Tue Jan 20 2026

Logo

White Logo

‘બોર્ડર 2’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થતાંની સાથે જ : કરણી સેનાએ કર્યો વિરોધ, જાણો કારણ

1 month ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈ: લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ ‘બોર્ડર 2’નું તાજેતરમાં પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જોકે, પોસ્ટર રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કારણ કે ‘બોર્ડર 2’ના પોસ્ટરમાં દિલજીત દોસાંઝેને દર્શાવવામાં આવ્યો છે. જેને લઈને રાજસ્થાન કરણી સેના અને રાજસ્થાન ફિલ્મ એસોસિએશને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે.

શહીદોના સન્માનને ઠેસ પહોંચશે 

"બોર્ડર 2" ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી સાથે દિલજીત દોસાંઝ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝે ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટની ભૂમિકા ભજવી રહ્યો છે. "બોર્ડર 2"ના આ ફર્સ્ટ લુક પોસ્ટર બાદ વિવાદ શરૂ થયો છે.

રાજસ્થાન ફિલ્મ એસોસિએશન અને કરણી સેનાએ તેમના વિરોધનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, "અમે 'બોર્ડર 2'માં અભિનેતા દિલજીત દોસાંઝના સમાવેશનો સખત વિરોધ કરીએ છીએ. અમારું માનવું છે કે આ કાસ્ટિંગ જાહેર ભાવનાઓ સાથે અસંગત છે અને શહીદોના સન્માનને નુકસાન પહોંચાડી શકે છે."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by tseriesfilms (@tseriesfilms)

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિના આરોપીઓની ફિલ્મ રિલીઝ ન કરો 

કરણી સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, "અમારો મત સ્પષ્ટ છે કે, જે કોઈ રાષ્ટ્રીય હિતમાં નથી તે કોઈપણ સન્માનને પાત્ર હોઈ શકે નહીં." આ વિરોધ શહીદોના સન્માન, રાષ્ટ્રીય એકતા અને જનભાવનાને ધ્યાનમાં રાખીને નોંધાવવામાં આવી રહ્યો છે. બંને સંગઠનોએ ફિલ્મના નિર્માતાઓ અને દિગ્દર્શકને જાહેર ભાવનાઓનો આદર કરીને આ બાબત પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.

રાષ્ટ્ર વિરોધી વલણ રાખવાનો અથવા વિવાદાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવેલા કલાકારોને દર્શાવવામાં આવ્યા હોય, એવી કોઈપણ ફિલ્મો રિલીઝ ન કરવા  રાજસ્થાન કરણી સેનાએ રાજસ્થાનના ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરને વિનંતી કરી છે.

29 વર્ષ બાદ તૈયાર થઈ સિક્વલ

ઉલ્લેખનીય છે કે, "બોર્ડર 2" ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ સિંહે કર્યું છે, જ્યારે જેપી દત્તા, નિધિ દત્તા, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર તેનું નિર્માણ કરી રહ્યા છે. 1997માં રિલીઝ થયેલો પહેલો ભાગ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહ્યો હતો. હવે, જોવાનું એ રહે છે કે લગભગ 29 વર્ષ પછી રિલીઝ થનારી આ સિક્વલ વિવાદોનો સામનો કેવી રીતે કરે છે.