ઈરાન દ્વારા અટકાયત કરવામાં આવેલા 16 ભારતીય નાવિકોના મામલે તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતીય મિશન સતત ઈરાની સત્તાવાળાઓના સંપર્કમાં છે જેથી આ નાવિકોને વહેલી તકે ક્રાંસુલર એક્સેસ (રાજદ્વારી સંપર્ક) અને જરૂરી કાનૂની સહાય પૂરી પાડી શકાય. ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા અને ગરિમા જાળવી રાખવા માટે તમામ સ્તરે પ્રતિબદ્ધ છે અને આ કેસના વહેલા ઉકેલ માટે રાજદ્વારી દબાણ બનાવી રહી છે.
શું છે સમગ્ર ઘટનાક્રમ?
ડિસેમ્બર 2025ના મધ્યમાં ઈરાને 'એમટી વેલિયન્ટ રોઅર' (MT Valiant Roar) નામના જહાજને રોક્યું હતું, જેમાં 16 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ઘટનાની જાણ થતા જ બંદર અબ્બાસ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે ઈરાન સરકારને ઔપચારિક પત્ર લખીને નાવિકો સુધી પહોંચવાની પરવાનગી માંગી હતી. તેહરાન અને બંદર અબ્બાસ બંને સ્થળોએ ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે જેથી નાવિકોને કાનૂની પ્રતિનિધિત્વ મળી રહે અને તેમની સામેની પ્રક્રિયા ઝડપી બને.
જાન્યુઆરીની શરૂઆતમાં જ્યારે જહાજ પર ખોરાક અને પાણીની અછતના સમાચાર મળ્યા, ત્યારે ભારતીય મિશને તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. ઈરાની નૌસેનાના સહયોગથી જહાજ પર જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસે વિનંતી કરી છે કે નાવિકોને તેમના પરિવાર સાથે વાત કરવાની છૂટ આપવામાં આવે. આ ઉપરાંત, દૂતાવાસ યુએઈ સ્થિત જહાજ માલિક અને તેમના ઈરાની એજન્ટોના પણ સંપર્કમાં છે જેથી બળતણ અને ભોજનની કોઈ તકલીફ ન પડે.
હાલમાં આ મામલો ઈરાનની ન્યાયિક પ્રણાલી હેઠળ ચાલી રહ્યો છે. દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ પણ જહાજની માલિક કંપની સાથે સંકલન સાધી રહ્યું છે જેથી નાવિકોને શ્રેષ્ઠ કાનૂની મદદ મળી શકે. ભારતીય વિદેશ મંત્રાલય આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને ઈરાની અધિકારીઓ પર સતત દબાણ બનાવી રહ્યું છે જેથી કરીને તમામ 16 નાવિકો વહેલી તકે અને સહીસલામત રીતે ભારત પરત ફરી શકે.