60 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યારસુધી વર્લ્ડવાઈડ 41.71 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લીધી છે. 

બોર્ડર 2 ફિલ્મનું શું થશે?

ઉલ્લેખનીય છે કે, 23 જાન્યુઆરી, 2026ના રોજ 'બોર્ડર 2' ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મ લગભગ 5000 સ્ક્રીન્સ પર રિલીઝ થશે.  પ્રી-સેલ્સ અને દર્શકોના ક્રેઝને જોતા 'બોર્ડર 2' ફિલ્મ પહેલા દિવસે 35 કરોડ રૂપિયા સુધીની કમાણી કરશે, એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. જો આવું થશે તો 'બોર્ડર 2' ફિલ્મ '21' (Ikkis) ફિલ્મને પણ પાછળ પાડી દેશે.