Tue Jan 20 2026

Logo

White Logo

એ. આર. રહેમાનનો વિવાદ પર મોટો ખુલાસો: : જાણો વીડિયોમાં શું કરી સ્પષ્ટતા?

1 day ago
Author: tejas rajpara
Video

ANI


મુંબઈ: દુનિયાભરમાં પોતાના સંગીતનો જાદુ ચલાવનાર ઓસ્કર વિજેતા એ.આર. રહેમાન અત્યારે એક ગંભીર વિવાદને કારણે ચર્ચામાં છે. બોલીવુડમાં કથિત રીતે કોમવાદી ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવીને સૌને ચોંકાવી દીધા હતા. રહેમાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી અને અનેક સેલેબ્રિટીઝે પણ તેમની ટીકા કરી હતી. વધતા વિવાદને લઈ રહેમાને હવે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો મેસેજ શેર કરીને પોતાની વાત રજૂ કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં એ. આર. રહેમાને જણાવ્યું કે તેમનો ઈરાદો ક્યારેય કોઈની લાગણી દુભાવવાનો નહોતો. તેમણે સંગીતને પોતાની અભિવ્યક્તિનું માધ્યમ ગણાવતા કહ્યું કે સંગીત હંમેશાં લોકો સુધી પહોંચવા અને સંસ્કૃતિની ઉજવણી કરવાનું સાધન રહ્યું છે. હું જાણું છું કે સારા ઈરાદાથી કહેવાયેલી વાતમાં પણ ક્યારેક ગેરસમજ ઉભી થઈ શકે છે. રહેમાને સ્પષ્ટ કર્યું કે તેઓ હંમેશા સંગીત દ્વારા લોકોની સેવા કરવા અને તેમને પ્રેરણા આપવા માંગે છે.

પોતાના નિવેદનમાં રહેમાને ભારત પ્રત્યેની પોતાની આસ્થા અને પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે કે તેઓ એક ભારતીય છે, કારણ કે આ દેશ તેમને સર્જનાત્મક સ્વતંત્રતા આપે છે. રહેમાને આ તકે નાગાલેન્ડના યુવા સંગીતકારો સાથેના કામ અને હોલીવુડના દિગ્ગજ હેન્સ ઝિમર સાથે આગામી ફિલ્મ 'રામાયણ' માટે તૈયાર કરી રહેલા સંગીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશવાસીઓ પાસેથી મળેલા સમર્થન બદલ આભાર માન્યો હતો.

એ. આર. રહેમાનના આ સ્પષ્ટીકરણ બાદ બોલીવુડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ તેમના સમર્થનમાં આવ્યા છે. પરેશ રાવલે રહેમાનનો વીડિયો રી-પોસ્ટ કરીને લખ્યું કે, અમે તમને પ્રેમ કરીએ છીએ સર, તમે અમારું ગૌરવ છો. રહેમાને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ ભવિષ્યમાં પણ એવું સંગીત આપતા રહેશે, જે ભૂતકાળનું સન્માન કરે અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપે. આમ, રહેમાને પોતાની વાત મૂકીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે.