ગાંધીનગર : ગુજરાત સરકારે કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ટેક્ષટાઇલની નોન પોલ્યુટીંગ પ્રવૃતિ ગારમેન્ટ, એપેરલ અને મેડઅપ્સ, સ્ટીંચીંગ, એમ્બ્રોડરી તથા અન્ય વેલ્યુએડેડ એક્ટિવિટિ ધરાવતા એકમો કે જે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ની પ્રર્વતમાન વ્હાઇટ કેટેગરી તથા ગ્રીન કેટેગરી અથવા તેને સમકક્ષ જીપીસીબીના પ્રવર્તમાન જોગવાઈ અને કેટેગરી ક્લાસીફીકેશન હેઠળ સમાવેશ થતા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હદમાં સ્થાપિત એકમોને પણ ગુજરાત ટેક્ષટાઈલ પોલીસી 2024 અંતર્ગત સહાય પાત્ર ગણવામાં આવશે.
સેલ્ફ હેલ્પ ગ્રુપને ટેક્સટાઈલ પોલિસી અંતર્ગત લાભ મળશે
મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઈલ પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. જેમાં નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન તથા નેશન અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વ સહાય જુથ જેમાં આજીવિકાના સમાન હેતુ થી જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપને ટેક્સટાઈલ પોલિસી અંતર્ગત લાભ મળી શકશે.
રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે
રાજ્યની અર્થવ્યવસ્થા અને દેશની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા કાપડ ઉદ્યોગની ટેક્સટાઈલ વેલ્યુ ચેઈનના દરેક સેગમેન્ટનું એનાલીસીઝ કરીને ગારમેન્ટ અને એપેરલ તથા ટેક્નિકલ ટેક્સટાઈલમાં વિશેષ ફોકસ કરવાનો વ્યુહ ટેક્સટાઈલ પોલિસી-2024માં મુખ્યમંત્રીએ અપનાવ્યો છે. મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના આ નિર્ણયથી રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હદમાં આવેલા નોન પોલ્યુટીગ ટેક્ષટાઈલ એકમોને યોજનાનો બહોળો લાભ મળશે. તેમજ શહેરી વિસ્તારમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે તથા કુશળ/અર્ધકુશળ કામદારો માટે સ્થાનિક સ્તરે રોજગારની તકો વધશે.
ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે
નોન-પોલ્યુટીંગ ટેક્ષટાઈલ પ્રવૃત્તિઓને શહેરી વિસ્તારમાં માન્યતા મળવાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને વિકાસ માટે પણ અનુકૂળ વાતાવરણ મળશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઉપલબ્ધ આંતર માળખાકીય સુવિધાઓનો અસરકારક ઉપયોગ થશે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન મળશે.