જૂનાગઢ: પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા આગામી 19 જાન્યુઆરી, 2026થી જૂનાગઢ-દેલવાડા અને જૂનાગઢ-વેરાવળ રૂટની મીટરગેજ ટ્રેન સેવાઓને કાયમી ધોરણે રદ કરવાની જાહેરાત કરવામાં આવતા ગીર-સોરઠ પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રેલવે તંત્રે વહીવટી કારણોસર આ ટ્રેનો બંધ કરી મુસાફરો માટે તાલાલા સ્ટેશન પર વૈકલ્પિક કનેક્શનની વ્યવસ્થા ગોઠવી હતી. જોકે, આ નિર્ણયથી તાલાલા સહિત આઠ તાલુકાના ગ્રામીણ મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મોટી મુસીબત ઊભી થાય તેમ હતી, જેના કારણે સ્થાનિક પરિવહન વ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી.
રેલવેના આ આકરા નિર્ણય સામે પ્રાંચી (રોડ) રેલવે સ્ટેશન ખાતે જાવંત્રી, લીમધ્રા અને પાણીકોઠા ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓએ એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાવંત્રીના સરપંચ અલ્તાફભાઈ બલોચ અને સ્થાનિક શાળાના આચાર્યના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓએ દેલવાડાથી તાલાલા આવતી ટ્રેનને અડધો કલાક સુધી રોકી રાખીને 'રેલ રોકો' આંદોલન છેડ્યું હતું. ગ્રામજનોએ વર્ષોથી ચાલતી આ સુવિધાજનક ટ્રેન સેવાઓને યથાવત રાખવાની માગ કરી હતી અને જો નિર્ણય પાછો ખેંચવામાં ન આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
જનતાના પ્રચંડ વિરોધ અને મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને આખરે રેલવે તંત્રએ નમતું જોખ્યું હતું અને ટ્રેનો બંધ કરવાનો નિર્ણય રદ કરીને નવા સમયપત્રકની જાહેરાત કરી હતી. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, વેરાવળ-દેલવાડા ટ્રેન (52949/52950) પોતાના નિર્ધારિત સમયે જ ચાલશે, જ્યારે જૂનાગઢ-વેરાવળ રૂટની અન્ય ટ્રેનોના સમયમાં 19 જાન્યુઆરીથી ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના હજારો ગ્રામીણ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.