Tue Jan 20 2026

Logo

White Logo

એ. આર. રહેમાનનું વિવાદિત નિવેદન : રહેમાને બોલિવૂડમાં કોમવાદની વાત કરીને ગૌરવ ઘટાડ્યું

16 hours ago
Author: Mumbaisamachar Team
Video

ભરત ભારદ્વાજ

ભારતીય સિનેમાના મહાનતમ સંગીતકારોમાંથી એક એ. આર. રહેમાને આપેલા એક નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. રહેમાનને છેલ્લાં કેટલાંક વરસોથી બોલિવૂડમાં કામ ઓછું મળી રહ્યું છે. રહેમાને એ અંગે બળાપો કાઢ્યો છે કે, બોલિવૂડમાં હવે ક્રિયેટિવિટી ઓછી થતી જાય છે એ પોતાના જેવા સંગીતકારની ડીમાન્ડ ઓછી થઈ હોવા પાછળનું કારણ છે અને સાથે સાથે બોલિવૂડમાં કોમવાદ વધી રહ્યો હોવાનું કારણ પણ હોઈ શકે છે. 

રહેમાનના આ નિવેદને તેમના ચાહકોને પણ આંચકો આપી દીધો છે કેમ કે રહેમાન જેવા માણસ પાસેથી કોઈને આવી બકવાસ વાતની અપેક્ષા નહોતી. રહેમાન લગભગ ત્રણ દાયકા સુધી બોલિવૂડના સૌથી વ્યસ્ત સંગીતકાર રહ્યા ને દેશના સૌથી લોકપ્રિય સંગીતકાર પણ રહ્યા. એ વખતે રહેમાનને બોલિવૂડમાં કોમવાદ નહોતો દેખાતો ને હવે કામ ઓછું મળવા માંડ્યું તેથી કોમવાદની વાતે ચડી ગયા તેનો આઘાત લાગે જ. 

રહેમાનને બોલિવૂડમાં કામ ઓછું મળી રહ્યું હોવાના બીજાં ઘણાં કારણો હોઈ શકે છે પણ કોમવાદ તો કારણ નથી જ. રહેમાન ભારતમાં તો અત્યારે સૌથી મોટા સંગીતકાર છે જ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના નામના ડંકા વાગે છે. અનેક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં કામ કરી ચૂકેલા રહેમાન બબ્બે ઓસ્કાર એવૉર્ડ જીતી ચૂક્યા છે. આ કારણે તેમની ફી બીજા સંગીતકારો કરતાં ઉંચી હોય તેથી બધાંને ના પરવડે. આ ઊંચી ફીના કારણે નિર્માતા રહેમાનનો સંપર્ક કરવાનું ટાળતા હોય એ શક્ય છે. 

છેલ્લાં કેટલાંક વરસોમાં બોલિવૂડની ફિલ્મોનું સ્વરૂપ પણ બદલાયું છે. રહેમાન 1990ના દાયકામાં આવ્યા ત્યારે રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મો બનતી. એ વખતે ફિલ્મોમાં પાંચ-છ ગીતો હોય એ સામાન્ય ગણાતું કેમ કે ફિલ્મના મ્યુઝિકમાંથી નિર્માતાઓને તગડી કમાણી થતી. રહેમાનની કારકિર્દીના શરૂઆત વખતે કેસેટ્સનો જમાનો હતો તેથી બહુ જંગી કમાણી થતી. 

રહેમાનની ફી એ વખતે પણ ઊંચી જ હશે પણ રહેમાન બહુ સારું મ્યુઝિક આપતા ને તેમનાં મોટા ભાગનાં ગીતો સુપરહીટ થતાં તેથી કમાણીની લાલચમાં રહેમાનને નિર્માતાઓ ઉંચી ફી આપીને સાઈન કરતા. હવે ફિલ્મના મ્યુઝિકમાંથી એવી તોતિંગ કમાણી થતી નથી. કેસેટ્સ જતી રહી ને તેના બદલે સીડી આવી. સીડી ગઈ પછી પેન ડ્રાઈવમાં લોકો સોંગ ડાઉનલોડ કરતા ને હવે તો કશાની જરૂર નથી. સીધા મોબાઈલમાં જ ગીત આવી જાય છે ને નિર્માતાઓને સોંગની એપ્સ પહેલાં જેવી કમાણી કરાવી આપતી નથી તેથી મ્યુઝિક પહેલાં જેવો મલાઈદાર બિઝનેસ નથી રહ્યો. આ કારણે પણ નિર્માતાઓને મોંઘા સંગીતકારોને લેવામાં રસ નથી પડતો. 

ઘણા નિર્માતાઓ તો સાવ સસ્તામાં કામ કરતા ડી.જે. ટાઈપ સંગીતકારો પાસે જૂનાં ગીતો રિમિક્સ કરાવીને જ કામ ચલાવી લે છે પછી રહેમાન જેવા મોંઘાદાટ સંગીતકારોને કામ આપીને બજેટ શું કરવા વધારે ? છેલ્લાં કેટલાંક વરસોમાં બોલિવૂડની ફિલ્મો બહુ ચાલતી જ નથી તેથી હવે લો બજેટ ફિલ્મોનું ચલણ વધ્યું છે. બજેટ ઘટાડવાના ચક્કરમાં કહેવાતા સુપરસ્ટાર્સને બાજુ પર મૂકીને સસ્તા એક્ટર્સને લેવાય છે તો પછી સંગીતના બજેટમાં કાપ આવે તેમાં તો કોઈ નવાઈ જ નથી. 

બીજું એ કે, હવે ફિલ્મોમાં વધારે ગીતો જ નથી હોતાં. બહુ બહુ તો ચારેક ગીતો હોય. ગયા વરસે આવેલી સૈયાંરા તેના મ્યુઝિકના કારણે હીટ થઈ હતી. સૈયારા ફિલ્મમાં કુલ સાત ગીત હતાં ને તેમાંથી બે ગીત તો રિપીટ હતાં તેથી કુલ ગીત પાંચ જ હતાં. સૈયારા તો રોમેન્ટિક મ્યુઝિકલ મૂવી હતી છતાં તેમાં પાંચ જ ટયૂન હતી તેના પરથી જ ફિલ્મોમાં સંગીતનું મહત્ત્વ કેટલું ઘટ્યું છે એ સ્પષ્ટ છે. 

ગીતોના કારણે ફિલ્મોની લંબાઈ વધી જાય છે તેના કારણે આ ફેરફાર આવ્યો છે. 1990ના દાયકામાં હિંદી ફિલ્મો સામાન્ય રીતે પણ અઢી કલાકની બનતી. હવે આટલી લાંબી ફિલ્મો જ નથી બનતી. મોટા ભાગની ફિલ્મો બે કલાકથી ઓછી લેંથની જ હોય છે તેના કારણે પણ રહેમાન જેવા સંગીતકારોને કામ મળતું ઓછું થયું છે. 

રહેમાન જેવા સેલિબ્રિટી સંગીતકાર સાથે કામ કરવા કરતાં નવા સંગીતકાર સાથે કામ કરવું નિર્માતા માટે સરળ હોય છે તેથી પણ રહેમાનની માગ ઘટી છે. નવા સંગીતકારને ગમે તે કહી શકાય ને તેની પાસે મજૂરી કરાવીને સારું કામ કઢાવી શકાય જ્યારે રહેમાનને બે શબ્દો કહેવા હોય તો નિર્માતાએ બહુ હિંમત બતાવવી પડે એ પણ કામ ઓછું મળવાનું કારણ હોઈ શકે. 

રહેમાન વચ્ચેનાં વરસોમાં આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં બહુ બિઝી થઈ ગયેલા સ્લમડોગ મિલિયોનેર માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો પછી રહેમાન વિદેશી ફિલ્મોમાં જ વ્યસ્ત રહેતા તેથી બોલિવૂડ સાથેનો સંપર્ક તૂટી ગયો એ પણ કારણ હોઈ શકે. 

આપણને રહેમાનને કામ ઓછું મળવા માટે ખરેખર શું કારણ જવાબદાર છે એ ખબર નથી પણ કોમવાદ તો કારણ નથી જ એ ખબર છે. કોમવાદ કારણ હોય તો શાહરૂખ ખાન, સલમાન ખાન કે નવાઝુદ્દીન સિદ્દીકી જેવા એક્ટર પણ નવરા થઈ જાય ને અનીસ બઝમી કે કબીર ખાન જેવા ડિરેક્ટર્સને પણ કામ મળતું બંધ થઈ જાય. 

રહેમાન મહાન સંગીતકાર છે તેમાં બેમત નથી. હિંદી ફિલ્મોના બિબાંઢાળ સંગીતથી અલગ સંગીત આપીને રહેમાને લોકોનું બહુ મનોરંજન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશને નામના આપવી જ છે તેથી તેમના યોગદાનને સલામ કરવી જ પડે. બદલામાં આ દેશનાં લોકોએ રહેમાનને અભૂતપૂર્વ પ્રેમ અને માન આપ્યાં છે ત્યારે રહેમાને દેશમાં સૌથી સેક્યુલર મનાતી ઈન્ડસ્ટ્રી પર કોમવાદનું લેબલ લગાવવાથી દૂર રહેવું જોઈએ. આવી વાત કરવી રહેમાન જેવા મહાન સંગીતકાર માટે શોભાસ્પદ નથી, 

તેમના માટે ગૌરવપ્રદ પણ નથી. જે બોલિવૂડે બહારના હોવા છતાં રહેમાનને માથા પર બેસાડ્યા તેને હવે કામ નથી મળતું એ કારણે કોમવાદી ગણાવીને સાવ નગુણા બનવાથી રહેમાને દૂર રહેવું જોઈએ. 

રહેમાને એક વાસ્તવિકતા પણ સ્વીકારવી જરૂરી છે. બોલિવૂડમાં રહેમાન પહેલા એવા સંગીતકાર નથી કે જેમની આ હાલત થઈ હોય. હિંદી ફિલ્મોમાં ઈતિહાસ રચનારા મહાન સંગીતકારોને પણ એક તબક્કા પછી કામ મળવાનું બંધ થઈ ગયું હોય એવી સ્થિતી થઈ જ છે. નૌશાદ અલી, શંકર જયકિશન, ઓ.પી. નૈયર, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ, કલ્યાણજી-આણંદજી, રાહુલ દેવ બર્મન સહિતના ધુરંધર સંગીતકારોને પણ એક તબક્કા પછી કામ મળતું બંધ થઈ ગયું હતું. 

આ યાદીમાં બીજા પણ ઘણાં નામો છે. નૌશાદ અને નૈયર ઘણા સંગીતકારો વાસ્તવિકતા સ્વીકારીને ગૌરવભેર ખસી ગયા ને જે ના ખસ્યા તેમણે નાલેશી સહન કરવી પડી. રહેમાને પણ મળે એ કામ કરવું એવો અભિગમ અપનાવીને ગૌરવ જાળવવું જોઈએ, બીજો બકવાસ ના કરવો જોઈએ.