અમદાવાદ: વકીલ અને અસીલ વચ્ચે સારા સંબંધ હોવા જરૂરી છે. જોકે, તાજેતરમાં અમદાવાદ ખાતે એક વકીલ પર અસીલ બગડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વકીલાત કરતા એક વરિષ્ઠ વકીલને તેમના જ અસીલ અને તેના પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના વાસણા વિસ્તારમાં રહેતા અને છેલ્લા 18 વર્ષથી નવરંગપુરા જૂની હાઈકોર્ટમાં વકીલાત કરતા નીતિનભાઈ ગાંધીએ તેમના અસીલ રામસિંહ દેસાઈ અને તેના પુત્ર સુજલ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફીના પૈસા આપવામાં કેમ નાટક કરો છો?
વર્ષ 2022માં રામસિંહ દેસાઈ વકીલ નીતિનભાઈના સંપર્કમાં આવ્યા હતા. રામસિંહ દેસાઈએ એક રાજેન્દ્રભાઈ નામના એક પક્ષકારના લેન્ડ ગ્રેબિંગ કેસનું કામ નીતિનભાઈને સોંપ્યું હતું. આ કેસના કામકાજ માટે વકીલ નીતિનભાઈને અંદાજે 3.50 લાખ રૂપિયા ફી પેટે ચૂકવવામાં આવ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ ન થતા રામસિંહ અકળાયા હતા. 16 જાન્યુઆરી, 2026ના રોજ રામસિંહ કોર્ટ પરિસરમાં નીતિનભાઈના ટેબલ પાસે પહોંચ્યા હતા અને પૈસા પરત માંગ્યા હતા.
રામસિંહે રૂપિયાની માંગણી કરતા નીતિનભાઈએ જણાવ્યુ હતુ કે, "મેં ડ્રાફ્ટિંગ તૈયાર કર્યું છે, પરંતુ તમે ક્યારેય લેન્ડ ગ્રેબિંગના મુખ્ય પક્ષકાર સાથે મારી મુલાકાત કરાવી નથી." આ વાત સાંભળી રામસિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને ધમકી આપી હતી કે, "મારો દીકરો સુજલ પૈસા કઢાવવાનું જ કામ કરે છે, અમે તારું ઘર અને ઓફિસ બંને જોયા છે, તને જાનથી મારી નાખીશું."
અમને પૈસા કઢાવતા આવડે છે
બીજા દિવસે એટલે કે 17 જાન્યુઆરી 2026ના દિવસે, રામસિંહના પુત્ર સુજલે વકીલ નીતિન ગાંધીને ફોન કર્યો હતો. સુજલે ફોન પર વકીલને બિભત્સ ગાળો દઈને ધમકી આપી હતી કે, "મારા પપ્પાએ આપેલા ફીના પૈસા આપવામાં કેમ નાટક કરો છો? અમને પૈસા કઢાવતા આવડે છે." ત્યારબાદ રામસિંહે પણ વોટ્સએપ પર બીભત્સ મેસેજ કરી વકીલને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના જ અસીલ તરફથી મળતી સતત ધમકીઓથી ફફડી ઉઠેલા વકીલ નીતિન ગાંધીએ આખરે કાયદાનો આશરો લીધો છે. નવરંગપુરા પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વકીલ આલમમાં આ ઘટનાને પગલે રોષ જોવા મળી રહ્યો છે.