Tue Jan 20 2026

Logo

White Logo

મોહમ્મદ શમી ચૂંટણી અધિકારીઓ સમક્ષ સુનાવણી માટે હાજર થયો, : જાણો લોકોને શું સલાહ આપી...

1 hour ago
Author: Ajay Motiwala
Video

કોલકાતાઃ ભારતીય પેસ બોલર મોહમ્મદ શમી (Shami) મંગળવારે કોલકાતામાં ચૂંટણી અધિકારીઓ સમક્ષ સુનાવણી માટે હાજર થયો હતો. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા ચાલી રહી છે જે હેઠળ મતદાન પત્રિકામાં એવા જ લોકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેઓ ભારતીય નાગરિક તરીકેની પાત્રતા ધરાવતા હોય. આ પત્રિકામાં કોઈ પણ એવા મતદાતાનું નામ ન હોવું જોઈએ જે ભારતીય નાગરિક ન હોય.

મોહમ્મદ શમી સ્કૂલમાંથી મેળવેલા જરૂરી દસ્તાવેજો સાથે ચૂંટણી અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો. તે દક્ષિણ બંગાળમાં બિક્રમગઢ (BIKRAMGARH) વિસ્તારની સ્કૂલમાં ભણ્યો હતો.

એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે શમીએ સુનાવણી પૂરી થયા પછી કહ્યું હતું કે ` એસઆઇઆર દરેકની જવાબદારી છે, તમામ લોકોએ આ પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ અને એ દરમ્યાન સહકાર આપવો જોઈએ. આ પ્રક્રિયા કોઈના માટે પણ હાનિકારક નથી. મને કોઈ જ મુશ્કેલી ન નડી. ચૂંટણી અધિકારીઓએ બહુ સારી રીતે મને લગતી પ્રક્રિયા પાર પાડી. હું અહીં પચીસ વર્ષથી આ વિસ્તારમાં રહું છું. તેઓ મને જો પાછો બોલવશે તો હું ફરી આવી જઈશ.'

અગાઉ શમીએ જે ફૉર્મ ભર્યું હતું એમાં કેટલીક ક્ષતિઓ હોવાનું જણાતાં તેને સુનાવણી માટે બોલાવવામાં આવ્યો હતો. અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે શમી સુનાવણી દરમ્યાન પાસપોર્ટ સાથે હાજર થયો હતો અને તેની સુનાવણી 15 મિનિટમાં પૂરી કરી નાખવામાં આવી હતી.'

શમી ઉત્તર પ્રદેશનો છે અને ક્રિકેટની કારકિર્દીને કારણે થોડા વર્ષોથી બંગાળમાં રહે છે. કોલકાતા મહાનગરપાલિકાના 93 નંબરના વૉર્ડમાં મતદાતા તરીકે તેનું નામ છે. તેને અને તેના ભાઈ મોહમ્મદ કૈફને ચૂંટણી અધિકારીઓએ સુનાવણી માટે બોલાવ્યા હતા. શમી થોડા દિવસ પહેલાં વિજય હઝારે ટૂર્નામેન્ટમાં રમતો હોવાથી રાજકોટમાં હતો ત્યારે સુનાવણી માટે નહોતો આવી શક્યો, પણ મંગળવારે હાજર થયો હતો.

વધુ જુઓ...